શૈલેષ નાઘેરા: ગીર સોમનાથ જિલ્લાનાં સમુદ્રી તટ પર ત્રાટકનારા સંભવિત વાવાઝોડા તૌકતેની અસર મુદ્દે જિલ્લા વહીવટી તંત્ર સજ્જ છે. જિલ્લામાં દરિયાકિનારાના 24 ગામ અને 3 શહેરો હાઈએલર્ટ પર રાખવામાં આવ્યા છે. વેરાવળની સમુદ્ર સીમામાં કોસ્ટગાર્ડે માછીમારોને પરત ફરવા સૂચના આપી દેવામાં આવી છે અને દરિયામાંથી માછીમારો પરત ફરી રહ્યા છે. હાલ વેરાવળ બંદર પર બોટનો ખડકલો થઈ ગયો છે. વેરાવળ બંદર પર 2 નંબરનું ભયસુચક સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે. વાવાઝોડું 18મેએ ગુજરાતના દરિયા કિનારા નજીક પહોંચવાની સંભાવના છે.
12,500 લોકોનું કરાઈ શકે સ્થળાંતર
વાવાઝોડાની સંભવિત અસરના પગલે નીચાણવાળા વિસ્તારોના લોકોને સુરક્ષિત સ્થળે ખસેડાઈ રહ્યા છે. જો કે, હાલ વાવાઝોડાની સાથે કોરોના વાયરસનું પણ સંકટ તોળાઈ રહ્યું છે જેથી જે લોકોને સ્થળાંતર કરવાની ફરજ પડશે તેમના ફરજિયાત કોરોના ટેસ્ટ કરવામાં આવશે. આ મુદ્દે ગીર સોમનાથ કલેક્ટર અજય પ્રકાશે કહ્યું હતું કે, વાવાઝોડાની સંભવિત અસરને જોતા કુલ 12 હજાર 500 જેટલા લોકોનું સ્થળાંતર કરવાની ફરજ પડશે.
હોસ્પિટલ માટે ખાસ વ્યવસ્થા
તેમણે કહ્યું કે, વર્તમાન કોરોનાની મહામારીમાં તમામ દુર્ગમ પરિસ્થિતિમાં કોવિડ હોસ્પિટલો, અને આરોગ્ય કેન્દ્રો પર દર્દી ઓની સારવારમાં કોઈપણ અડચણ ન આવે તેના માટે પણ તંત્રએ વ્યવસ્થા કરી છે. કોઈ પણ હોસ્પિટલમાં પાવર કટ ન થાય તેના માટે PGVCLને સૂચના આપી દેવામાં આવી છે અને જો પાવર કટ થાય તો હોસ્પિટલમાં રિઝર્વ પાવર સપ્લાયની વ્યવસ્થા પણ કરી છે.
NDRF, SDRF તૈનાત
જિલ્લામાં 24 ગામડા અને 3 શહેરો હાઈએલર્ટ પર રાખવામાં આવ્યા છે. જિલ્લામાં બે NDRF અને એક SDRFની ટીમ રાઉન્ડ ધી કલોક તૈનાત છે. જિલ્લામાં પાંચ દિવસ ઇમરજન્સી કન્ટ્રોલરૂમ કાર્યરત કરાશે. ગીર સોમનાથમાં NDRFની 2 ટીમ તૈનાત રહેશે. એક વેરાવળ અને એક ઊનાના દરિયા કિનારે તૈનાત રહેશે. આ ઉપરાંત CRPFની એક ટીમ તેમજ જરૂર પડશે તો આર્મીની ટીમ પણ તૈનાત કરાશે.
દરિયાકાંઠે વસેલા છે 41 ગામ
ગીર સોમનાથ જિલ્લાનાં ઊના, કોડિનાર, સુત્રાપાડા અને વેરાવળ એમ કુલ 4 તાલુકાના 41 જેટલા ગામ દરિયાકિનારે વસેલા છે. જેમાંથી દરિયાકિનારાથી 10 કિલોમીટર અંતરે વસેલા ગામોને એલર્ટ કરાયા છે જ્યારે સમુદ્રથી તદ્દન નજીક વસેલા ગામને હાઈએલર્ટ પર રખાયા છે.વાવાઝોડાની સંભાવનાને લઈ જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ હતી જેમાં વાવાઝોડાની સંભવિત અસર મુદ્દે ચર્ચા કરી નિર્ણયો લેવાયા હતા.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત