Team Chaubk-Gujarat Desk: ગુજરાતથી પ્રકૃતિ રૂઠી છે. પહેલાં કોરોના અને હવે તૌકતે. ગીર સોમનાથ જિલ્લામાંથી જે તબાહીના દ્રશ્યો સામે આવ્યા છે તે અકલ્પનીય છે. હવામાન વિભાગે જેટલી ગંભીરતા વ્યક્ત કરી હતી તેટલી જ ગંભીરતાથી વાવાઝોડું દીવ અને ઊના સહિત ગીર સોમનાથ જિલ્લામાં ત્રાટક્યું અને બધુ જ વેરવિખેર કરી નાખ્યું.
ઊનામાં સેંકડો વૃક્ષો જમીનદોસ્ત થઈ ગયા છે. છાપરાવાળા મકાનોના છાપરા ઉડી ગયા છે. રસ્તાઓ પર ઠેર-ઠેર વીજપોલ નમી ગયા છે, તો કેટલાક ભાગોમાં વીજપોલ પડી ગયા છે. ભારે પવને વીજ ટ્રાન્ફોર્મરને પણ નુકસાન પહોંચાડ્યું છે.
ટીમ ધ ચાબુકે વાવાઝોડાની તબાહીની રાત અંગે ઊનાના લોકો સાથે વાત કરી હતી સમગ્ર પરિસ્થિતિનો ચિતાર મેળવ્યો. ગ્રામ્ય વિસ્તારના જેટલા લોકો સાથે વાત કરી તેમણે પહેલાં એવું જ કહ્યું કે, “અમે બચ્યા છીએ બાકી કંઈ બચ્યું નથી.”
એક સ્થાનિકે વાત કરતાં જણાવ્યું કે, કાલે સાંજે પાંચ વાગ્યાનો પવન શરૂ થયો હતો. ધીમે ધીમે વરસાદ અને પવન વધ્યો. 9 વાગ્યે તો પવને હદ વટાવી દીધી હતી. જાણે કોઈએ મશીન મૂકીને પવન ચાલુ કરી દીધો હોય તેમ પવન ફૂંકાઈ રહ્યો હતો. અમે માત્ર પવન સાથે વસ્તુઓના પડવાનો અવાજ સાંભળી શકતા હતા. અમે બધા ઘરમાં પુરાઈને એ આશાએ બેસી રહ્યા હતા કે હમણાં પવન શાંત થઈ જશે.

ઉનામાં કેરીના બગીચા ધરાવતા નિલેશભાઈએ જણાવ્યું કે, વર્ષોની મહેનતથી ઉગાડેલા આંબાનો સોથ વળી ગયો છે. ઘણા આંબા મૂળમાંથી ઉખડી ગયા છે તો ઘણા આંબાની ડાળીઓ પડી ગઈ છે. કંઈ બચ્યું નથી. આ બધું સાફ કરતાં છ મહિના થશે. રાત્રે ભારે અવાજ સાથે વૃક્ષો ધરાશાયી થઈ રહ્યા હતા. બાળકો પણ ડરી ગયા હતા. અમે એકાબીજાનો હાથ પકડીને બેસી રહ્યા હતા.

ઉનાના ગીર ગઢડા રોડ પર રહેતાં દિનેશભાઈ જણાવે છે કે, પવન એટલો વધુ હતો કે અમારી બારીના કાંચ તૂટી ગયા. એક સમયે તો એવું લાગી રહ્યું હતું કે એ બારી ઉડીને અમારી તરફ આવી જશે. રાતનું અંધારું પવનના અવાજમાં વધુ ડરાવી રહ્યું હતું.

ઉનાના અન્ય એક સ્થાનિકે વાત કરતાં કહ્યું કે, વધારે પવન શરૂ થયો એટલે અમે બારીઓને દોરીથી બાંધી દીધી. પવનના કારણે દરવાજો અથડાઈ રહ્યો હતો જાણે અવું લાગીરહ્યું હતું કે દરવાજો ઉડી જશે. એટલે અમે મા-દીકરી દરવાજા પાસે ઉભી રહી ગયા પરંતુ પવનનો થડકાટ છતા અમને ફંગોળી રહ્યો હતો. ઉપરના રૂમમાંથી પણ પાણી આવવાનું શરૂ થઈ ગયું હતું.

ઉનાના ખેડૂત સતીષભાઈ પટેલ પોતાની આપવીતી જણાવતા કહે છે કે, કમાવાનું સાધન જતુ રહ્યું. બધા આંબા પડી ગયા. ઘર બહાર પગ મૂકવાની જગ્યા નથી. વાડીમાંથી આ કાટમાળ ક્યારે કાઢી લઈશું ? આજુબાજુમાં બધાને આટલું જ નુકસાન થયું છે. સરકારને અમારી વિનંતી છે કે રાહત પેકેજ જાહેર કરે, જેથી અમારા જેવા ખેડૂતોને થયેલા નુકસાનની ભરપાઈ થઈ શકે.

એક સ્થાનિકે ધ ચાબુક સાથેની વાતચીતમાં કહ્યું હતું કે, અમારા ઘરનું બીજા માળનું છાપરું ઉડી ગયું. ઘરની સામે હવે 20-25 નારિયેળીમાંથી માત્ર 4-4 નારિયેળી ઉભી છે. બહું નુકસાન થયું છે. અમારે એકને જ નહીં આજુબાજુના વિસ્તારની પણ આવી જ હાલત છે.

આમ તૌકતે વાવાઝોડાએ કેરી અને નાળિયેરીની ખેતી કરતાં ખેડૂતોની હાલત કફોડી બનાવી દીધી છે. ઉના શહેરમાં પણ અનેક વિસ્તારોમાં નુકસાન થયું છે. અનેક જગ્યાએ દીવાલ પડી જવાના અને છાપરા ઉડી જવાના બનાવો સામે આવ્યા છે. તૌકતે તો આગળ વધી ગયું છે પરંતુ બરબાદી પાછળ છોડતું ગયું છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત