Homeગુર્જર નગરીદીવ, ઊના, રાજુલા, મહુવામાં તબાહી મચાવી હવે સુરેન્દ્રનગર, અમદાવાદ અને ઉત્તર ગુજરાત...

દીવ, ઊના, રાજુલા, મહુવામાં તબાહી મચાવી હવે સુરેન્દ્રનગર, અમદાવાદ અને ઉત્તર ગુજરાત તૌકતેની રડારમાં

Team Chabuk-Gujarat Desk: ગુજરાતના ઈતિહાસનું સૌથી મોટું વાવાઝોડું સૌરાષ્ટ્રને ધમરોળી રહ્યું છે. મહાપ્રચંડ ચક્રવાત ગઈકાલે રાત્રે 9 વાગ્યે સૌરાષ્ટ્રના દરિયાકાંઠે ટકારાઈ ગયું અને પછી શરૂ થયો તબાહીનો સિલસિલો.

વૃક્ષો ધરાશાયી થયા છે, પ્રકૃતિને મોટું નુકસાન થયું છે. 50-60 વર્ષ જૂના અડીખમ વૃક્ષો પણ જમીનદોસ્ત થઈ ગયા છે. ગામડે-ગામડે વીજળી ડૂલ થઈ ગઈ. ઘરની બહાર નીકળવું મુશ્કેલ હતું. લોકો ઘરમાં જ બેસીને તબાહી જોઈ રહ્યા હતા. ભારે પવન ફૂંકાતા પતરાવાળા મકાનોના પતરા ઉડી ગયા છે. ક્યાંક નળિયા પણ ઉડ્યાના અહેવાલ છે.175 પ્રતિ કલાકની ઝડપે ફૂંકાતા પવને ભારે તારાજી સર્જી. ઊના અને ગીરગઢડામાં આંબા અને નાળિયેરી બાગને ભારે નુકસાન પહોંચ્યું છે. ભારે પવન સામે નાળિયેરી જડમૂડમાંથી ઉખડીને પડી ગઈ છે. આંબાના વૃક્ષોની પણ હાલત એવી જ છે.

ભારે પવન સાથે ઊનામાં ધોધમાર વરસાદ પણ પડ્યો. સવાર સુધીમાં ઊનામાં 7 ઈંચ વરસાદ પડ્યો હતો. આ ઉપરાંત ગીર ગઢડામાં 7.5 ઈંચ, સાવરકુંડલામાં 6.5 ઈંચ, પાલીતાણામાં 6 ઈંચ, અમરેલીમાં 5 ઈંચ તેમજ મહુવા, રાજુલા, ખાંભા, બાબરામાં 5-5 ઈંચ વરસાદ નોંધાયો છે.

દીવમાં આર્મી કામે લાગી

દીવમાં પણ સેંકડો વૃક્ષો ધરાશાયી થયા છે. દીવમાં રસ્તાઓ પરથી વૃક્ષો હટાવવા માટે આર્મીની પણ મદદ લેવાઈ રહી છે. ઊનાના ગ્રામ્ય વિસ્તારોમાં એનડીઆરએફની ટીમ કામે લાગી ગઈ છે. દીવમાં રાત્રીના સમયે ધોધમાર વરસાદ વરસ્યો. સાથે જ દરિયો પણ ગાંડોતૂર બન્યો હતો. દરિયાનું પાણી દીવ શહેરમાં ઘૂસી ગયું છે. કેટલાક ઘરોમાં પણ દરિયાનું પાણી ઘૂસી ગયું હતું.

ઊનાથી નીકળી વાવાઝોડાએ અમરેલી અને ભાવનગર જિલ્લામાં તબાહી મચાવી હતી. અમરેલીના રાજુલામાં 200 નાના-મોટા વૃક્ષો ધરાશાયી થયા છે. મોટાભાગના માર્ગો હાલ બંધ છે. રાજુલામાં 175 પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયો હતો. આ ઉપરાંત ભાવનગરમાં પણ ભારે પવન ફૂંકાયો. ભાવનગરના મહુવામાં 100 કિલોમીટર પ્રતિકલાકની ઝડપે પવન ફૂંકાયો તેમજ રાત્રિ દરમિયાન 5 ઈંચ જેટલો વરસાદ પડ્યો.

તૌકતેએ જૂનાગઢમાં પણ તબાહી મચાવી. જૂનાગઢના પ્રવેશદ્વાર પર રહેલી સિંહની પ્રતિમા પવનના કારણે પડી ગઈ હતી. આ ઉપરાંત ભારે વરસાદના કારણે જૂનાગઢમાં 82 જેટલા વીજપોલ અને 50થી પણ વધુ વૃક્ષોધરાશાયી થયા હતા. મોડી રાત્રે ભારે પવને વિનાશ વેર્યો હતો.

વાવાઝોડું અમરેલીથી નીકળીને બોટાદ અને સુરેન્દ્રનગર તરફ આગળ વધી રહ્યું છે. બપોરે 3થી 5 વાગ્યા વચ્ચે વાવાઝોડું સુરેન્દ્રનગરથી પસાર થશે અને મધ્ય ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે. સાંજના સમયે અમદાવાદને વાવાઝોડું સ્પર્શ કરશે. ત્યારબાદ વિરમગામથી મોડી રાત્રે મહેસાણામાં પ્રવેશવાની શક્યતા છે. હવામાન વિભાગનું માનીએ તો પાટણ નજીક વાવાઝોડુ નબળુ પડે તેવી શક્યતા છે.

વાવાઝોડાની અસર અમદાવાદ, સુરત અને વડોદરામાં પણ થવાની શક્યતા છે. સાવચેતીના ભાગ રૂપે અમદાવાદ-સુરત એરપોર્ટ અને બસ સેવા બંધ કરવામાં આવી છે આ ઉપરાંત સૌરાષ્ટ્ર જતી 21 ટ્રેનો પણ 21 તારીખ સુધી બંધ રહેશે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments