Team Chabuk-Gujarat Desk: તૌકતે વાવાઝોડું ગુજરાતના દરિયા કિનારે ટકરાયું છે. હવામાન વિભાગ દ્વારા સત્તાવાર રીતે જાહેરાત કરવામાં આવી છે. આ અંગે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ માહિતી આપી છે. મુખ્યમંત્રી વિજય રૂપાણી ગાંધીનગરના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે ઉપસ્થિત રહી તૌકતે વાવાઝોડાના લેન્ડફોલ અને રાજ્ય પરથી પસાર થવાની સંપૂર્ણ પ્રક્રિયા પર નજર રાખી રહ્યા છે.
મુખ્યમંત્રીએ મોડી રાત્રે ગાંધીનગરના સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરમાં મુખ્ય સચિવ સહિત રાજ્ય સરકારના તમામ વિભાગના વરિષ્ઠ સચિવો સાથે સર્વગ્રાહી સમીક્ષા બેઠક યોજીને આ વાવાઝોડાની ગતિ, સ્થિતિ અને તીવ્રતા વિશેની રજેરજની માહિતી મેળવી હતી.
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ સમીક્ષા બેઠક સંદર્ભમાં વિગતો આપતા જણાવ્યું કે, તૌકતે વાવાઝોડું દીવ અને ઉના વચ્ચે આવી ચુક્યું છે. ભારે પવન અને વરસાદ શરૂ થયા છે. વાવાઝોડાને સંપૂર્ણપણે લેન્ડફોલ થતાં 2 કલાક લાગશે. અને ત્યારબાદ રાજ્ય પરથી વાવાઝોડાને પસાર થતા અન્ય 2 કલાક લાગશે. આમ રાત્રીના 1 વાગ્યા સુધી વાવાઝોડું અને તેને પગલે વરસાદ- ભારેપવન ફૂંકાવાનું ચાલુ રહેશે.
મુખ્યમંત્રીએ કહ્યું કે, વાવાઝોડાનું કેન્દ્ર- આઈ પસાર થતી હોય તે જગ્યા પર તીવ્રતા ઓછી હોય છે. પરંતુ આજુબાજુના મોટા વિસ્તારમાં ભારે પવન ચાલુ રહે છે. આથી વાવાઝોડુ જતું રહ્યું તેવી ગેરસમજ ન થાય અને નિષ્કાળજી કે બેદરકારી કોઈ ન રાખે તેવી ખાસ અપીલ કરી હતી.
તેમણે કહ્યું કે, ગીર સોમનાથ, અમરેલી, જૂનાગઢ અને ભાવનગર એમ ચાર જિલ્લામાં વાવાઝોડાની સૌથી વધુ અસર રહેશે અને ૧૫૦ કિલોમીટરની પ્રતિ કલાકની ગતિ સાથે ભારે પવન ફૂંકાશે. પોરબંદર, દ્વારકા, જામનગર અને રાજકોટમાં 100 કિલોમીટર પ્રતિ કલાક ગતિનો ભારે પવન ફૂંકાશે તથા આણંદ ભરૂચ અને અમદાવાદના ધોલેરા વિસ્તારમાં પણ વાવાઝોડાની અસર વર્તાશે.
મુખ્યમંત્રીએ કહ્યું કે, વાવાઝોડાને પગલે અમુક તાલુકામાં વીજ પુરવઠો ખોરવાયો છે, વૃક્ષો પડવાના ઘટના બની છે. વહીવટીતંત્ર લોકોને ઓછામાં ઓછી તકલીફ પડે અને જાનમાલની નુકસાની થાય નહીં તે રીતે કામગીરી કરી રહ્યું છે. મુખ્યમંત્રીએ કહ્યું કે વાવાઝોડાને પગલે કોઇ વ્યક્તિ કે કોઈ દર્દીને ક્યાંય ફસાય તો તેમને એરલિફ્ટ કરવા માટે દેશની વાયુસેના સાથે સંકલન કરીને વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. વાયુસેનાની આવશ્યક ટુકડીઓ આ માટે સ્ટેન્ડ-ટુ રાખવામાં આવી છે.
રાજ્ય સરકાર દ્વારા અસરગ્રસ્ત જિલ્લાઓમાં કોરોનાના દર્દીઓ માટેની દવા, ઓક્સિજન અને ઇન્જેક્શનનો પુરવઠો અગાઉથી જ પહોંચાડી દેવામાં આવ્યો છે જેથી આ વાવાઝોડા દરમિયાન કોરોના સંક્રમિત લોકોની સારવારમાં કોઈ વિક્ષેપ ઊભો ન થાય. મુખ્યમંત્રીએ આ અગાઉ ઉનાના મામલતદારશ્રી સાથે ટેલિફોનિક વાતચીત કરીને ઉનાની પરિસ્થિતિની જાણકારી મેળવી હતી, ખાસ કરીને કોવિડ સંક્રમિતોને કોઈ જ તકલીફ ન પડે તે જોવા ખાસ તાકીદ કરી હતી.
વાવાઝોડાના કારણે રાત્રિ કર્ફ્યૂ લંબાવાયો
ગુજરાત સરકારે રાજ્યના સૌ નાગરિકોને હાલની સંભવિત વાવાઝોડા સહિતની પરિસ્થિતિમાં તેમજ કોરોનાની સ્થિતિમાં સલામત-સુરક્ષિત રાખવા તેમજ ઓછામાં ઓછી તકલીફ પડે તે માટે રાત્રિ કર્ફ્યૂ અને વધારાના મર્યાદિત નિયંત્રણો વધુ ત્રણ દિવસ માટે યથાવત રાખવાનો નિર્ણય કર્યો છે. મુખ્યમંત્રીના આ નિર્ણય અનુસાર રાજ્યના ૮ મહાનગરો સહિત ૩૬ શહેરોમાં રાત્રિ કર્ફ્યૂ 18 મે થી 20 મે સુધી દરરોજ રાત્રિના ૮ વાગ્યાથી સવારના ૬ વાગ્યા સુધી અમલમાં રહેશે. આ ૩૬ શહેરોમાં હાલ જે નિયંત્રણો અમલમાં છે તે પણ તા. ૧૮મી મે સવારે ૬ વાગ્યાથી તા. ૨૧મી મે સવારે ૬ વાગ્યા સુધી યથાવત રાખવામાં આવ્યા છે. આ ૩૬ શહેરો સિવાય રાજ્યના અન્ય વિસ્તારોમાં હાલ જે નિયંત્રણો અમલમાં છે તે તા. ૧૮મી મે ના સવારે ૬ વાગ્યાથી તા. ૨૧મી મેના સવારે ૬ વાગ્યા સુધી અમલી રહેશે. 20 મેના રોજ નવું નોટિફિકેશન બહાર પાડવામાં આવશે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત