Homeગુર્જર નગરીઊનાથી Team Chabukનો ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ: "વાવાઝોડાએ જે 'આર્થિકઘાવ' આપ્યો છે તે...

ઊનાથી Team Chabukનો ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ: “વાવાઝોડાએ જે ‘આર્થિકઘાવ’ આપ્યો છે તે બહું ઉંડો છે”

શૈલેષ નાઘેરા: ગીર સોમનાથના ઊનામાં વાવાઝોડાએ તબાહી મચાવી છે. ભયંકર તબાહીની તસવીરો આવી રહી છે. ટીમ ચાબુક ઊનાના ગામડાઓ પરથી ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ મેળવી રહી છે. ટીમ ચાબુક ઊનાના ખોડિયાર નગરમાં પહોંચી હતી. ખેડૂતોએ ટીમ ચાબુક સમક્ષ પાતાની વેદના ઠાલવી હતી.

ઊનામાં જ્યાં જુઓ ત્યાં તબાહી જ તબાહી નજરે પડી રહી છે. આંખોની સામેના દ્રશ્યો એવું પણ દર્શાવી રહ્યા છે કે ઊનામાં મોટા વૃક્ષો રહ્યા જ નથી. ઊના ખુલ્લા મેદાન જેવું લાગી રહ્યું છે. આંબા, નારિયેળી, પપૈયા, કેળ, ચીકુ, લીમડા જેવા વૃક્ષો જમીન પર ધ્વસ્ત થઈ ગયા છે. વાવાઝોડાએ ખેતરોના ખેતરો તબાહ કરી નાખ્યા છે.

ટીમ ચાબુકે ઊનાથી છ કિલોમીટર દૂર ખોડિયાર નગરના ખેડૂતો સાથે વાતચીત કરી હતી. જ્યારે ટીમ પહોંચી ત્યારે સ્થાનિકોએ જાતે જ રસ્તાઓ પરથી વૃક્ષો હટાવવાની કામગીરી શરૂ કરી હતી.

ઊનાના ખોડિયાર નગરમાં રહેતાં ખેડૂત પારસ બાંભણિયાએ જણાવ્યું હતું કે, અમારે સાડા છ વિઘા જમીન છે. મારા ખેતરમાં નારિયેળી હતી જે તમામ પડી ગઈ છે. મારે નારિયેળી સાથે સાથે ગુલાબની વાડી પણ છે. ગુલાબની વાડી સદંતર નાશ થઈ ગઈ છે. મકાન પડી ગયા છે. અમારા પાડોશમાં રહેતા લોકોના છાપરા પણ ઉડી ગયા છે.

ખોડિયાર નગરમાં જ રહેતા અને ખેતી કરતાં ખેડૂત વિનોદ બાંભણિયાએ જણાવ્યું કે, અહીં મારે છ વિઘાનું ખેતર છે. તમામ છ વિઘામાં વાવેલી નારિયેળી પડી ગઈ છે. આ ખેતરમાંથી અમારે બે લાખ રૂપિયાની આવક થતી હતી જેનાથી મારો પુત્ર જે BHMSનો અભ્યાસ કરે છે તેની અમે ફી ભરતા. નારિયેળી હતી તો તેના અભ્યાસમાં આ તમામ રૂપિયાનો અમે ઉપયોગ કરતાં પરંતુ હવે શું કરવું કંઈ ખબર નથી પડતી. દીકરાના આગળના અભ્યાસ માટે હવે સરકાર લોન અને સહાય કરે તેવી આશા છે.

ઉલ્લેખનીય છે કે, નારિયેળીનો પાક ઉછેરતા અને તેમાંથી આવક શરૂ થતાં ખેડૂતોને છ-છ વર્ષનો સમય લાગી જતો હોય છે. છ વર્ષ જેમ એક માતા-પિતા પોતાના સંતાનોનો ઉછેર કરે છે તેમજ ખેડૂતો પોતાના પાકની પણ માવજત કરતાં હોય છે. વર્ષો બાદ તે પાકમાંથી ખેડૂતોને આવક થતી હોય છે પરંતુ વાવાઝોડાએ માત્ર ગણતરીના કલાકોમાં ખેડૂતોની વર્ષોની મહેનત પર પાણી ફેરવ્યું છે. ખેડૂતો કહી રહ્યા છે કે, હાલ અમારી પાસે જમીન હોવા છતાં અમારે મજૂરી કરવાનો વારો આવ્યો છે.

ગુજરાતમાં વાવાઝોડાથી કુલ 3 હજાર કરોડનું નુકસાન પહોંચ્યુ છે. માત્ર કૃષિ ક્ષેત્રે જ 1 હજાર 200 કરોડના નુકસાનનો અંદાજ છે. કેરીના પાકને અંદાજે 60 કરોડના નુકસાનીનો અંદાજ છે. સૌરાષ્ટ્રમાં 13 હજાર 800 હેક્ટરમાં આંબાનાં વૃક્ષ વાવાઝોડાની જપેટમાં આવી ગયા છે.

ખોડિયાર નગરના ખેડૂતોને જ નહીં ખોડિયાર નગરમાં અનેક લોકોના ઘરના છાપરા ઉડી ગયા હતા. ગરીબ મજૂરી કરીને રોજ કમાઈ રોજ ખાતા લોકો પરેશાન થઈ રહ્યા છે. વાવાઝોડાના પગલે ખોડિયાર નગરને હવે ફરી બેઠું થતાં લાંબો સમય લાગી જવાનો છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments