Team Chabuk-Gujarat Desk: ગુજરાતમાં કોરોના કેસના મામલે સતત રાહતના સમાચાર આવી રહ્યા છે. કોરોના વાઇરસનું સંક્રમણ ગુજરાતમાં ધીમું પડ્યું છે. દિવસે દિવસે સતત કેસ ઘટી રહ્યા છે. ગુજરાતમાં આજે કોરોનાના નવા દૈનિક કેસનો આંક 6 હજારથી નીચે નોંધાયો છે. જ્યારે 9 હજારથી વધુ દર્દીઓ સ્વસ્થ થયા છે.
ગુજરાતમાં આજે બુધવારે છેલ્લા 24 કલાકમાં 5246 કોરોનાના નવા કેસ નોંધાયા છે. જ્યારે 9001 લોકોએ કોરોનાને હરાવ્યો છે અને 71 લોકોના કોરોનાથી મોત થયા છે. ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી કોરોનાના નવા કેસની સરખામણીએ ડિસ્ચાર્જ થનારા દર્દીઓની સંખ્યા વધુ રહેતા રિકવરી રેટ પણ વધી રહ્યો છે. રાજ્યમાં કોરોનાથી સાજા થવાનો દર 86.78 પર પહોંચી ગયો છે.
અમદાવાદ શહેરમાં છેલ્લા 24 કલાકમાં રાજ્યના સૌથી વધુ 1296 કેસ નોંધાયા છે. અમદાવાદ શહેરમાં 10 લોકોના મોત થયા છે જ્યારે 1533 લોકોને સ્વસ્થ થતાં હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. સુરત શહેરમાં છેલ્લા 24 કલાક દરમિયાન 319 કોરોનાના નવા દર્દીઓ સામે આવ્યા છે. સુરત શહેરમાં 519 દર્દીઓને સાજા થતા હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરી દેવાયા છે. જ્યારે 6 લોકો મોતને ભેટ્યા છે. વડોદરા શહેરમાં છેલ્લા 24 કલાકમાં 436 નવા કોરોનાના કેસ નોંધાયા છે. વડોદરા શહેરમાં આજે 789 લોકોને ડિસ્ચાર્જ કરાયા છે અને 3 દર્દીના સારવાર દરમિયાન મોત થયા છે. રાજકોટ શહેરમાં છેલ્લા 24 કલાકમાં 168 નવા કોરોનાના કેસ નોંધાયા છે. 354 દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે જ્યારે 3 દર્દીના કોરોનાની સારવાર દરમિયાન મોત થયા છે. જામનગર શહેરમાં 149 નવા કેસ નોંધાયા છે, 327 દર્દીઓ સાજા થયા છે અને 4 લોકોના મોત થયા છે. જૂનાગઢ શહેરમાં 109 નવા કોરોનાના કેસ નોંધાયા છે, 174 દર્દીઓને સાજા થતાં રજા અપાઈ છે અને 3 લોકોના મોત થયા છે.
રાજ્યમાં સાજા થનારા દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે. હાલ કુલ 92,617 કોરોનાના દર્દીઓ સારવાર હેઠળ છે, જેમાંથી 742 દર્દીઓ વેન્ટીલેટર પર સારવાર લઈ રહ્યા છે જ્યારે 91,875 દર્દીઓની હાલત સ્થિર છે. રાજ્યમાં અત્યાર સુધી કોરોના વાઇરસના કારણે સરકારી ચોપડે 9340 મૃત્યુ નોંધાયા છે. અત્યાર સુધી રાજ્યમાં 6,69,490 લોકોએ કોરોનાને હરાવ્યો છે. રિકવરી રેટ વધતાં હવે હોસ્પિટલમાં પણ બેડ ખાલી થઈ રહ્યા છે. ઘણી જગ્યાએ સામાજિક સંસ્થાઓ દ્વારા શરૂ કરાયેલા કોવિડ કેર સેન્ટરો પણ બંધ કરવામાં આવી રહ્યા છે. જે ગુજરાત માટે સારા સમાચાર છે.
તારીખ 19 મેના રોજ ગુજરાતમાં નોંધાયેલા કોરોનાના નવા કેસ, ડિસ્ચાર્જ દર્દીઓ અને મૃતકોની વિગત pic.twitter.com/BJxlTokleZ
— thechabuk (@thechabuk) May 19, 2021
આવતીકાલથી રસીકરણ શરૂ થશે
ગુજરાતમાં બંધ કરાયેલી રસીકરણની કામગીરી આવતીકાલ ગુરુવારથી શરૂ કરવામાં આવશે. 14 મેથી 45 વર્ષથી વધુની ઉંમરના લોકોને રસી આપવાનું કાર્ય બંધ છે. તે ઉપરાંત વાવાઝોડાના કારણે છેલ્લા ત્રણ દિવસથી સમગ્ર રાજ્યમાં તમામ લોકોને રસી આપવાનું કાર્ય બંધ કરવામાં આવ્યું છે. જો કે હવે વાવાઝોડાનું સંકટ દૂર થતાં આવતીકાલથી કોરોના રસીકરણની કામગીરી શરૂ થશે.
રસીકરણ અંગે નવી ગાઈડલાઈન
નેશનલ એક્સપર્ટ ગ્રુપ ઓન વેક્સિન એડમિનિસ્ટ્રેશન ફોર કોવિડ (NEGAVC)ની વેક્સિન વિશે કરવામાં આવેલી ભલામણોને સરકારે મંજૂરી આપી દીધી છે. આ ભલામણને મંજૂરી મળ્યા બાદ હવે કોરોના સંક્રમણમાંથી સાજા થનાર વ્યક્તિને 3 મહિના પછી વેક્સિનનો ડોઝ આપી શકાશે. આ સિવાય ફીડિંગ કરાવતી માતાઓને પણ વેક્સિન આપવાની ભલામણને સ્વીકારી લેવામાં આવી છે.
જો કોઈ વ્યક્તિ ગંભીર રીતે બીમાર છે, તેને હોસ્પિટલમાં દાખલ થવાની કે આઈસીયુની જરૂર છે તો તેને વેક્સિન માટે 4-8 સપ્તાહ રાહ જોવી પડશે. ત્યારપછી તેને વેક્સિન આપવામાં આવશે. કોઈ પણ વ્યક્તિ વેક્સિન લીધાના 14 દિવસ પછી રક્તદાન કરી શકશે. જો કોઈ વ્યક્તિ કોરોનાગ્રસ્ત છે અને 14 દિવસ પછી તેનો RT-PCR નેગેટિવ આવે તો તે પણ રક્તદાન કરી શકશે. વેક્સિનેશન પહેલાં કોઈ પણ વ્યક્તિના રેપિડ એન્ટીજન ટેસ્ટની જરૂર નથી.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત