Homeગુર્જર નગરીરાજ્યમાં આજે બે લાખથી વધુને કોરોનાની રસી આપવામાં આવી, રિકવરી રેટ 90...

રાજ્યમાં આજે બે લાખથી વધુને કોરોનાની રસી આપવામાં આવી, રિકવરી રેટ 90 ટકાને પાર

Team Chabuk-Gujarat Desk: ગુજરાતમાં કોરોના કેસના મામલે સતત રાહતના સમાચાર આવી રહ્યા છે. કોરોના વાઇરસનું સંક્રમણ ગુજરાતમાં ધીમું પડ્યું છે. દિવસે દિવસે સતત કેસ ઘટી રહ્યા છે. ગુજરાતમાં આજે કોરોનાના નવા દૈનિક કેસનો આંક 4 હજારથી નીચે નોંધાયો છે. જ્યારે 9 હજારથી વધુ દર્દીઓ સ્વસ્થ થયા છે.

ગુજરાતમાં આજે છેલ્લા 24 કલાકમાં 3187 કોરોનાના નવા કેસ નોંધાયા છે. જ્યારે 9305 લોકોએ કોરોનાને હરાવ્યો છે અને 45 લોકોના કોરોનાથી મોત થયા છે. ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી કોરોનાના નવા કેસની સરખામણીએ ડિસ્ચાર્જ થનારા દર્દીઓની સંખ્યા વધુ રહેતા રિકવરી રેટ પણ વધી રહ્યો છે. રાજ્યમાં કોરોનાથી સાજા થવાનો દર 90.07 ટકા પર પહોંચી ગયો છે.

અમદાવાદ શહેરમાં છેલ્લા 24 કલાકમાં રાજ્યના સૌથી વધુ 459 કેસ નોંધાયા છે. અમદાવાદ શહેરમાં 8 લોકોના મોત થયા છે જ્યારે 2527 લોકોને સ્વસ્થ થતાં હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. સુરત શહેરમાં છેલ્લા 24 કલાક દરમિયાન 181 કોરોનાના નવા દર્દીઓ સામે આવ્યા છે. સુરત શહેરમાં 421 દર્દીઓને સાજા થતા હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરી દેવાયા છે. જ્યારે 2 લોકો મોતને ભેટ્યા છે. વડોદરા શહેરમાં છેલ્લા 24 કલાકમાં 337 નવા કોરોનાના કેસ નોંધાયા છે. વડોદરા શહેરમાં આજે 579 લોકોને ડિસ્ચાર્જ કરાયા છે અને 3 દર્દીના સારવાર દરમિયાન મોત થયા છે. રાજકોટ શહેરમાં છેલ્લા 24 કલાકમાં 152 નવા કોરોનાના કેસ નોંધાયા છે. 237 દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે જ્યારે 1 દર્દીનું કોરોનાની સારવાર દરમિયાન મોત થયા છે. જામનગર શહેરમાં 87 નવા કેસ નોંધાયા છે, 238 દર્દીઓ સાજા થયા છે અને 1નું મોત થયું છે.

એક્ટિવ કેસ 70 હજારથી ઓછા

રાજ્યમાં સાજા થનારા દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે જેના કારણે એક્ટિવ દર્દીઓની સંખ્યા પણ 70 હજાર નીચે પહોંચી ગઈ છે. હાલ કૂલ 68,971 કોરોનાના દર્દીઓ સારવાર હેઠળ છે, જેમાંથી 648 દર્દીઓ વેન્ટીલેટર પર સારવાર લઈ રહ્યા છે જ્યારે 68,323 દર્દીઓની હાલત સ્થિર છે. રાજ્યમાં અત્યાર સુધી કોરોના વાઇરસના કારણે સરકારી ચોપડે 9621 મૃત્યુ નોંધાયા છે. અત્યાર સુધી રાજ્યમાં 7,13,065 લોકોએ કોરોનાને હરાવ્યો છે. રિકવરી રેટ વધતાં હવે હોસ્પિટલમાં પણ બેડ ખાલી થઈ રહ્યા છે. ઘણી જગ્યાએ સામાજિક સંસ્થાઓ દ્વારા શરૂ કરાયેલા કોવિડ કેર સેન્ટરો પણ બંધ કરવામાં આવી રહ્યા છે. જે ગુજરાત માટે સારા સમાચાર છે.

બે લાખથી વધુને અપાઈ રસી

રાજ્યમાં રસીકરણમાં પણ તેજી લાવવામાં આવી રહી છે. છેલ્લા 24 કલાકમાં કૂલ 2,17,513 લોકોને કોરોનાની રસી આપવામાં આવી છે. અત્યાર સુધી કૂલ 1,56,01,373 રસીના ડોઝ રાજ્યભરમાં આપવામાં આવી ચૂક્યા છે. આજની વાત કરીએ તો આજે 4386 હેલ્થ કેર વર્કર અને ફ્રન્ટ લાઈન વર્કરને રસીનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો હતો. જ્યારે 6595 હેલ્થ કેર વર્કર અને ફ્રન્ટ લાઈન વર્કરને રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો હતો. 45 વર્ષથી વધુ ઉંમરના 89,059 લોકોને રસીનો પ્રથમ ડોઝ અને 18,730 લોકોને બીજો ડોઝ આપવામાં આવ્યો હતો. આજે કૂલ 98,745 18-45 વર્ષના લોકોને રસીનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો હતો.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments