Team Chabuk-Gujarat Desk: જામનગરમાં ચોરીની એક મોટી ઘટના સામે આવી છે. જામનગરના નવાગામ ઘેડની આનંદ સોસાયટીમાં આવેલા એક મકાનમાંથી 100 તોલા સોનાની ચોરી થતાં ચકચાર મચી જવા પામી છે. આજે સવારે આ ચોરીની ઘટનાની જાણ થઈ હતી. ઘટનાની જાણ થતાં જ સીટી બી ડીવીઝનની ટીમ તથા એલસીબીની ટીમ તપાસ માટે આનંદ સોસાયટીમાં પહોંચી ગઈ હતી.
પરિવાર ઉપરના માળે સૂતો હતો અને ચોર હાથ સાફ કરી ગયા
પોલીસ પાસેથી મળેલી પ્રાથમિક વિગતોના આધારે એફએસએલ, ડોગ સ્કવોડની મદદ લઈને તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. પોલીસ દ્વારા ઘટના સ્થળ અને આજુબાજુના સીસીટીવી ફૂટેજ તપાસવામાં આવ્યા હતા. જે મકાનમાં ચોરી થઈ છે તે બે માળનું છે. રાત્રિના સમયે પરિવાર ઉપરના માળે સૂતો હતો તે દરમિયાન રાત્રિના તસ્કરો મકાનમાં ત્રાટક્યા હતા અને 100 તોલા સોનું લઈને નાસી ગયા હતા.
જામનગરમાં આવેલા નવાગામ ઘેડની આનંદ સોસાયટીમાં લક્ષ્મી એપાર્ટમેન્ટ સામે રહેતા અને રોયલ રાજપૂતાના ખાનગી સિકયુરિટીની એજન્સી ચલાવતા આફતાબભાઈ શેખના મકાનમાં રાત્રિના સમયે તસ્કરો ત્રાટક્યા હતા અને અંદાજે 100 તોલા જેટલા સોના-દાગીના લઈ ગયાની વિગતો બહાર આવી છે. ઘટનાની જાણ સવારે થતાં પોલીસને જાણ કરવામાં આવી હતી અને તુરંત પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી.
પ્રાથમિક વિગતોમાં ઘરમાંથી લાખોની કિંમતના 100 તોલા જેટલા દાગીના ચોરી થયા હવાની વિગતો પ્રાપ્ત થઈ રહી છે. પોલીસે પ્રાથમિક વિગતોના આધારે આજુબાજુના સીસીટીવી ફૂટેજ ચેક કરવા અને એફએસએલ તથા ડોગ સ્કવોડની મદદ લેવામાં આવી હતી.
વારસાઇમાં મળ્યું હતું સોનું
વધુમાં જાણવા મળ્યું હતું કે, આફતાબભાઈ બે માળના મકાનમાં રહે છે, ગતરાત્રિના તેઓ પરિવાર સાથે બીજા માળે સુવા ગયા હતા અને પહેલા માળે તસ્કરો રાત્રિના સમય ત્રાટક્યા હતા, દરવાજો અને મકાનની અંદર રહેલી તિજોરીના તાળા તોડીને માતબાર રકમના દાગીના ઉઠાંતરી કરી જતા સનસનાટી ફેલાઈ ગઈ છે. એવી પણ વિગત જાણવા મળી છે કે, આફતાબભાઈ સહિત પાંચ ભાઇઓને સંયુકત વારસાઇમાં આ સોનું પ્રાપ્ત થયું હતું. આ દરમિયાનમાં ચોરી થતાં બનાવ પાછળ કોઈ જાણભેદુનું કારસ્તાન છે કે કેમ ? એ મુદ્દે પણ તપાસ કરવામાં આવી રહી છે.
પોલીસ સૂત્રોમાંથી જાણવા મળેલી વિગત મુજબ આશરે 100 તોલા સોનું ચોરી થયું છે, રાત્રિના 12 વાગ્યાની આફતાબભાઈ ઉઠ્યા હતા અને એ પછી વ્હેલી સવારે ઉઠીને તેઓએ જોતા નીચેના મકાનનું તાળુ તૂટેલું જોવા મળ્યું હતું. તપાસ કરતાં ઘરમાંથી દાગીનાની ચોરી થઈ હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસ પ્રાથમિક વિગતોના આધારે કુલ કેટલી કિંમતની સોનાની ચોરી થઇ છે તેની આકારણી કરી રહી છે, ત્યારબાદ કેટલા તોલા દાગીનાની ચોરી થઈ છે તેની સાચી વિગતો બહાર આવશે.
થોડા દિવસ પહેલા જ જામજોધપુરના ભૂતમેડીમાં બંગાળી કારીગરના મકાનમાંથી 29 તોલા સોનાની ચોરી થઈ હતી. ત્યારબાદ હવે નવાગામ ઘેડ વિસ્તારમાં 100 તોલા સોનાની ચોરી થતાં પંથકમાં ફફડાટ ફેલાઈ ગયો છે. આ પ્રકારને બની રહેલી ચોરીની ઘટનાઓ પોલીસ માટે પણ આ બનાવ એક પડકાર સમાન બની ગયો છે. હાલ પોલીસ દ્વારા અલગ અલગ ટીમો બનાવીને આસપાસના વિસ્તારના સીસીટીવી ફૂટેજ તપાસવામાં આવી રહ્યા છે.

તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત