Team Chabuk-Gujarat Desk: દારૂબંધી ધરાવતા ગુજરાતમાં દારૂ ક્યાંથી ઘૂસી જાય છે એ વણઉકેલ્યો કોયડો છે. રાજ્યમાંથી અવારનવાર દારૂનો જથ્થો પકડાય છે. બુટલેગરો પણ પોલીસની નજરોથી બચવા દારૂની હેરાફેરીમાં વિવિધ કિમીયા અપનાવતા હોય છે. ત્યારે અમદાવાદમાંથી આવી જ એક દારૂની હેરાફેરી ઝડપાઈ છે. તેલના ડબ્બામાં સંતાડેલો દારૂ અને બિયરના ટીનનો જથ્થો મળી આવ્યો છે.
અમદાવાદ શહેરમાં બુટલેગરો બેફામ બન્યા હોય તેમ છડેચોક દારૂની હેરાફેરી થઈ રહી છે. પરંતુ આજે પોલીસે એક બુટલેગરની દારૂ ઘુસાડવાની કોશિશને નાકામ કરી દીધી છે. અમદાવાદની કૃષ્ણનગર પોલીસે તેલના ડબ્બામાં સંતાડેલો દારૂ અને બિયરના ટીનનો જથ્થો ઝડપી પાડ્યો છે.
પોલીસ પાસેથી મળતી વિગતો પ્રમાણે, કૃષ્ણનગર પોલીસ સ્ટેશનના પોલીસ કર્મચારીઓને બાતમી મળી હતી કે એક વાદળી કલરના ટેમ્પોમાં તેલના ડબ્બાની અદંર દારૂ છુપાવીને લઈ જવામાં આવી રહ્યો છે. આ બાતમીના આધારે કૃષ્ણનગર પોલીસે વોચ ગોઠવી હતી. તે દરમિયાન બાતમી પ્રમાણે જ એક ટેમ્પો ચાલક નીકળ્યો હતો. પોલીસે ટેમ્પો ચાલકને રોકીને તેની પૂછપરછ કરી હતી.
પોલીસની પુછપરછ દરમિયાન ટેમ્પો ચાલકે પોતાનું નામ બિપીન જાદવ હોવાનું જણાવ્યું હતું અને ટેમ્પોમાં તેલના ડબ્બા હોવાનું કહ્યું હતું. પરંતુ પોલીસને અગાઉથી જાણ હોવાથી ટેમ્પોમાં રહેલા તેલના ડબ્બાની તપાસ કરી હતી. પોલીસે જોતાં આ તેલના ડબ્બા ઉપરથી બંધ હતા તેથી પોલીસે કટર મગાવીને ડબ્બાને કાપ્યા હતા. ડબ્બાને કાપતા તેમાંથી દારૂ અને બિયરના ટીન નીકળતા પોલીસની આંખો પણ ફાટી ગઈ હતી.
પોલીસે એક બાદ એક ટેમ્પોમાં રહેલા તમામ ડબ્બાને કટરથી કાપતા તેમાંથી દારૂ અને બિયરના ટીન મળી આવ્યા હતા. પોલીસે તેલના ડબ્બાને કાપીને કુલ 434 દારૂની બોટલ અને 235 બિયરના ટીન જપ્ત કર્યા હતા. પોલીસે દારૂ અને બિયર સહિત કુલ 4 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે.

આમ પોલીસે બુટલેગરની હેરાફેરીને નિષ્ફળ બનાવી હતી. અવારનવાર અમદાવાદ શહેરમાંથી આ પ્રકારે દારૂની હેરાફારી કરતાં શખ્સો ઝડપાય છે. પોલીસની કાર્યવાહીથી બચવા માટે બુટલેગરો આ પ્રકારની તરકીબો અપનાવતા હોય છે. ઘણી વખત વાહનોની સીટ નીચે કે ઘરમાં ખાનગી ભોંયરું બનાવીને સંતાડેલો દારૂનો જથ્થો પણ પોલીસે ઝડપી પાડ્યો છે. ત્યારે આ કિસ્સામાં ઝડપાયેલો દારૂ અને બિયરનો જથ્થો ક્યાંથી આવ્યો હતો અને ક્યાં લઈ જવામાં આવતો હતો તે અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત