Homeગુર્જર નગરીઅસામાજિક તત્વએ ભાજપના આ ધારાસભ્યને 60થી 70 કોલ કરી જાનથી મારી નાખવાની...

અસામાજિક તત્વએ ભાજપના આ ધારાસભ્યને 60થી 70 કોલ કરી જાનથી મારી નાખવાની ધમકી આપી

Team Chabuk-Gujarat Desk: પંચમહાલ જિલ્લામાં અસામાજિક તત્વો બેફામ બન્યા હોય તેમ હવે તેઓએ ધારાસભ્યને હેરાન કરવાનું પણ બાકી નથી રાખ્યું. ગોધરામાં એક શખ્સે ધારાસભ્યને જાનથી મારી નાખવાની ધમકી આપી છે. આ મામલો પોલીસ સ્ટેશને પહોંચતા પોલીસે અસામાજિક તત્વની શોધખોળ શરૂ કરી છે.

પંચમહાલના ગોધરામાં ભાજપના ધારાસભ્ય સી.કે.રાઉલજી અને તેમના પુત્ર માલવસિંહ રાઉલજીને જાનથી મારી નાખવાની ધમકી મળી છે. આ અંગે ગોધરા તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. આરોપ છે કે,  પ્રવિણ ચારણ નામના શખ્સે તેમને અપશબ્દો કહી જાનથી મારી નાખવાની ધમકી આપી છે.

સી.કે.રાઉલજીના પુત્ર માલવસિંહે આ અંગે ફરિયાદ નોંધાવી છે કે, ગોધરાના વાવડી(ખુર્દ) ગામમાં રહેતા ચારણ પ્રવિણ ઉર્ફે પી.કે નામના શખ્સે તેમને ધમકી આપી હતી કે,  અમારા મતોથી તમે ચૂંટણી જીતો છે અમે જે કામ કહીએ તે કામ થવા જોઈએ. નહીંતર તમને અમારા ગામમાંથી નીકળવા દઈશું નહીં અને ક્યારેક પતાવી દઈશું. એટલું જ નહીં આ શખ્સે ફોનપર અપશબ્દો બોલી ફરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

ફરિયાદમાં ઉલ્લેખ કરાયો છે કે, સોમવારે ધારાસભ્યના મોબાઈલમાં પણ 60થી 70 જેટલા ફોન ચારણ પ્રવિણ નામના શખ્સે જ કર્યા હતા. આ શખ્સે ધારાસભ્યને પણ જાનથી મારી નાખવાની ધમકી ઉચ્ચારી હતી.

આ અંગે ધારાસભ્યએ કહ્યું હતું કે, “મને એક વ્યક્તિએ પીધેલી હાલતમાં ફોન કર્યો હતો અને ધમકી આપી હતી. હું તે વ્યક્તિને ઓળખતો નથી.”

ધારાસભ્યના પુત્ર માલવસિંહનો આરોપ છે કે, “ભૂતકાળમાં પણ અમને તાલુકા-જિલ્લા પંચાયતની ચૂંટણીમાં ફોન કર્યા હતા અને હવે ફરીથી મને અને મારા પિતાને  જાનથી મારી નાખવાની ધમકી આપી છે. મે આ બાબતે ફરિયાદ નોંધાવી છે.”

આ બાબતે  પંચમહાલ જિલ્લાના પોલીસ વડા લીના  પાટીલે જણાવ્યું હતુ કે, ધારાસભ્ય અને તેમના પુત્રને ધમકી મળ્યાની ફરિયાદ નોંધાઈ છે. આ અંગે તપાસ ચાલુ છે અને આરોપીની શોધખોળ ચાલી રહી છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments