મયૂર ખાવડુ:ઋષિએ પોતાની જટામાં આ વખતનું ચોમાસુ ભરી લીધું લાગે છે. એ જટાનો વિન્યાસ કરવા નથી માગતાં. પક્ષીઓની આંખમાં ચોમાસાની વિસ્મૃતિ વરતી શકાય છે. વલખા મારતા કબૂતરો ઉડીને મારી કાચની બારીએ અથડાય છે. એ અથડાય ત્યારે હિચકોકનાં ચિત્રપટ જેવું બિહામણું દૃશ્ય ખડું થાય છે. હું મારા ઘરની બારીને ખોલી આભમાં વરસાદના વરતારાને જોવાની કોશિશ કરું છું. મને કેટલાક દુબળા વાદળાઓ દેખાય છે. એ છૂટાછવાયા છે. એને જોઈને અંદરનાં નીર ખૂટી પડ્યા હોવાનો ભાવ જાગૃત થાય છે. જાણે કૃષકાય થઈ ગયા છે. એનામાં તવંગરતા દેખાય છે. કાં તો એ નિવૃત્ત થશે કાં તો એક બીજું વાદળું તેને પોતાની અસીમ ભુજાઓમાં ભરી લઈ દેવહુમાની જેમ જીવતું કરશે. હું એને દેવહુમા બનતા જોવા ઈચ્છું છું. ને ત્યાં ધીમે ધીમે આકાશ વેશપલટો કરે છે. સફેદમાંથી કાળા વસ્ત્રો ધારણ કરે છે. આજની ઘોર અંધારી રાત પ્રત્યાયન કરવાની છે.
આકાશમાં તારકવૃંદોનું શાસન એ મેઘરાજને મળેલો દેશવટો છે. એની હાજરી વરસાદની ગેરહાજરી પરત્વે મને સૂચિત કરી રહી છે. આજે બધા તારાઓએ હાજરી પૂરાવી છે એટલે વર્ગખંડના શિક્ષક ચંદ્ર તો ભારે ખુશ છે. એની અંદરની ડોશી, જો હોય તો? સૌથી અનુભવી શિક્ષક હશે. એ તારાઓને એક કાલ્પનિક વાર્તા કહી બિવડાવતી હશે. એ કપોળકલ્પિત વાર્તા તમને કોઈ નહીં કહે, હું કઉં છું.
વર્ષો પહેલા આકાશ નામની નિશાળમાં મેઘ નામનો એક તારો હતો. એ કોઈ દિવસ હાજરી નહોતો પૂરાવતો. શશીમાં બેઠેલી ડોશીએ તેને શિક્ષા કરી કે આજથી ચાર મહિના જ તું દેખાઈશ. એમાંય અમે બધા થઈ તને નહીં આવવા દઈશું. તું અદૃશ્ય તારો બનીશ જેનું કામ લોકને પાણી પહોંચાડવાનું રહેશે. તારા અસ્તિત્વની પ્રતીક્ષા કાળશિશ માનવીઓ કરશે. મેઘ નામનો તારો તો હેડમાસ્તરે આપેલી સૂચના મુજબ કામ કરવા માંડ્યો. એની અંદર પ્રતિશોધની ભાવનાએ જન્મ લીધો. એણે વાદળાઓ સાથે મૈત્રી કરી. એણે બે વાદળાઓને અથડાવી વીજળીનું નિર્માણ કર્યું. એ ભણતો ત્યારે અક્ષર ગડબડ ગોટા કરતો હતો એટલે એણે વીજળી પણ એવી જ બનાવી. જ્યાં પડે ન્યાં ગડબડ ગોટો. એના ઉપરથી જમીનમાં રહેતા ભૂલકાઓએ ગડબડ ગોટો અને ઈશ્વર મોટોની રચના કરી. આકાશનાં વર્ગખંડમાંથી તગેડી મૂકાયેલા એ મેઘે તારાએ એવી તો મહેનત કરી કે કવિઓને તેના વિના ચાલે નહીં. નિબન્ધકારોને એની અનુપસ્થિતિ કોરી ખાય. નવલકથામાં એના દૃશ્યો આવે. વાર્તામાંય એવું તો ખરું હો. એ ન હોય તો ઉકળાટ અને બફારો થાય. એ ન હોય તો આપણે શું ખાવું? એ ન હોય તો આપણે શું પીવું? મેઘે તો વર્ગખંડનો હોશિયાર વિદ્યાર્થી બની ગયો.
પણ કોઈ કોઈ વખત તારાઓનું વૃંદ પેલા મેઘને પજવે છે. જ્યારે એની પજવણી થાય છે ત્યારે આપણું આવી બને છે. આજની રાતે પણ તેને પજવી રહ્યા છે. એ તો લુચ્ચો છે એવી વાત આ બધા તારાઓ સાગમટે કરી રહ્યા છે. કાંઈ મનુષ્યએ લુચ્ચો નામ થોડું આપ્યું છે! તારાઓ એને ઉર્વરા પર આવવા દે છે અને પછી પોતાની અસીમ શક્તિથી ગાયબ કરી દે છે. મારા ઘરની ઈમારતની ડાબી બાજુના ભાગે એક તારો કંઈક વધારે જ ચમકી રહ્યો છે. એ ખરવાની તૈયારીમાં તો નથી લાગતો. ક્યાંક મને ધમકાવવા આવ્યો છે કે, ‘હું મેઘની પ્રતિક્ષા ન કરું. એને આજે અમે બરાબરનો પકડી રાખ્યો છે.’
કાલિદાસની મેઘદૂતની રચનાથી આ દૃશ્ય ઉલટું ભાસી રહ્યું છે. ક્યાંક એ ચમકતા અને મોટા તારાને મેઘે તો મારી પાસે નથી મોકલ્યો ને? જે કહી રહ્યો હોય કે એને હજુ વાર લાગશે. આ મારો સંદેશો છે. અમારું હવામાન વિભાગ તમારા હવામાન વિભાગની જેમ આગાહી નથી કરતું. કહી જ દે છે. વિચારું છું તારો નિસ્તેજ થઈ જાય, પણ એ થતો નથી. એને હજુ કશું તેની ભાષામાં કહેવું છે. કદાચ લોકબોલીમાં ફરમાવવું છે. એ પ્રયત્ન કરે છે પણ હું તેની ભાષાને સમજી શકું તેટલો સમર્થ નથી. પ્રકૃતિની ભાષા સમજવામાં હું હજુ વામણો છું. નિરક્ષર છું.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત