Team Chabuk-Gujarat Desk: વરસાદની સિઝન શરૂ થતાં જ વિવિધ જીવ જંતુઓ દેખા દેતા હોય છે. ચોમાસાની ઋતુમા સાપ પણ બહાર આવતા હોય છે. ત્યારે તાજેતરમાં સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણમાં ભાગ્યે જ જોવા મળતો રૂપસુંદરી નામના સાપે દેખા દીધી છે. વઢવાણમાં દેખાયેલો રૂપસુંદરી નામનો સાપ આ પ્રજાતિનો ભારતનો સૌથી લાંબો સાપ હોવાનું કહેવામાં આવી રહ્યું છે.
1લી જુલાઈના રોજ વઢવાણ શહેરના શિયાણીની પોળ પાસે આવેલી શાક માર્કેટમાં આ સાપ દેખાયો હતો. શાક માર્કેટ જેવી જાહેર જગ્યાએ આ પ્રકારનો સાપ દેખાતા લોકોમાં થોડીવાર માટે ભયનો માહોલ જોવા મળ્યો હતો. શાક માર્કેટમાં સાપ હોવાની જાણકારી મળતાં વઢવાણના હિતેશ્વરસિંહ મોરી રેસ્ક્યૂ માટે પહોંચ્યા હતા. સાપના રક્ષણ માટે વર્ષોથી કામ કરતાં હિતેશ્વરસિંહ મોરીએ વઢવાણ શાક માર્કેટમાંથી આ સાપને પકડી લીધો હતો.
હિતેશ્વરસિંહ મોરી સાપની વિવિધ પ્રજાતિઓ અંગે ઉંડી જાણકારી રાખે છે. તેથી તેમણે વઢવાણમાં જોવા મળેલા રૂપસુંદરી નામના આ સાપની લંબાઈ વિશે કુતૂહલ જાગ્યું હતું. કેમ કે હિતેશ્વરસિંહ મોરીને લાગ્યું કે રૂપસુંદરી નામના આ સાપની લંબાઈ આટલી ન હોય. તેથી તેમણે ગુજરાતના સર્પ નિષ્ણાતો સાથે વાત કરીને હકીકત જાણી હતી. વાતચીતમાં જાણવા મળ્યું કે વઢવાણમાં દેખાયેલો આ રૂપસુંદરી નામનો સાપ ભારતનો સૌથી વધુ લંબાઈ ધરાવતો સાપ છે.
ધ ચાબુક સાથેની વાતચીતમાં હિતેશ્વરસિંહ મોરીએ આ અંગે જણાવ્યું હતું કે, રૂપસુંદરી નામના સાપની સામાન્ય લંબાઈ 3.5 ફૂટથી 4 ફૂટ જેટલી હોય છે. વઢવાણની શાક માર્કેટમાંથી પકડાયેલા આ સાપની લંબાઈ 5 ફૂટ 7 ઇંચ છે. હિતેશ્વરસિંહ મોરીએ જણાવ્યું કે, સર્પ સંદર્ભ-2 નામના પુસ્તકમાં ઉલ્લેખ કરાયો છે કે આ અગાઉ રૂપસુંદરી નામના સાપની સૌથી વધુ લંબાઈ 5 ફૂટ 5 ઇંચનો રેકોર્ડ છે. જ્યારે વઢવાણમાં જોવા મળેલો આ રૂપસુંદરી નામનો સાપ 5 ફૂટ 7 ઇંચનો છે. જે આ પ્રજાતિનો ભારતનો સૌથી લાંબો સાપ છે. હિતેશ્વરસિંહ મોરીએ વઢવાણ શાક માર્કેટમાંથી આ સાપનું રેસ્ક્યૂ કરીને સીમ વિસ્તારમાં સલામત રીતે છોડી મૂક્યો હતો.
રૂપસુંદરી સાપ વિશે થોડી જાણકારી
રૂપસુંદરી નામની આ સર્પની પ્રજાતિ ભાગ્યે જ જોવા મળતી હોય છે. આ એક બિનઝેરી સાપ છે. આ એક આલ્બીનો પ્રકારનો સાપ છે. આ સાપની આંખ એકદમ લાલ હોય છે. આ સાપ મોટાભાગે દસ થી પંદર ઇંડા મૂકે છે. આ સાપ દેખાવે ખૂબ જ રૂપાળો, અલંકૃત આભૂષણ જેવો લાગે છે. આ સાપના શરીર પરની ડિઝાઈન ખૂબ જ સુંદર હોવાથી તેને રૂપસુંદરી કે અલંકૃત સાપ કહેવામાં આવે છે. તેના ગળાથી શરૂ થતાં ત્રણ-ત્રણ હારનાં ઘટ્ટ ભુરા તથા કાળા ટપકા શરીરની અડધી લંબાઈ સુધી હોય છે. આખા શરીર પર સફેદ તથા પીળાશ પડતા રંગની પટ્ટીઓ હોય છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત