Team Chabuk-Gujarat Desk: તાજેતરમાં રાજ્યમાં અનેક સરકારી અધિકારીઓની બદલીઓ કરવામાં આવી છે. બદલીઓ થતાં જ અધિકારીઓ પોતાની હાલની જગ્યાએથી વિદાય થઈને નવી જગ્યાએ પોતાની જવાબદારી સંભાળવા માટે પહોંચી રહ્યા છે. ત્યારે રાજકોટના અધિક કલેક્ટરને અનોખી રીતે વિદાયમાન કરવામાં આવ્યા હતા. રાજકોટ કલેક્ટર કચેરી ખાતે ભારતીય કિસાન સંઘ-રાજકોટ દ્વારા અધિક કલેક્ટરને વિશેષ પ્રકારે સન્માન કરીને વિદાય આપવામાં આવી હતી.
રાજકોટના અધિક કલેક્ટર પરિમલ પંડ્યાની બદલી અમદાવાદ કરવામાં આવી છે. રાજકોટ કલેક્ટર કચેરી ખાતે આજે તેમનો અંતિમ દિવસ હતો. તેથી ભારતીય કિસાન સંઘ-રાજકોટ દ્વારા અધિક કલેક્ટર પરિમલ પંડ્યાનું અનોખું સન્માન કરવામાં આવ્યું હતું. ભારતીય કિસાન સંઘ- રાજકોટ અને ખેડૂતોએ સાથે મળીને સન્માનપૂર્વક વિદાય આપવા એક કાર્યક્રમનું આયોજન કર્યું હતું. જેમાં અધિક કલેક્ટર પરિમલ પંડ્યાને માથા પર પાઘડી પહેરાવી ગાડામાં બેસાડીને ઢોલ-નગારાના તાલે સન્માનની સાથે વિદાય આપવામાં આવી હતી.

ભારતીય કિસાન સંઘ- રાજકોટ અને ખેડૂત આગેવાનોએ જણાવ્યું હતું કે, રાજકોટ જિલ્લાના ખેડૂતો આવા નિષ્ઠાવાન વ્યક્તિને કાયમ યાદ રાખશે અને દરેક ખેડૂતો ભગવાનને પ્રાર્થના કરે છે કે તેમની જ્યાં બદલી થઈ છે ત્યાં આનાથી પણ વિશેષ કામ કરી રાષ્ટ્રના વિકાસમાં મદદરૂપ થશે. ભારતીય કિસાન સંઘના આગેવાનો અને ખેડૂત આગેવાનોએ જણાવ્યું હતું કે, ત્રણ વર્ષથી ખેડૂતોના પ્રશ્નોને લઈને કલેક્ટર કચેરીએ ઘણી વખત રજૂઆત કરવા ગયા છીએ, અધિક કલેક્ટર પરિમલ પંડ્યા સાહેબ દરેક વખતે ખેડૂતોના પ્રશ્નોને જે તે વિભાગના અધિકારીઓ સાથે સંકલન કરાવી પ્રશ્નનું નિરાકરણ આવે તેવા દરેક વખતે પ્રયત્ન કરતાં હતા. ખેડૂતો અને ગામડાઓના પ્રશ્નના નિવારણ માટે તેમનાથી થાય તેટલા તમામ પ્રયત્નો કરતાં હતાં.

આમ ખેડૂતોના પ્રશ્નોને હંમેશા અગ્રતા આપી તેના નિરાકરણ માટે પ્રયત્નશીલ રહેનાર પરિમલ પંડ્યાને ખેડૂત આગેવાનો અને ભારતીય કિસાન સંઘ- રાજકોટ દ્વારા સન્માનપૂર્વક વિદાય આપવામાં આવી હતી. પરિમલ પંડ્યાને ફૂલનો હાર પહેરાવી, સન્માન પત્રક પણ અર્પણ કરવામાં આવ્યું હતું.
આવા વિશિષ્ટ વિદાયમાન બદલ અધિક કલેક્ટર પરિમલ પંડ્યા પણ ગદગદ થઈ ગયા હતા. પરિમલ પંડ્યાએ આ તકે જણાવ્યું હતુ કે, આ પ્રકારે ગાડામાં બેસવાનો મને પ્રથમ વખત અનુભવ થયો છે. આ અનુભવ મારા માટે હંમેશા યાદગાર અને અવિસ્મરણીય બની રહેશે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત