Homeગુર્જર નગરીસુરેન્દ્રનગરના સાંસદ મહેન્દ્ર મુંજપરાએ શપથ ગ્રહણ સમયે એવું શું કર્યું કે તેઓ...

સુરેન્દ્રનગરના સાંસદ મહેન્દ્ર મુંજપરાએ શપથ ગ્રહણ સમયે એવું શું કર્યું કે તેઓ અન્ય મંત્રી કરતાં અલગ પડ્યા

Team Chabuk-Gujarat Desk: બુધવારે કેન્દ્રીય મંત્રીમંડળમાં મોટા ફેરફાર થયા. અનેક મોટા ગજાના મંત્રીઓ પાસેથી મંત્રાલય છીનવી લેવામાં આવ્યા. મોદી સરકારના મંત્રાલયમાં રહેલા અનુભવી અને દિગ્ગજ મંત્રીઓએ રાજીનામા આપવા પડ્યા. તો સામે ઘણા નવા ચહેરાને મંત્રીમંડળમાં સ્થાન પણ મળ્યું. કુલ 43 મંત્રીઓએ કેન્દ્ર સરકારના મંત્રી તરીકે શપથ ગ્રહણ કર્યા. આ 43 નામમાં એક નામ હતું સુરેન્દ્રનગરના સાંસદનું. જેમણે પોતાના શપથ ગ્રહણ વખતે સૌનું ધ્યાન ખેંચ્યું.

સુરેન્દ્રનગર લોકસભા બેઠકના સાંસદ ડોક્ટર મહેન્દ્ર મુંજપરાએ ગઈકાલે રાષ્ટ્રપતિ ભવન ખાતે રાજ્ય મંત્રી તરીકેના શપથ લીધા. એક બાદ એક મંત્રીઓ શપથ લઈ રહ્યા હતા. છેક 40મો નંબર સુરેન્દ્રનગરના સાંસદ ડોક્ટર મહેન્દ્ર મુંજપરાનો આવ્યો. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે તેઓને રાજ્ય મંત્રી તરીકેના શપથ લેવડાવ્યા. પરંતુ શપથ ગ્રહણ સમયે ડોક્ટર મહેન્દ્ર મુંજપરાએ એવું કર્યું કે તેઓ અન્ય મંત્રીઓ કરતાં અલગ પડ્યા. તેમના શપથ ગ્રહણની નોંધ કંઈક જુદી જ રીતે લેવાઈ. કેમ કે શપથ ગ્રહણ સમયે જ્યારે પોતાનું નામ બોલવાનું થયું ત્યારે ડોક્ટર મહેન્દ્ર મુંજપરાએ પોતાના નામની પાછળ માતાનું નામ લગાવ્યું.

કુલ 43 મંત્રીઓએ શપથ લીધા, જેમાંથી જો કોઈએ પોતાના નામની પાછળ માતાનું નામ લગાવ્યું હોય તેવા એકમાત્ર મંત્રી ડોક્ટર મહેન્દ્ર મુંજપરા હતા. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ તેઓને જ્યારે શપથ લેવડાવતા હતા ત્યારે તેઓએ પોતાનું નામ હિન્દીમાં બોલતા કહ્યું કે, મેં ડોક્ટર મુંજપરા મહેન્દ્રભાઈ પ્રેમિલાબેન કાળુભાઈ. ડોક્ટર મહેન્દ્ર મુંજપરાએ પોતાના નામ બાદ પોતાના માતા પ્રેમિલાબેનનું નામ લગાવ્યું હતું અને ત્યારબાદ પિતા કાળુભાઈનું નામ લગાવ્યું હતું. આમ નામની પાછળ પિતાના નામની પહેલા માતાનું નામ લગાવીને મહેન્દ્ર મુંજપરાએ એક અલગ દાખલો બેસાડ્યો હતો.

મહત્વનું છે કે, 52 વર્ષીય ડોક્ટર મહેન્દ્ર મુંજપરા ભાજપે પ્રથમ વખત વર્ષ 2019ની લોકસભા ચૂંટણીમાં સુરેન્દ્રનગર બેઠક પરથી ટિકિટ આપી હતી અને તેઓ જંગી બહુમતીથી જીત્યા હતા. તેઓ પ્રથમ વખત જ 2019માં સાંસદ તરીકે ચૂંટાઈ આવ્યા છે. સાંસદ તરીકેની પ્રથમ ટર્મમાં જ તેઓને કેન્દ્ર સરકારના મંત્રીમંડળમાં સ્થાન મળી ગયું છે. મહેન્દ્ર મુંજપરાને કેન્દ્ર સરકારમાં મહિલા અને બાળ વિકાસ મંત્રાલયના રાજ્ય મંત્રી બનાવાયા છે. ઉપરાંત તેઓને આયુષ મંત્રાલયના પણ રાજ્ય મંત્રી બનાવાયા છે.

ડોક્ટર મહેન્દ્ર મુંજપરા વ્યવસાયિક રીતે ડોક્ટર છે. સુરેન્દ્રનગર શહેરમાં તેઓ જનસેવા હોસ્પિટલ પણ ચલાવી રહ્યા છે. ડોક્ટર મહેન્દ્ર મુંજપરા કોળી સમાજમાંથી આવે છે. તેઓ સ્વાસ્થ્ય મંત્રાલયની સ્ટેન્ડિંગ કમિટીમાં સભ્ય તરીકે પણ ફરજ બજાવે છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments