Team Chabuk-Political Desk: હિમાચલ પ્રદેશના છ વખતના મુખ્યમંત્રી અને પૂર્વ કેન્દ્રિય મંત્રી વીરભદ્ર સિંહનું આજે નિધન થઈ ગયું. જાણકારી મુજબ 3.40 વાગ્યે તેમનું નિધન થયું હતું. બે વખત કોરોના પોઝિટિવ આવ્યા બાદ તેઓ શિમલાની આઈજીએમસીમાં સારવાર લઈ રહ્યા હતા. વરિષ્ઠ કોંગ્રેસના નેતાના નિધનથી સમગ્ર પ્રદેશમાં શોકની લહેર દોડી ગઈ છે.
તેઓ આશરે દોઢ મહિનાથી આઈજીએમસીમાં દાખલ હતા. સોમવારના રોજ અચાનકથી તબિતય લથડતા ડોક્ટરોએ તેમને વેન્ટીલેટર પર દાખલ કર્યા હતા. જે પછીથી તેઓ બેભાન અવસ્થામાં સારવાર લઈ રહ્યા હતા. જોકે ગુરૂવારે સવારે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. તેઓ 87 વર્ષના હતા. આઈજીએમસીના એમએસ ડો.જનક રાજે તેમના મૃત્યુની પુષ્ટી કરી હતી.
વીરભદ્રસિંહ છ વખત હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી રહી ચૂક્યા છે. યુપીએ સરકારમાં પણ તેઓ કેબિનેટ મંત્રી હતા. તેમની પાસે સુક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ મંત્રાલય હતું. તેમનો જન્મ 23 જૂન 1934માં બુશહર રિયાસતના રાજા પદમસિંહના ઘરમાં થયો હતો.
વીરભદ્રસિંહે 1962માં, વર્ષ 1983થી 1990, 1993થી 1998માં કેટલાક દિવસ સુધી ત્રીજી વખત, બાદમાં 2003થી 2007 અને 2012થી 2017માં હિમાચલના મુખ્યમંત્રી રહ્યા હતા. લોકસભા માટે તેઓ પ્રથમ વખત 1962માં પસંદગી પામ્યા હતા.
તેમણે સૌ પ્રથમ વખત મહાસૂ લોકસભા સીટ પરથી ચૂંટણી લડી હતી. પંડિત જવાહર લાલ નહેરુ તેમને રાજનીતિમાં લાવ્યા હતા. જે વાતને વીરભદ્ર સિંહ પણ વારંવાર પોતાના ભાષણમાં રિપીટ કરતા રહેતા હતા. લોકસભા માટે વીરભદ્ર સિંહ 1962, 1967, 1971 અને 2009માં પસંદગી પામ્યા હતા. વર્તમાન સમયે વીરભદ્ર સિંહ અર્કીથી ધારાસભ્ય પદે હતા. ઈન્દિરા ગાંધીની સરકારમાં વીરભદ્રસિંહ ડિસેમ્બર 1976થી 1977 સુધી કેન્દ્રિય પર્યટન અને નાગરિક ઉડ્ડયન રાજ્યમંત્રી રહ્યા હતા. બીજી વખત પણ તેઓ ઈન્દિરા સરકાર વખતે 1982થી 1983 સુધી કેન્દ્રિય ઉદ્યોગ રાજ્યમંત્રી રહ્યા હતા.
તેમની રાજનીતિક કારકિર્દીએ મોટો વળાંક હિમાચલ પ્રદેશમાં લીધો હતો. તત્કાલિન મુખ્યમંત્રી ઠાકુર રામ લાલની જગ્યાએ તેમણે પ્રદેશની કમાન સંભાળી હતી. જે પછી તેઓ છેલ્લે સુધી રાજ્યની રાજનીતિમાં સક્રિય રહ્યા હતા.
પ્રધાનમંત્રી મનમોહન સિંહના નેતૃત્વમાં કેન્દ્રની યુપીએ સરકારમાં વીરભદ્ર સિંહે 28 મે 2009થી લઈને 18 જાન્યુઆરી 2011 સુધી કેબિનેટમાં રહ્યા હતા. તેમની પાસે સૌ પ્રથમ ઈસ્પાત મંત્રાલય હતું. એ પછી લઘુ, સુક્ષ્મ અને મધ્યમ ઉદ્યોગનું મંત્રાલય હતું.
તેઓ પરંપરાગત સીટ રોહડુથી ચૂંટણી લડતા હતા. તેમના ઘર રામપુરની સીટ અનારક્ષિત હોવાના કારણે તેઓ અહીંથી ક્યારેય ચૂંટણી ન લડી શક્યા. પુન:સીમાંકનના કારણે રોહડુ સીટ પણ આરક્ષિત થતાં વર્ષ 2012માં તેઓ શિમલા ગ્રામીણ સીટ પરથી ચૂંટણી લડ્યા હતા. 2017માં તેમણે આ સીટ પોતાના દીકરા વિક્રમાદિત્ય સિંહ માટે છોડી અને ખૂદ અર્કીથી ચૂંટણી લડ્યા હતા.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત