Team Chabuk-Gujarat Desk: ઘણા પોલીસ કર્મીઓ પોતાને મળેલી સત્તાનો દુરુપયોગ કરતાં નજરે પડતાં હોય છે. ખાખીનો ખૌફ દેખાડીને તેઓ નાના લોકોને દબાવી ધમકાવી લાભ ઉઠાવતા હોય છે. ત્યારે આવો વધુ એક કિસ્સો વડોદરામાંથી સામે આવ્યો છે. વડોદરામાં એક પોલીસ કર્મચારીને મફતમાં ડુંગળી ન મળતાં ફેરિયાને માર માર્યો હોવાની ઘટના સામે આવી છે. ઉપરથી માસ્ક ન પહેરવા અને પોલીસની કામગીરીમાં અડચણ લાવવા બદલ ફેરિયા સામે જ ગુનો નોંધવામાં આવ્યો છે.
ઘટના વડોદરામાં શાકભાજી વેચતા એક ફેરિયા સાથે બની છે. મૂળ ઉત્તર પ્રદેશનો ગણેશ સોનકર નામનો વ્યક્તિ સમા વિસ્તારમાં મામલતદાર કચેરીના ફૂટપાથ પર ડુંગળી, બટાકા અને મગફળી વેચીને ગુજરાન ચલાવી રહ્યો છે. એવામાં ગઈકાલે તેની પાસે બે પોલીસ કર્મચારીઓ આવ્યા હતા અને 1 કિલો મગફળી મફતમાં લઈને રૂપિયા આપ્યા વિના ચાલ્યા ગયા હતા. ગણેશ સોનકર પાસે બીજા દિવસે પણ આ બન્ને પોલીસ કર્મીઓ આવ્યા હતા અને 20 કિલો ડુંગળીની માંગણી કરી હતી. પરંતુ આટલા મોટા જથ્થામાં ડુંગળી મફતમાં આપવી પોસાય તેમ ન હોવાથી ગણેશ સોનકરે ડુંગળી આપવાની ના પાડી દીધી હતી.
ડુંગળી આપવાની ના પાડતાં જ ખાખીધારી પોલીસ કર્મીઓ રોષે ભરાયા હતા અને ફેરિયાને માર મારવા લાગ્યા હતા. બન્ને પોલીસ કર્મીઓએ પોતાના પદનો ખોટો ઉપયોગ કરીને ફેરિયાને માર માર્યો હતો. સમગ્ર ઘટનાનો વીડિયો પણ વાઇરલ થયો છે. પોલીસ કર્મીઓએ ફેરિયાને રસ્તા પર સુવડાવીને માર માર્યો હતો. ઉલ્ટ ચોર કોટવાલ કો ડાંટે કહેવતને સાર્થક કરતાં હોય તેમ બન્ને પોલીસ કર્મીઓએ ફેરિયાવાળા સામે ગુનો નોંધાવ્યો હતો. ફરિયાદ બાદ પોલીસ ફેરિયાને સમા પોલીસ સ્ટેશને લઈ આવી હતી. જ્યાં ફેરિયાની ફરિયાદ લેવાની જગ્યાએ પોલીસે માસ્ક ન પહેર્યું હોવાનું અને પોલીસની કામગીરીમાં અડચણ ઉભી કરી હોવાનું કહીને ફેરિયા સામે જ ગુનો નોંધ્યો હતો.
આ ઘટના બાદ અન્ય ફેરિયાઓ અને લોકોમાં પણ ગુસ્સો જોવા મળી રહ્યો છે. અહીં સવાલ એ થઈ રહ્યા છે કે, ખાખીને બદનામ કરી રહેલા આવા કર્મચારીઓ પર કેમ કોઈ પગલાં ભરવામાં નથી આવતા? નાના માણસોને હેરાન કરીને આવા પોલીસ કર્મીઓ શું સાબિત કરવા માગે છે?
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત