Homeગુર્જર નગરીસગાઈના 15 દિવસ પહેલાં સુરતમાં યુવતીનો આપઘાત, સ્યુસાઈડ નોટમાં લખ્યુઃ 'હું ભગવાન...

સગાઈના 15 દિવસ પહેલાં સુરતમાં યુવતીનો આપઘાત, સ્યુસાઈડ નોટમાં લખ્યુઃ ‘હું ભગવાન પાસે જવા માંગુ છું’

Team Chabuk-Gujarat Desk: સુરત શહેરમાં આપઘાતના બનાવો અટકવાનું નામ નથી લઈ રહ્યા. છેલ્લા થોડા દિવસની અંદર જ ઉપરા છાપરી આપઘાતની ચાર ઘટનાઓ બનવા પામી છે. સુરત શહેરમાં આજે વધુ એક યુવતીએ આપઘાત કરી લીધો છે. સુરત શહેરના કતારગામ વિસ્તારમાં પરિવાર સાથે રહેતી યુવતીએ સ્યુસાઈડ નોટ લખીને આપઘાત કરી લીધો છે. સ્યુસાઈડ નોટમાં યુવતીએ લખ્યું છે કે, હું ભગવાન પાસે જવા માંગુ છું, મારા પગલાં પાછળ કોઈ જવાબદાર નથી. આપઘાત કરનાર યુવતીની 15 દિવસ પછી જ સગાઈ થવાની હતી. સગાઈના 15 દિવસ પહેલાં જ યુવતીએ આપઘાત કરીને જીવન ટૂંકાવી દેતા પરિવારમાં માતમ છવાઈ ગયો છે.

પોલીસ પાસેથી મળેલી માહિતી પ્રમાણે, આપઘાત કરનાર યુવતી મૂળ ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના તરેડા ગામના અને હાલ સુરતના કતારગામ વિસ્તારમાં આવેલી રમણનગર સોસાયટીમાં રહેતા જશુભાઈ પાંડવની પુત્રી છે. જશુભાઈ પાંડવ મજૂરી કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા છે. સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. જેમાં આપઘાત કરનાર ભક્તિ પાંડવ મોટી છે. ભક્તિએ ધોરણ 10 સુધીનો અભ્યાસ કરેલો હતો અને અભ્યાસ બાદ તે બે વર્ષથી ઘરે જ રહીને માતાને ઘરકામમાં મદદ કરતી હતી. આ દરમિયાન ગઈકાલે બપોર બાદ ભક્તિએ ઘરે લોખંડની એંગલ સાથે કપડું બાંધી ફાંસો ખાઈ લીધો હતો.

પરિવારના જણાવ્યા અનુસાર ભક્તિની મરજીથી જ એક મહિના પહેલાં સગાઈની વાત ચાલી હતી અને 15 દિવસ બાદ તેની સગાઈ થવાની હતી. પરંતુ સગાઈ પહેલાં જ ભક્તિએ આ પગલું ભરી લેતા પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે. ભક્તિએ ક્યા કારણોસર આ અનિચ્છનિય પગલું ભર્યું તે અંગે પોલીસ તપાસ કરી રહી છે. ભક્તિએ આપઘાત પહેલા સ્યુસાઈડ નોટમાં લખ્યું છે કે, હું ભગવાન પાસે જવા માંગુ છું, મારા મોત માટે કોઈ જવાબદાર નથી, હું મારી મરજીથી આ પગલું ભરી રહી છું. પોલીસે સ્યુસાઈડ નોટ કબજે કરીને તેના આધારે આપઘાતનું મૂળ કારણ શોધવા તપાસ આદરી છે.

મહત્વનું છે કે, સુરતમાં છેલ્લા પાંચેક દિવસમાં ચાર જેટલા લોકોએ આપઘાત કરીને જીવનની માયા સંકેલી લીધી છે. બે દિવસ પહેલાં જ ખાનગી હોસ્પિટલમાં નર્સ તરીકે ફરજ બજાવતી યુવતીએ તાપી નદીમાં કુદીને આપઘાત કરી લીધો હતો. આ પહેલા એક યુવકે સરદાર બ્રિજ અને અન્ય એક યુવકે કેબલ બ્રિજ પરથી તાપી નદીમાં કુદીને આપઘાત કર્યો હતો. ત્યારે વધુ એક યુવતીએ આપઘાત કરી લેતાં સુરત શહેરમાં અરેરાટી વ્યાપી ગઈ છે.

(તસવીર પ્રતિકાત્મક છે)

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments