Homeગુર્જર નગરીઅમદાવાદઃ એક તરફી પ્રેમમાં પાગલ યુવકની હરકતોથી કંટાળી પરિણીતાએ સાતમા માળેથી કૂદી...

અમદાવાદઃ એક તરફી પ્રેમમાં પાગલ યુવકની હરકતોથી કંટાળી પરિણીતાએ સાતમા માળેથી કૂદી આત્મહત્યા કરી લીધી

Team Chabuk-Gujarat Desk: અમદાવાદમાં એક પરિણીતાએ ફ્લેટના સાતમા માળેથી કૂદીને આત્મહત્યા કરી લીધી છે. એક તરફી પ્રેમમાં પાગલ યુવકની ધમકી અને લગ્ન માટેના દબાણ સહિતની હરકતોથી કંટાળીને પરિણીતાએ આ પગલું ભરી લીધું હોવાનું જાણવા મળ્યું છે. આ મામલે એલિસબ્રિજ પોલીસ સ્ટેશને ગુનો નોંધાતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

અમદાવાદ શહેરના એલિસબ્રિજ વિસ્તારમાં આવેલા ભુદરપુરામાં રહેતા ચંદુભાઈ પરમારની પુત્રી આરતીના લગ્ન પાંચેક વર્ષ પહેલા અરવલ્લીના વિષ્ણુ સાથે થયા હતા. અરવલ્લીમાં આરતીના સાસરીમાં ફળિયામાં રહેતો દિનેશ બારિયા નામનો યુવક આરતીનો પતિ ઘરે ન હોય ત્યારે ઘરે આવી જતો હતો અને તેની સાથે સંબંધ રાખવા માટે દબાણ કરતો હતો. આ યુવકની આવી હરકતોથી કંટાળીને આરતી તેના પતિ અને બાળક સાથે અમદાવાદ રહેવા આવી ગઈ હતી. આરતી અને તેનો પતિ વિષ્ણુ અમદાવાદ શહેરના સિંધુ ભવન રોડ ખાતે રહેવા લાગ્યા હતા. આ અંગેની જાણકારી દિનેશને મળતાં તે પણ બિસ્તરાં પોટલા ભરીને અમદાવાદ રહેવા આવી ગયો હતો અને વાડજ વિસ્તારમાં ભાડે મકાન રાખી રહેવા લાગ્યો હતો.

થોડા દિવસ પહેલા આરતી એલિસબ્રિજ ખાતેના તેના પિતાના ઘરે હતી ત્યારે અચાનક દિનેશ ત્યાં આવી પહોંચ્યો હતો. દિનેશે ફોન કરીને આરતીને નીચે બોલાવી હતી અને ફરવા જવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. પરંતુ આરતીએ દિનેશનો પ્રસ્તાવ ફગાવતા ફરવા જવાની ના પાડી દીધી હતી. જેથી દિનેશે આરતીને તેના ભાઈ અને પિતાને મારી નાખવાની ધમકી આપી ફરવા લઈ ગયો હતો. બાદમાં આરતી ફરી એક વખત તેના એક તરફી પ્રેમી દિનેશ સાથે ફરવા ગઈ હોવાની જાણ પતિ વિષ્ણુને થઈ હતી. જેથી વિષ્ણુએ આ અંગેની જાણ તેના સસરાને કરી હતી.

બાદમાં દિનેશને ફોન કરીને આરતી ક્યાં છે તે અંગેની પૂછપરછ કરતાં તેનો ભાઈ આરતીને મૂકી ગયો હતો. ત્યારબાદ બીજા દિવસે આરતીએ સવારના સમયે ફ્લેટના સાતમા માળેથી કૂદીને આત્મહત્યા કરી લીધી હતી. આરતીની આત્મહત્યા મામલે એલિસબ્રિજ પોલીસ સ્ટેશને દિનેશ વિરુદ્ધ આત્મહત્યા માટે દુષ્પ્રેરણાનો ગુનો નોંધી પોલીસે તપાસ આગળ વધારી છે. આમ એક તરફી પ્રેમમાં પાગલ યુવકની હરકતોથી કંટાળીને એક પરિણીતાએ જીવન ટૂંકાવી દીધું હોવાની ઘટના સામે આવી છે. પરિણીતાની આત્મહત્યાથી એક બાળક મા વિહોણું બન્યું છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments