Homeગુર્જર નગરીખંભાળિયાના સલાયામાં 12 કલાકમાં બે બહેનોના મોત, સાપ કરડવાથી મોત થયાની આશંકા

ખંભાળિયાના સલાયામાં 12 કલાકમાં બે બહેનોના મોત, સાપ કરડવાથી મોત થયાની આશંકા

Team Chabuk-Gujarat Desk: પાંચ દિવસ પહેલાં જ ઊનાના લામધાર ગામે સર્પ દંશથી બે સગી બહેનોના મોતની ઘટના બની હતી ત્યારે આવી જ બીજી ઘટના દેવભૂમિ દ્વારકા જિલ્લાના સલાયામાંથી સામે આવી છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના સલાયામાં એક જ પરિવારની બે બહેનોના 12 કલાકના અંતરે મોત નિપજ્યા છે. માત્ર 12 કલાકમાં જ બે બહેનોના મોત નિપજતાં પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે. આસપાસના વિસ્તારમાં પણ આ ઘટનાથી અરેરાટી વ્યાપી ગઈ છે.

એક જ પરિવારની બે બહેનોના 12 કલાકના અંતરે મોત થવા અંગે બન્નેને ઝેરી સાપે દંશ માર્યો હોવાની પ્રાથમિક આશંકા છે. બે દિવસ પૂર્વ સતાર પરિવારની બન્ને બહેનો નિંદર માણી રહી હતી ત્યારે જ ઝેરી સાપે દંશ માર્યો હોવાની આશંકા સેવાઈ રહી છે. જો કે બન્ને બહેનોના મોતનું સાચું કારણ પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ ખબર પડશે.

 દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકાના સલાયા ગામમાં આ દુઃખદ બનાવ બન્યો છે. સલાયા ગામમાં રહેતા સાજીદ અબ્દુલ સત્તારની બન્ને દીકરીઓના 12 કલાકમાં મોત નિપજ્યા છે. બે-બે વ્હાલસોયી દીકરીઓના આ રીતે મૃત્યુ થતાં પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. સર્પ દંશથી બન્ને બહેનોના મોત થયાની આશંકાએ સમગ્ર વિસ્તારમાં ફફડાટ ફેલાઈ ગયો છે. બન્ને બહેનોને સાપ કરડ્યો હોવાના પ્રાથમિક અનુમાન સાથે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે જામનગરની જીજી હોસ્પિટલમાં મોકલાયા છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકાના સલાયા ગામે રહેતા સાજીદ અબ્દુલ સત્તારની 14 વર્ષની દીકરી સબીહાં અને 9 વર્ષની દીકરી ઇન્શા ગત 28મી તારીખે રાત્રે ભોજન લીધા બાદ સુઈ ગઈ હતી. સવારે બન્ને બહેનોને જગાડવાનો પ્રયાસ કરતાં જાગી ન હતી. જેથી બન્ને દીકરીઓને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. જ્યાં સારવાર દરમિયાન 12 કલાકના અંતરે બન્ને બહેનોના મોત નિપજ્યા હતા. આમ 12 કલાકમાં જ એક જ ઘરમાંથી બે દીકરીઓના મોત થતાં પરિવાર શોકમાં ડૂબી ગયો છે.

ઊનાના લામધાર ગામે બે બહેનોના થયા હતા મોત

મહત્વનું છે કે, ખંભાળિયાના સલાયામાં બનેલા બનાવ જેવો જ એક બનાવ આજથી પાંચેક દિવસ પહેલા ગીર સોમનાથ જિલ્લાના ઊના તાલુકાના લામધાર ગામે બન્યો હતો. લામધાર ગામે બસ સ્ટેશન વિસ્તારમાં રહેતા ભરતભાઈ બાંભણિયાની બે દીકરી નિધિ અને વાનિકાને રાત્રિના સમયે ઝેરી સાપે દંશ મારતા બન્નેના મોત નિપજ્યા હતા.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments