31 ઓક્ટોબરની પહેલાનો દિવસ. સંધ્યાનું ટાણું હતું. ઈન્દિરા ગાંધીએ ભુવનેશ્વરમાં સભાને સંબોધિત કરી. ચિક્કાર મેદની વચ્ચે તેમણે ભાષણમાં કેટલાક શબ્દો વાપર્યા જે આ રીતે હતા, ‘‘આજે હું અહીં છું. કાલે હું કદાચ અહીં નહીં હોઉં. મારા મૃત્યુ પર મારા લોહીનું એક એક ટીપુ ભારતને ઉર્જા આપશે અને શક્તિશાળી બનાવશે.’’
કોને ખબર હતી કે ભુવનેશ્વરની સભામાં ઈન્દિરાના મોઢામાંથી નીકળેલા એ શબ્દો યથાર્થ સિદ્ધ થવાના છે. મરતા પહેલા ઈન્દિરાને અંદેશા આવવા લાગ્યા હતા. સાધુ લક્ષ્મણજીને તે શ્રીનગરના છેલ્લા પ્રવાસ સમયે મળ્યા હતા. લક્ષ્મણજીએ એમની સામે એક ઈમારતનું ઉદ્ધાટન કરવાની વાત વહેતી મૂકી. ઈન્દિરાનો જવાબ સાંભળ્યો તો લક્ષ્મણજી ડઘાઈ ગયા. એમણે કહ્યું હતું, ‘હું જીવતી રહીશ તો અચૂક આવીશ.’
બેલૂર મઠમાં રામકૃષ્ણ મિશનના એક સાધુ એ પણ આ જ વાત કહી હતી. ઓક્ટોબર મહિનામાં શ્રીમતી ઈન્દિરા ગાંધીએ તેમને પત્ર લખ્યો. તેમણે કહેલું, ‘‘મોટા ભાગે તેઓ આવો પત્ર લખતા નથી. ખુશખુશાલ પત્ર લખે છે, પણ મને આશ્ચર્ય એ વાતનું હતું કે તેમણે આસન્ન મૃત્યુ વિશે જાણવાનો પત્ર લખ્યો હતો. એ વાંચીને તો હું વિચારતો થઈ ગયો.’’
31 તારીખની સવાર. શિયાળો નજીક હતો. ઠંડી ઠંડી હવા બારીમાંથી આવી રહી હતી. ઈન્દિરાએ ખાટલા પરથી નીચે પગ ઉતાર્યા અને આળસ મરડી. એ વ્યસ્ત દિવસ હતો. જેમ ઈન્દિરા માટે કાયમ રહેતો. તેમને એક ઈન્ટરવ્યૂ આપવાનો હતો. જેની વીડિયોગ્રાફી માટે પોતાની ટીમની સાથે કોલમિસ્ટ અને અભિનેતા પીટર ઉસ્તિનોવ તેમની પ્રતિક્ષા કરી રહ્યા હતા. એ ઈન્ટરવ્યૂ પત્યા પછી બાકીનો સમય તેમણે બ્રિટનના પૂર્વ પ્રધાનમંત્રી જેમ્સ કૈલહનની સાથે વ્યતિત કરવાનો હતો. રાતના સમયે તેમણે પ્રિન્સેસ એનની સાથે મુલાકાત કરવાની હતી. વચ્ચે વચ્ચે બીજી સમસ્યાઓ તો હતી જ.
તેમની બ્યુટીશન તેમનો મેકઅપ કરી રહી હતી. પીટર ઉસ્તિનોવને ઈન્ટરવ્યૂ આપવા માટે. 1966ના સમયથી તેમના ડોક્ટર કૃષ્ણ પ્રસાદ માથુર તેમના સ્વાસ્થ્યને તપાસતા હતા. સવારમાં તેઓ તૈયાર થઈ જાય પછી મેડિકલ ચેકઅપ કરવામાં આવતું હતું. માથુરે કહ્યું, ‘‘તમે તંદુરસ્ત છો. હવે તો ખબર પણ નથી કે તમે છેલ્લે ક્યારે બીમાર પડ્યા હતા?’’
માથુરની વાત સાંભળી ઈન્દિરા હસી. સ્વાસ્થ્યની વાતોમાંથી ધ્યાન હટી ગયું. રોજ આવું થતું હતું. ઈન્દિરાનું શરીર ચુસ્તદુરસ્ત હતું. તેમને કંઈ ન હતું થયું. એટલે તંદુરસ્તીની વાતને હવામાં ફંગોળી એમણે અમેરિકાના રાષ્ટ્રપતિની વાતો કરવાનું શરૂ કર્યું.
‘‘ટાઇમ મેગેઝિનમાં મેં વાંચ્યું છે. રોનાલ્ડ રેગન ટીવી ઈન્ટરવ્યૂ માટે મેકઅપ નહોતા કરાવતા.’’
ઈન્દિરાએ આ વાત સાંભળી અને તુરંત ખંડન કર્યું. એ વિરોધપક્ષની પોઝિશનમાં આવી ગયા અને બોલ્યા, ‘‘નહીં માથુર. રેગન મેકઅપ તો કરતાં જ હતા, પણ કાનમાં ઈયરપીસ પણ લગાવતા હતા. જેથી પત્રકાર જ્યારે પણ તેમને કોઈ સવાલ પૂછે તો ઈયરપીસથી તેમને જવાબ મળી જતા હતા.’’
ડોક્ટર માથુરે ઈન્દિરા સામે હાર સ્વીકારી લીધી. ફરી તેમના ચહેરા પર નિરાશાના વાદળ ઘેરાવા લાગ્યા. ઈન્દિરા કહેતા હતા, ‘‘હું અચાનક મૃત્યુ પામીશ કોઈ દુર્ઘટનામાં.’’ એમને મૃત્યુનો પૂર્વાભાસ થઈ ચૂક્યો હતો.
સવારના નવ વાગ્યાનો સમય થઈ ગયો. પોતાના નિવાસસ્થાન 1 સફદરગંજ રોડ પર આવેલા બંગલાથી તેઓ ઓફિસ 1 અકબર રોડ પર જઈ રહ્યા હતા. ઝડપથી ચાલવાની એમની આદત હતી. લાંબા ડગ ભરી રહ્યા હતા. હવે સૂરજ માથા પર આવી ગયો હતો. પાછળથી એક પોલીસ ઓફિસર દોડીને આવ્યો અને તેમના માથા પર છત્રી રાખી દીધી. પાછળ સહાયક આર.કે.ધવન હતા. સિક્યુરિટી તેમની પણ પાછળ હતી.
ઈન્દિરાએ કાળી પટ્ટી ધરાવતી કેસરી રંગની સાડી ધારણ કરી હતી. કાળા કલરના સેન્ડલ પહેર્યા હતા. ખભા પર લાલ કલરની બેગ હતી. પોતાનું વ્યક્તિત્વ દેખાય આ માટે તેમણે એ દિવસે બુલેટ પ્રૂફ જેકેટ નહોતું પહેર્યું. એ જેકેટ તેમને છેલ્લા ઘણા દિવસથી પહેરવું પડતું હતું, કારણ કે તેમના જીવને જોખમ હોવાની વાતો સામે આવી રહી હતી.
દરવાજો ખુલ્યો અને તે આગળ વધી. તળાવ અને બગીચાને એમણે પસાર કર્યું. અન્ય એક ગેટ પાસે પહોંચતા જ અંગરક્ષક બેઅંત સિંહને જોયો. જે નવ વર્ષથી ઈન્દિરાની બોડીગાર્ડ તરીકે સેવા કરી રહ્યો હતો. લંડનથી લઈને ઘણી વિદેશયાત્રાઓમાં તે ગયો હતો. સિખ હોવાના કારણે તેને ઓપરેશન બ્લૂસ્ટાર પછી સેવા પરથી કાઢી મુકવામાં આવેલ, પણ ઈન્દિરાએ જ તેને ફરી સેવા કરવાની તક આપી હતી.
ઈન્દિરા તેની સામે આવી અને રોજની જેમ ‘‘નમસ્તે’’ કર્યું.
બેઅંત સિંહે રિવોલ્વર કાઢી તેમની સામે રાખી દીધી.
એમણે પૂછ્યું, ‘‘શું કરે છે તું?’’
ઈન્દિરા ગાંધી કલ્પનાઓમાં રાચતી નહોતી. પરિસ્થિતિને માપી ગઈ હતી. સહજ રીતે વિચારી રહી હતી. એ દિવસે ઈન્દિરાને મૃત્યુ સંલગ્ન એક પણ વિચાર નહોતો આવ્યો અને આજે જ…? કદાચ એક વિચારને સાકાર થતા ખાસ્સો સમય લાગતો હશે!!
એકદમ શાંતિ. કોઈ અવાજ નહોતો. ને પછી ધડાધડ પાંચ ગોળીઓ ચાલી. સાવ નજીકથી. બગીચાની બીજી બાજુથી દોડીને એક છોકરો આવ્યો. 22 વર્ષની ઉંમરનો સતવંત સિંહ નમૂદાર. તેણે જોયું. તેના પગ ધ્રૂજી રહ્યા હતા. બેઅંતે રાડ નાખી, ‘ગોળી માર.’
તેણે ધ્રૂજતા હાથે ઓટોમેટીક સ્ટેનગન ઉઠાવી ધડાધડ 25 ગોળીઓ ચલાવી દીધી.
ઓફિસની અંદર વાતો થવા લાગી કે નક્કી ફટાકડા ફૂટ્યા હશે. પીટર ઉસ્તિનોવને ત્રણ ગોળીઓ ચોખ્ખી સંભળાયેલી. ને પછી એમના કાનને ધડાધડ ગોળીઓ સાંભળવા મળી.
આર.કે.ધવન જડવત્ત બની ગયા. એમણે યાદ કરતાં કહેલું, ‘‘હું એ દિવસને યાદ કરું છું તો પાગલ થઈ જાઉં છું. હું એ વાક્યને યાદ કરતાં ખૂદને બચાવું છું.’’
સતવંત જ્યારે ગોળીઓ ચલાવતો હતો ત્યારે તે જમીન પર પડી ગઈ હતી. બીજા સુરક્ષાકર્મીઓ દોડ્યા. તેમના ચહેરા પર ચિંતાની રેખાઓ સ્પષ્ટ દેખાતી હતી.
બેઅંત સિંહ અને સતવંત સિંહના ચહેરા પર કોઈ અફસોસ નહોતો. તેમણે પોતાના હથિયાર નાખી દીધા. બેઅંત સિંહે પંજાબીમાં કહ્યું, ‘‘મારે જે કરવું હતું, મેં કરી નાખ્યું. હવે તમારે જે કરવું છે, એ કરો.’’
ITBPના જવાનો ત્યાં હાજર હતા. બેઅંત અને સતવંતને પકડી પાડ્યા. એ જ દિવસે બેઅંતને ગોળીએ દઈ દેવામાં આવ્યો. સતવંત અને ષડયંત્રકારી કેહર સિંહને ચાર વર્ષ બાદ ફાંસીના માચડે ચડાવી દેવાયા.
બે દાયકા પછી રાહુલ ગાંધીએ બેઅંતને યાદ કરતાં કહેલું, ‘‘એ મારા મિત્રો હતા. બેઅંતે મને બેડમિન્ટન રમવાનું શીખવાડ્યું હતું. એણે કોઈ વખત મને પૂછ્યું પણ હતું કે, મારી દાદી ક્યાં ઉંઘે છે અને શું એમની સિક્યોરીટી આટલી જ છે. એણે મને કહ્યું હતું કે જ્યારે કોઈ હાથમાં બોમ્બ લઈ ફેંકે તો તારે જમીન પર ઉંઘી જવું. મને પછી ખબર પડી કે દિવાળી પર સતવંત અને બેઅંત તેમના પર હાથગોળો ફેંકવાની ફિરાકમાં હતા.’’
(સાગરિકા ઘોષના પુસ્તક ‘‘ઈન્દિરા ભારત કી સબસે શક્તિશાલી પ્રધાનમંત્રીમાંથી.’’)