સાહિત્યની માહિતી મેળવવા માટે પહેલા પુસ્તક વાંચતા પછી આપણી જેવા બે ચાર લોકોને શોધતા અને તેમની સાથે ગોવિંદે માંડી ગોઠડી કરતાં. હવે તો સાહિત્ય અકાદમી અને પરિષદ આ બંનેમાં જેવી ગોષ્ઠીઓ નથી જામતી એવી ફેસબુકમાં જામે છે. ફેસબુક પર ગમતાં લેખકોને લઈ ઘણા બધા ગ્રુપ છે. આપણા જેવા લોકો ભેગા થઈ જાય અને પછી એ લેખકની વાતો માંડે. કાલે ન જાણ્યું જાનકી નાથે એવી માહિતી મળે. એ ઘણા બધા ગ્રુપમાંથી અલગ તરી આવતું એક ગ્રુપ છે આકંઠ અશ્વિની. કહેવાની જરૂર નથી કે એ અશ્વિની ભટ્ટના ફેન્સનું ગ્રુપ છે. અશ્વિની ભટ્ટ વિષય સંલગ્ન નવી નવી વાતો થાય છે. મજા આવે છે. ચાર હજાર ઉપર મેમ્બર છે. સુખી પરિવાર છે.
હવે આ ગ્રુપમાં મને મળી ગયો સાહિત્યિક સ્ટોરીનો એન્ગલ. એવો એન્ગલ જે કોઈ અખબાર કે ચેનલવાળાવને તો ન જ મળે. મળે તો પણ કોઈ નાના અખબારમાં સ્ટોરી છપાય બાકી મોટા અખબારમાં તો જ્વલ્લે જ જોવા મળે. ચાબુકને પણ લગભગ સમાચારો સોશિયલ મીડિયા મારફતે જ મળી જાય છે. આકંઠ અશ્વિનીમાંથી મળેલો એ એન્ગલ છે અશ્વિની ભટ્ટના પુસ્તકોના ભાતભાતનાં મુખપૃષ્ઠો.
હું સાવ સાફ શબ્દોમાં કહી દઉં છું. મેં નવભારત સાહિત્ય મંદિર દ્રારા પ્રકાશિત નવલકથાઓ અને બાદમાં સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત કરવામાં આવેલા પુસ્તકોના કવરપેજ જોયા છે. બાકી આકંઠ અશ્વિની ગ્રુપમાં કેટલાક એવા લોકો છે, જેમની પાસે અશ્વિની દાદાની નવલકથામાં આવતા ઈતિહાસની જેમ, જૂની ચોપડીઓ સચવાયેલી પડી છે. ઘણી ચોપડીઓના પૂંઠા તો કેસર બા વખતના લાગે! હવે કોણે કોણે શેર કર્યું તેની નામજોગ વાર્તા માંડીએ.
નીચેની બંન્ને તસવીરો અમિતભાઈ પંડ્યા દ્વારા શેર કરવામાં આવી હતી. ફાંસલો અને ઓથાર. મેં તો કોઈ દિવસ આવા મુખપૃષ્ઠ ન જોયા.


હવે નગર, અર્ધ અસત્ય અને નો-રિટર્ન જેવી નવલકથાઓ લખનારા લેખક પ્રવીણ પીઠડિયાએ શેર કરેલ અને અશ્વિની ભટ્ટ દ્રારા અનુવાદ કરવામાં આવેલ એલિસ્ટર મેક્લિનની ગોલ્ડન રેન્ડેવુનું બીજું પાનું. આ તો કઈ જગ્યાએ મળતી હશે? વિક્રમ પોકેટ બુક્સ હજુ ચાલુ છે?

અનુવાદક ચિરાગભાઈ ઠક્કરે શેર કરેલું કવરપેજ. જેમાં ખૂદ અશ્વિની ભટ્ટ દેખાય છે. નવલકથાનું છે કે, અલગથી કોઈ મેગેઝિન કે વર્તમાનપત્રનું તે વિશે ખબર નથી. પણ જમાજમ છે.

અશ્વિની ભટ્ટના એક આકંઠ ફેન છે. નામ છે કાયમ પાગલ. એમણે નિરજા ભાર્ગવનું કાળા કલર ધરાવતું કવરપેજ શેર કર્યું છે.

કાયમ પાગલે જ શેર કરેલું આ પોસ્ટર માથું ખંજવાળવા મજબૂર કરે તેવું હતું, કારણ કે અશ્વિની ભટ્ટે અગાથા ક્રિસ્ટીની ક્રાઈમ નોવેલનો અનુવાદ કર્યો હતો ? કોમેન્ટમાંથી જવાબ મળે છે કે ચોક્કસથી. અશ્વિની ભટ્ટે શરૂઆતના સમયમાં ખૂબ અનુવાદો કર્યા હતા. મને ગમતો અનુવાદ એટલે અડધી રાતે આઝાદી.

વિદ્યાધર યાજ્ઞિકે નીચેનો ફોટો મૂક્યો હતો. એલિસ્ટર મેક્લિનની પપેટ ઓન અ ચેઈન નવલકથા, જેનો અનુવાદ પણ અશ્વિની ભટ્ટે કરેલો છે. આ પોકેટબુક સાઈઝની ચોપડીઓ હવે તો ક્યાંય દેખાતી જ નથી. અરે આ અનુવાદો ગયા ક્યા ? પૂછતા હૈ ગુજરાત!!

ક્રિષ્ના સચદેએ શેર કર્યું છે. 2016માં શેર કરેલી તસવીર છે. એટલે કે હવે આ મુખપૃષ્ઠની આવૃતિ ધરાવતું પુસ્તક અપ્રાપ્ય હોવું જોઈએ. પોસ્ટરમાં જે બેન છે એ યુવા અવસ્થાના રાજમાતા શિવાગામી દેવી નથી લાગતા ?

ફરી વખત વિદ્યાધરભાઈ. એલિસ્ટર મેક્લિનની ગુડબાય કેલિફોર્નિયા, આઈસ સ્ટેશન ઝીબ્રા અને બીઅર આઈલેન્ડ સાથે. અનુવાદક આપણા પ્રિય અશ્વિની ભટ્ટ.



રોશનભાઈ રાવલે બે કવરપેજ શેર કર્યા છે. એ બંને નવલકથાઓ ગ્રંથાલયમાં ખૂબ વંચાય. હાલ જે નવી આવૃતિઓ માર્કેટમાં આવી છે તેની પહેલા આ કવરપેજ ધરાવતા પુસ્તકોનું વર્ચસ્વ હતું. 80 ટકા ગુજરાતીઓએ અશ્વિની ભટ્ટને પ્રથમ આ મુખપૃષ્ઠ ધરાવતી નવલકથાઓમાં વાંચ્યા હશે. એમના અને હરકિસન મહેતાના પુસ્તકો એક સરખા કદના આવતા હતા. યાદ કરો ગ્રંથાલયમાં જગ્ગા ડાકુના વેરના વળામણાંની બાજુમાં જ્યારે ઓથાર પડી હોય.


અને છેલ્લે હમણાં હમણાંનો તાજો ઘાણવો. પ્રવીણભાઈ પીઠડિયાએ શેર કર્યું હતું. અશ્વિની ભટ્ટની ખુન્નસ નામની નવલકથાનું મુખપૃષ્ઠ સામે આવ્યું છે. અચાનક અજાણ્યું નામ આવી ગયું એટલે બધા મૂંઝાયા કે નવલકથા અશ્વિની ભટ્ટની છે કે નહીં ? કોમેન્ટમાં ઈલેશભાઈ પારેખ જવાબ આપે છે કે, બુકની હીરોઈનનું નામ શન્જુક્તા માલવ હતું. નાયક અને નાયિકા એક બોટમાં મુસાફરી કરતાં હોય છે. આવી કંઈક કથા હતી. અશ્વિની દાદાએ જ લખેલી પણ હવે કોઈ જગ્યાએ પ્રાપ્ય નથી.

ઘણા કહે છે આ એમણે લખી નથી. ઘણા કહે છે અનુવાદ પણ હોઈ શકે છે. પારેખભાઈ કહે છે કે, નિખાલસ મેગેઝિનમાં હપ્તાવાર પ્રગટ થતી હતી. અને તો એ સાચા છે, કારણ કે ઉપર મેગેઝિનનો જ કટકો દેખાય છે. ભરતકુમાર નામના એક ભાઈ પણ કહે છે, ‘‘નિખાલસ સાપ્તાહિકમાં ધારાવાહિક ‘ખુન્નસ’ પ્રકાશિત થતી હતી. પરંતુ થોડાં પ્રકરણો પછી અચાનક બંધ કરવામાં આવેલી.’’ રહસ્યકથા લખનારા લેખકના મુખપૃષ્ઠોમાં પણ ધરબાયેલું રહસ્ય! આવા કેટલાક ગ્રુપ હોય તો મજા આવે બાકી ફેસબુકમાં આપણે આખો દિવસ!! નીચે એક ફોટો આપ્યો છે….
