Team Chabuk-Gujarat Desk: જે સાંભળી શકે છે એ બોલી શકે છે. એટલે કે વાચા માટે શ્રવણ શકિત અનિવાર્ય છે. જો શ્રવણ શક્તિ ના હોય તો વાચા ફૂટતી નથી. અને જે શ્રવણ શક્તિ અને વાચા શક્તિથી વંચિત છે એવા દિવ્યાંગોને શિક્ષણ આપવા માટે સંકેતોની ભાષાનો ઉપયોગ અનિવાર્ય છે. યુનોના સમર્થનથી દર વર્ષે ૨૩ મી સપ્ટેમ્બરના રોજ વિશ્વ સંકેત ભાષા દિવસ એટલે કે વર્લ્ડ સાઈન લેન્ગવેજ દિવસ ઉજવવામાં આવે છે અને તેની સાથે આંતરરાષ્ટ્રિય બધિર કલ્યાણ સપ્તાહની ઉજવણી શરૂ થાય છે.
કારેલીબાગ વિસ્તારમાં આવેલી અને મૂક ધ્વનિ ટ્રસ્ટ સંચાલિત કમળાબેન મૂકબધિર વિદ્યાલય ખાતે આ પ્રકારના દિવ્યાંગોને નર્સરીથી બારમા ધોરણ સુધીના શિક્ષણની વ્યવસ્થા છે અને સંકેતોની ભાષામાં આ શિક્ષણ આપવામાં આવે છે. તેના માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગના આચાર્યા રશ્મીબેન મહેતા બે દાયકા કરતાં વધુ સમયથી શ્રવણ શક્તિથી વંચિત દિવ્યાંગ બાળકોને સંકેતોની ભાષામાં શિક્ષણ આપવાનું કામ સમર્પિત પણે કરી રહ્યાં છે. તેમણે પિતાજીના વારસાને આગળ ધપાવવાના સંકલ્પ સાથે સંકેતોની ભાષાનું વિશેષ શિક્ષણ આ પ્રકારના દિવ્યાંગોને શિક્ષિત કરવા મેળવ્યું હતું.

તેઓ કહે છે કે કોઈપણ વિદ્યા શાખામાં સ્નાતક હોય તેવી વ્યક્તિઓ સાઈન લેન્ગવેજમાં ડિપ્લોમા કે બી.એડ અને એમ. એડ. સુધીની શિક્ષણ મેળવી, સ્પેશિયલ એજ્યુકેટર તરીકે મૂકબધિરતાને લીધે દિવ્યાંગ છે તેવા બાળકોને શિક્ષિત કરવામાં મદદરૂપ બની શકે છે. ભાવનગર, અમદાવાદ અને વડોદરામાં આ પ્રકારના શિક્ષણની વ્યવસ્થા છે. જો કે ગુજરાતમાં આ પ્રકારના વિશેષ શિક્ષણમાં એમ.એડ.કરવાની સુવિધા નથી. વિવિધ સંસ્થાઓ દ્વારા આ ક્ષેત્રમાં બ્રિજ કોર્સ ચલાવવામાં આવે છે. દિલ્હીની આલિયાવર જંગ ઇન્સ્ટિટ્યૂટ સંકેત ભાષા પ્રશિક્ષણની શિરમોર સંસ્થા છે.
બારમા ધોરણ પછી વિશેષ શિક્ષણ સંસ્થાને બદલે સામાન્ય બાળકો સાથે જ આ બાળકો એ કોલેજ શિક્ષણ લેવાનું હોય છે. રશ્મીબેન કહે છે કે શ્રવણ શક્તિ અને વાચાના અભાવ સિવાય આ બાળકો ખૂબ પ્રતિભાશાળી હોય છે, ઊંચો આઇક્યુ ધરાવે છે. સંસ્થાના ઘણાં વિદ્યાર્થીઓ સ્નાતક થયાં છે અને આ સંસ્થાના પૂર્વ વિદ્યાર્થી આદિત્ય ભાલેરાવે અહીં બારમા સુધીનું શિક્ષણ મેળવ્યા પછી,એમ.એસ. યુનિવર્સિટીની ફાઇન આર્ટસ ફેકલ્ટીમાં ડિપ્લોમા અને ડિગ્રીનું શિક્ષણ લઈ સંસ્થામાં જ ડ્રોઈંગ શિક્ષક તરીકે સેવાઓ આપી રહ્યાં છે.

તેમનું કહેવું છે કે બાળ જન્મ પછી શક્ય તેટલી વહેલી આ પ્રકારની ખામી ઓળખાય તો બાળકને સમયસર યોગ્ય પ્રકારના શિક્ષણ સાથે જોડી શકાય. આવા બાળકોના વાલીઓમાં પણ સજાગતા જરૂરી છે. સંસ્થામાં તેમની સાથે પ્રાથમિક વિભાગના આચાર્ય શ્રી દિપક બારોટ સહિત ૨૧ સાથીઓ સંકેતોની ભાષામાં શિક્ષણ આપીને દિવ્યાંગો (બધિર)ના જીવન ઘડતરનું ઉમદા કાર્ય કરી રહ્યાં છે.
જિલ્લા અને રાજ્ય પ્રમાણે સાઈન- સંકેતોમાં ફેરફાર જોવા મળતો એવી માહિતી આપતાં રશ્મીબેને જણાવ્યું કે હવે, ભારત સરકાર દ્વારા એકસૂત્રતા ધરાવતી ઇન્ડિયન સાઈન લેન્ગવેજ વિકસાવવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. તેની તાલીમ અપાય છે. આ આવકાર્ય બાબત છે અને તેનાથી ઘણી બધી વિસંગતતાઓ નિવારી શકાશે. તેમણે જણાવ્યું કે પ્રધામંત્રી નરેન્દ્રભાઇ મોદીની પ્રેરણાથી ભારત સરકારે ૨૦૧૬માં નવો દિવ્યાંગતા ધારો અમલમાં મૂક્યો.તેમાં આ પ્રકારની દિવ્યાંગતા ધરાવતા બાળકોને નોર્મલ સ્કૂલમાં જ બધાની સાથે શિક્ષણ કેવી રીતે આપી શકાય તે સહિતની બાબતોનો સમાવેશ કરવામાં આવ્યો છે.

મૂકધ્વનિ ટ્રસ્ટના અધ્યક્ષ રિકેશ દેસાઈ પણ તેમાં સૂર પુરાવતા જણાવે છે કે અમારી સંસ્થાની મુલાકાત સમયે ભારત સરકારના મંત્રી પણ આ બાળકોની તેજસ્વીતાથી પ્રભાવિત થયા હતા. અમારા બાળકો સાઈન લેન્ગવેજ માં રાષ્ટ્રગીત પ્રસ્તુત કરે છે.પ્રધાનમંત્રીએ તેમના રાજકોટના કાર્યક્રમમાં અમારા બાળકોને રાષ્ટ્રગીત ગાન માટે ખાસ તેડાવ્યા હતા. આ સંસ્થામાં સંકેત ભાષામાં શિક્ષણની સાથે બાળકોને વ્યવસાયિક તાલીમ આપવાની સુવિધા છે. બધિરતાને લીધે દિવ્યાંગતા એ આ પ્રકારના બાળકોના માર્ગમાં અડચણ જરૂર છે. પણ સંકેત ભાષા અને તેના આધારિત શિક્ષણ તેમનું સશક્તિકરણ કરે છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત