Homeગુર્જર નગરીપ્રધાનમંત્રીના ભાષણ વચ્ચે જ ગુજરાતના કૃષિ મંત્રી ઘસઘસાટ ઉંઘી ગયા

પ્રધાનમંત્રીના ભાષણ વચ્ચે જ ગુજરાતના કૃષિ મંત્રી ઘસઘસાટ ઉંઘી ગયા

Team Chabuk-Gujarat Desk: આ કંઈ પહેલી વખત નથી. ભૂતકાળમાં પણ આવા અનેકાધિક કિસ્સાઓ અખબારોમાં શબ્દબદ્ધ થઈ ચૂક્યા છે, વીડિયો બની સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ ચૂક્યા છે. જ્યારે કદાવર નેતાઓ પ્રવચન આપતા હોય છે ત્યારે સમસ્ત જગતની ચિંતાને ઘોળીને પી જઈ નેતાઓ નિંદ્રામાં ગરકાવ થઈ જાય છે. ગુજરાતની ધરતી ફરી એક વખત આવા ઉંઘતા નેતાની સાક્ષી બની છે. એ પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જ ભાષણમાં.

advertisement-1

આજે સુરતમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે સૌરાષ્ટ્ર પટેલ સમાજ દ્વારા રૂપિયા 200 કરોડના ખર્ચે તૈયાર થનારી હોસ્ટેલનું ડિજિટલ લોકાર્પણ કરવામાં આવ્યું. ઉલ્લેખનીય છે કે પ્રધાનમંત્રી મોદી હોય તો ભાષણ પણ હોય, કારણ કે ઉદ્ધાટન ગુજરાતનું હતું. અહીં પ્રધાનમંત્રીજીએ નવનિયુક્ત મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની ખૂબ પ્રશંસા કરી. પણ અન્ય મંત્રીઓની નજર એ વખાણની જગ્યાએ કૃષિ મંત્રી શ્રી રાઘવજી પટેલ તરફ મંડાયેલી હતી. કારણ…? કારણ કે મંત્રી શ્રી ઘસઘસાટ ઉંઘમાં લીન થઈ ગયા હતા. મંત્રીજીની ઉંઘને લઈ સૌરાષ્ટ્રના સમાજના હોદ્દેદારોમાં ગણગણાટ વ્યાપી ગયો હતો. તો મંચ પર ઉપસ્થિત અન્ય નેતાઓ પણ રાઘવજીભાઈની ઉંઘ અપલક જોઈ રહ્યા હતા.

advertisement-1

એક બાજુ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતના વિકાસની વાતો કરતા હતા અને ગુજરાતનો વિકાસ આવનારા સમયમાં ખૂબ સારો અને પ્રગતિ કરતો હશે એવું જણાવતા હતા. આ સમયે જ કેન્દ્રિય સ્વાસ્થ્ય મંત્રી મનસુખભાઈ માંડવિયા અને પુરુષોત્તમભાઈ રૂપાલાની પાછળ બેઠેલા રાઘવજીભાઈ પટેલ પોઢી ગયા હતા. તેમના ચહેરાને જોતા લાગતું હતું કે ભાષણ વ્યર્થ છે અને ઉંઘ જ પાક્કી ભાઈબંધ છે. આટલા શોરબકોર વચ્ચે પણ તેમની ઉંઘ તૂટી નહોતી.

advertisement-1

આ કાર્યક્રમની મંત્રીજીને કોઈ પણ પ્રકારની ગંભીરતા નહોય એવી તેમના ચહેરા પર તાદ્દશ ઝાંખી થઈ રહી હતી. જોત જોતામાં આ વીડિયો વાઈરલ થયો હતો, અને સમાચારોમાં પણ રાઘવજી ભાઈનો ઉંઘતો ચહેરો ચમકવા લાગ્યો હતો. મુખ્યમંત્રી અને વડાપ્રધાન સૌરાષ્ટ્રના સમાજની કામગીરીને બિરદાવી રહ્યા હતા અને એ સમયે સૌરાષ્ટ્રના જ નેતા મીઠી ઉંઘ માણી રહ્યા હતા. તેમને આ કોઈ વાતમાં જાણે રસ જ ન હોય એમ ખુરશી પર અદબ વાળી બેઠા હતા.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments