Homeગુર્જર નગરીસુરતની કોર્ટનો સૌથી ઝડપી ચુકાદો, બાળકી પર દુષ્કર્મ આચરનારને આજીવન કેદની સજા...

સુરતની કોર્ટનો સૌથી ઝડપી ચુકાદો, બાળકી પર દુષ્કર્મ આચરનારને આજીવન કેદની સજા ફટકારી

Team Chabuk-Gujarat Desk: સુરત શહેરના સચિન વિસ્તારમાં રહેતા શ્રમજીવી પરિવારની બાળકીનું અપહરણ કરીને દુષ્કર્મ ગુજારી તેનું ગળું દબાવીને હત્યા કરનારા આરોપીને કોર્ટે આજીવન કેદની સજા ફટકારી છે. હવે જીવનના અંતિમ શ્વાસ સુધીની જેલની સજા ભોગવશે.

આ કેસમાં મુખ્ય સરકારી વકીલ નયન સુખડવાલાની ધારદાર દલીલો અને રેકોર્ડ પરના પુરાવાઓ ઉપરાંત કોર્ટે ગુનાની ગંભીરતાને ધ્યાનમાં લીધી હતી. માનવામાં આવે છે કે, સુરતની કોર્ટના ઈતિહાસમાં આ  સૌથી ઝડપી ચુકાદો છે.12 ઓક્ટોબરે દુષ્કર્મની ઘટના બની હતી. ત્યારબાદ ચાર્જશીટ રજૂ થયાના  માત્ર ચાર-પાંચ દિવસમાં કોર્ટમાં સુનાવણી ચાલી અને વેકેશન ખુલતા જ કોર્ટે ચુકાદો પણ આપી દીધો.

ઉલ્લેખનીય છે કે, 12 ઓક્ટોબરે સચિન ગભેણી રોડ પરથી પાંચ વર્ષની એક સગીર વયની બાળકીને સચિન જીઆઇડીસી મધુ મારવાડીની ચાલ ખાતે રહેતો હનુમાન ઉર્ફે અજય મંગી નિષાદ નામનો 39 વર્ષીય આધેડ ફ્રુટ સલાડ અપાવવાની લાલચ આપીને ઉઠાવી ગયો હતો. ત્યારબાદ  હનુમાન નિષાદ ઇશ્વર નગરથી રામેશ્વર કોલોની તરફ જતા રોડ પર આવેલા સિધ્ધી વિનાયક ઇન્ડસ્ટ્રીયલ પાર્કની દીવાલ પછળ ઝાડી ઝાંખરાવાળા વિસ્તારમાં લઇ ગયો હતો. જ્યાં બાળકી પર દુષ્કર્મ  ગુજારી ગળુ દબાવી હત્યા કરી હતી. ત્યારબાદ મૃતદેહને આ જગ્યા પર જ છોડીને આરોપી ભાગી ગયો હતો.

ઘટનાની જાણ સચિન પોલીસને થતા પોલીસે તપાસ હાથ ધરી હતી અને આરોપીને ઝડપી પાડ્યો હતો. એટલું જ નહીં પોલીસે મુદત પહેલા જ સમગ્ર પ્રકરણના સાંયોગિક પુરાવાઓ એકત્ર કરીને આરોપી વિરુદ્ધ ચાર્જશીટ ફાઇલ કરી દીધી હતી.

કોર્ટ દ્વારા સમગ્ર પ્રકરણની ન્યાયીક કાર્યવાહી ઝડપથી હાથ ધરવામાં આવી હતી. આ કેસમાં મુખ્ય સરકારી વકીલ નયન સુખડવાલાની દલીલો ઉપરાંત સાંયોગીક પુરાવાઓ અને પોલીસ તપાસમાં હાથ લાગેલી તમામ વિગતોને ધ્યાનમાં લઇને કોર્ટ દ્વારા આરોપી હનુમાન ઉર્ફે અજય મંગી નિષાદ (કેવટ)ને જીવનના અંતિમ શ્વાસ સુધીની કેદની સજા ફટકારી હતી. ઉપરાંત એક લાખ રૂપિયાનો દંડ પણ ફટકાર્યો હતો

સરકારી વકીલ નયન સુખડવાલાએ આ અંગે કહ્યું હતું કે, આ ચુકાદો સુરત સેશન કોર્ટમાં જજ પી.એસ. કાલા સાહેબની કોર્ટમાં સુરતની કોર્ટના ઈતિહાસમાં સૌથી ઝડપી ચૂકાદો છે. 12 ઓક્ટોબરે સચીન જીઆઈડીસીમાં બાળકી ઉપર દુષ્કર્મ થયાની ઘટના બની હતી. સુરત પોલીસ કમિશનર અજય તોમરે ઘટનાની ગંભીરતાને જોતા 10 દિવસમાં જ ચાર્જશીટ દાખલ કરી હતી.

આ કેસમાં સુનાવણી 26 ઓક્ટોબરથી શરુ થઈ 29 ઓક્ટોબર સુધી માત્ર ચાર-પાંચ દિવસમાં પુરાવા અને દલીલો રજૂ થઈ હતી. અને વેકેશન ખુલતા જ આજે 11 નવેમ્બરે કોર્ટે આરોપીને જીવનના અંતિમ શ્વાસ સુધી જેલમાં રાખવાની સજા ફટકારી છે. હવે આરોપી જેલમાં જ સડશે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments