ગઈકાલે એબી ડિવિલિયર્સ એક મોટી શીખામણ આપતો ગયો. ફરી ફરી ફરી હારવાની. નિષ્ફળ થવાની શીખામણ આપી. સાથે એ પણ શીખામણ આપી કે તમે ગમે તેટલી મહેનત કરો પણ તેમાં તમારી ટીમનું યોગદાન ન હોય તો તમારી મહેનત એળે જ જવાની છે.
ડિવિલિયર્સ વિશે એવી જાત જાતની સ્ટોરી છે કે તે આ સ્પોર્ટ્સ પણ રમી જાણે છે, આ સ્પોર્ટ્સમાં પણ તે પાવરઘો છે. આ રમતમાં પણ તે જીતી ચૂક્યો છે, પણ એ નથી જાણતા કે ક્રિકેટમાં તે સૌથી વધારે વખત નિષ્ફળ ગયો છે. નિષ્ફળતા એટલે શું એ કુમાર સંગારકરાને પૂછવી જોઈએ. 2007ના વિશ્વકપમાં એક ખેલાડી તરીકે ઓસ્ટ્રેલિયા સામે અને 2011ના વિશ્વકપમાં ભારત સામે ફાઈનલમાં જ તેની ટીમનો પરાજય થયો. એના માટે આ બંને મેચ રણમાં મૃગજળ સમાન હતા.
ડિવિલિયર્સ એક ખેલાડી તરીકે સર્વશ્રેષ્ઠ છે પણ તેની મહેનત તેની ટીમને ઘણી વખત જીત નથી અપાવી શકી. કેટલીક રમતો જેમાં જીવનની પણ રમત આવી જાય એ ટીમ પર આધાર રાખે છે. કોઈ એક નબળા ખેલાડી સાથે રમી ન શકાય. બધાએ એકસાથે હલેસુ મારવું પડે છે. ટીમની વ્યાખ્યા આપવી હોય તો, સારામાં સારા ખેલાડીઓની પસંદગી કરો તો પણ ટીમમાં તે હાથની પાંચે આંગળીઓ એક સરખી નથી હોતી એવા હોય છે.
ક્રિકેટ જેવી રમતમાંથી આ શીખી ન શકાય પણ બોટીંગની રમત જે ઓલમ્પિકમાં હોય છે તેમાં ખેલાડીઓ એક સાથે જોર લગાવતા હોય છે. જો એક પણ નબળો પડે તો બોટ ધીમી પડી જાય અને ગોલ્ડ મેડલ હારી જઈએ. સો મીટરની રીલે રેસને જોવી. તેના જેવું ટીમવર્ક કોઈ જગ્યાએ જોવા નહીં મળે. જમૈકાની મહિલા અને પુરૂષોની ટીમ તેમાં અવ્વલ છે.
તેમના શરીરની રચના તો એમાં ભાગ ભજવે જ છે સાથે સાથે તેમની મહેનત, કુશાગ્ર બુદ્ધી પણ ભાગ ભજવે છે. એમને ખબર હોય છે કે ટીમમાં ઉસૈન બોલ્ટ હોય તો તેને સૌથી છેલ્લે રાખવો અને તેના પછીનો બીજો સારો એથ્લિટ હોય જેમ કે યોહાન બ્લેક તો તેને પ્રથમ રાખવો. આમ કરવાથી સ્ટાર્ટ અને ફિનીશ સરખુ થાય. વચ્ચેના બે ખેલાડીઓએ ખાલી પાસ કરવાનું એ પણ જીવ લગાડી દઈને.
ક્રિકેટ જેવી રમતમાં આવું ઘણી વખત સંભવ નથી બનતું. એ અસંભાવનાઓની રમત છે. ગમે ત્યારે ગમે તે થઈ શકે. ધોનીનું ક્વોટેશન ટાંકવા જેવું છે. ‘‘જ્યારે તમે દુનિયાના સૌથી મજબૂત બેટ્સમેન હો અને ખરાબ ફોર્મમાં ચાલી રહ્યા હો ત્યારે જ દુનિયાનો સૌથી નબળો બોલર તમને આઉટ કરી જાય છે. સમસ્યા ત્યાં સર્જાય છે કે તમારો કેચ સૌથી નબળો ખેલાડી કરી લે છે. જેણે અત્યાર સુધી ક્ષેત્ર રક્ષણમાં પોતાનું કંઈ મોટું યોગદાન નથી આપ્યું. આનાથી મોટી કમનસીબી શું હોઈ શકે?’’
ડિવિલિયર્સ સાથે આ અવાર નવાર બનતું રહે છે. બેટ્સમેન તરીકેના તેના યોગદાનને ન ભૂલી શકાય. તેણે સૌથી ફાસ્ટેસ્ટ સદી ફટકારી છે. અફ્રિદીનો કિર્તીમાન તોડ્યો છે. સાઉથ આફ્રિકા પાસે આવો તાકતવર ખેલાડી હોવા છતાં તેની ટીમ વિશ્વકપમાં જીતી નથી શકી. પહેલા આફ્રિકાની ટીમ ચોકર્સનો શિકાર બનતી હતી, હવે નબળાં ખેલાડીઓના કારણે તેમને પરાજય સહન કરવો પડે છે. ડિવિલિયર્સ તો વિશ્વકપમાં પણ કપ જીતવાથી વંચિત રહ્યો અને આઈપીએલમાં પણ વંચિત રહ્યો.
પોર્ટુગલ તરફથી ફૂટબોલ વિશ્વકપમાં ક્રિસ્ટીઆનો રોનાલ્ડો રમે છે તો ફક્ત તેના આધારે ટીમ જીતશે એવું ન કહી શકાય. રોનાલ્ડો જેવો ખેલાડી હોવા છતાં પોર્ટુગલનું પાંચીયુ પણ નથી આવતું. બીજી બાજુ સ્પેન અને જર્મનીની ટીમને જુઓ. એમના આઠ-આઠ ખેલાડીઓ રોનાલ્ડો જેવા છે. ભલે તેમનું યોગદાન ફૂટબોલમાં વધારે ગોલ ફટકારવાનું નથી પણ તેમની ટીમ એકબીજાના હાથ પકડીને રમતી હોવાથી જીતનો અમૃત પ્યાલો તેમની નજીક આવતો જાય છે.
શ્રીલંકા સામે ભારતની ટીમ 500 રન ફટકારે છે. ત્રણ ખેલાડીઓ સદી કરે છે. શું થાય છે ? બોલરોના નિરાશાજનક પ્રદર્શનના કારણે શ્રીલંકાની ટીમ 952 રનનો પહાડ ઊભો કરી દે છે. એક બેલેન્સ નથી જળવાતું. કોઈ ટીમ 120 રન પર આઉટ થઈ જાય તો વિરોધી ટીમ ખુશખુશાલ થઈ જાય કે હવે તો મેચ જીતી જ ગયા છીએ. ત્યાં સામેની ટીમના બોલરો અને ફિલ્ડરો ચમકે અને 70 રનમાં વિરોધી ટીમના બોરીયા બિસ્ત્રા પેક કરી નાખે.
સૌથી બેસ્ટ ટીમ વર્ક શતરંજની રમતમાં દેખાશે. કેટલીય વખત એવું બન્યું છે કે વજીરને એક ઘામાં ગુમાવી દેનારો ખેલાડી હાથી, ઉંટ, ઘોડાનું એવી રીતે તાતણું ગુંથે કે પ્રતિસ્પર્ધી હારી જાય. 64 ચોગઠામાં વજીર એકલો ગમે ત્યાં આટા ફેરા મારી શકે છે, જો આપની પાસે વજીર નથી તો બધાને એકઠા કરી એવી રીતે ઉપયોગ કરો કે એક વજીર બની જાય. પ્યાદાઓને બચાવો અને આગળ વધતા જાઓ.
જોકે દરેક વાતના બે પહેલું હોય છે. એક સિક્કાની બે બાજુ. શક્ય છે કે ડિવિલિયર્સની મહેનત ફળે અને આગામી આઈપીએલ જીતી જાય. તેડુલકરને 6 વિશ્વકપ રમવા પડ્યા હતા. 2003માં તો કેવું થયેલું ? પણ તેણે હાર નહોતી માની. એક વાર્તાથી સમજીએ. લાંબી છે પણ કામ આવે તેવી છે.
કોઈ દિવસ તમે જે હાથે લખતા હો છો તેની વિરૂદ્ધ દિશાના હાથે લખવાની પ્રેક્ટિસ કે કશું કર્યું છે ? ન કર્યુ હોય તો હવે કરો, કેટલું મુશ્કેલ પડે છે, તે ખ્યાલ આવે.
દુનિયાના મોટાભાગના લોકો જમોણી છે, ખૂબ ઓછા, 5 ટકા જેટલા ડાબોડી છે. અમેરિકાના મોટાભાગના પ્રમુખો ડાબોડી રહી ચુક્યા છે. ખૂબ ઓછા કિસ્સામાં હેરાનગતિ ભોગવતા પણ છે, જેમ કે લખતા એક હાથે હોય અને કામ બધું બીજા હાથે કરતાં હોય. આ બધી માથાકૂટમાં પડ્યા વિના એક વાત માંડીએ.
માની લો કે તમારો એક હાથ કટ થઈ જાય, જેનાથી તમે દુનિયાનું તમામ કામ કરી શકતા હોઉં તો ? એ વિચારવું જ અશક્ય છે કે હું કોઈ દિવસ મારા બીજા હાથે કશું કરી શકીશ, પણ થઈ શકે.
1938. હંગેરીની નેશનલ ગેમ્સ. જેમાં હંગેરીના એક બાહોશ અને ખમતીધર શૂટરે શૂટિંગ ગ્રાઉન્ડમાં પગ રાખ્યો. તેનું નામ કેરોલી ટકાસ. જોતજોતામાં તેણે ધડાધડ તમામ રાઉન્ડ જીતી લીધા. તેની આવી અપ્રિતમ અને આશ્ચર્ચ પમાડતી પ્રતિભા જોઈને હંગેરીના લોકોએ મનમાં ગ્રંથી બાંધી લીધી કે આગામી ઓલમ્પિક ગોલ્ડ મેડલ પિસ્તોલ કેટેગરીમાં તો હંગેરીને જ મળવાનો છે.
કેરોલીનો કર્ણ અને અર્જુનને પણ ટક્કર આપે તેવો નિશાનો હતો. એમ કહો કે મિક્સ કોમ્બિનેશન હતું. કેરોલી આર્મીમાં હતા. હંગેરીયન ફોજની એક નાની એવી રેજીમેન્ટનો નાનો એવો સૈનિક. હવે નેશનલ ગેમ્સ પૂર્ણ થઈ. કેરોલીની વાહવાહીનો પણ અંત આવ્યો એટલે સીધુ જ આર્મી કેમ્પમાં જોડાવાનું હતું. બન્યું એવુ કે ટ્રેનિંગ દરમ્યાન આર્મીના સૈનિકોએ એક બાદ એક આવી હાથમાં ગ્રેનેડ લઈ દૂર ફેંકવાનો હતો. કેરોલીનો વારો આવ્યો. તેણે હાથમાં ગ્રેનેડ લઈ ફેંક્યો. એટલામાં પરિસ્થિતિ બદલાઈ ગઈ. ગ્રેનેડ હાથમાં રહી ગયો અને ફુટી ગયો.
જે ગ્રેનેડ કેરોલીના હાથમાં ફુટેલો તેનાથી તો તે ઓલમ્પિકમાં કમ્પિટ કરવાનો હતો. હવે શું ? હોસ્પિટલમાં જ્યારે આંખો ખુલી ત્યારે ખ્યાલ આવ્યો કે હાથ નથી. જે હાથ પર હંગેરી વિશ્વાસ રાખી બેઠું હતું, તે હાથ જ રહ્યો નથી.
થોડા દિવસ પછી કેરોલીને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી. સાથે જ લંગડો ઘોડો શું કામનો? આર્મીએ પણ આવજો કરી નાખ્યું. ઘરે જઈ પોતાના ડાબા હાથે ગન પકડી તો ગન પકડાઈ નહીં. થોડી લસરે, થોડી ચોંટે, એવું લાગે કે હમણાં જ પડી જશે. ટ્રીગરમાં વજન આપી ન શકાય. તો પણ મહેનત કરી. રોજ ઊઠીને એક જ કામ કરવાનું પિસ્તોલ હાથમાં લઈ શૂટિંગ.
એક વર્ષ મહેનત કર્યા પછી 1939માં બીજી નેશનલ ગેમ્સમાં તે હિસ્સો લે છે. જ્યારે કેરોલી આવે છે, ત્યારે તાળીઓના ગડગડાટ થવા લાગે છે. તેના સાથી પિસ્તોલધારીઓ આવીને તેને કહે છે, ‘તારો હાથ નથી, તો પણ તું અમારો જુસ્સો વધારવા આવ્યો, તારી હિંમતની અમે તારીફ કરીએ છીએ.’
કેરોલીએ પોતાના ખભા પર રહેલા હાથની સામે જોઈ કહ્યું, ‘હું તમારો જુસ્સો વધારવા નહીં, તમારી સામે સ્પર્ધામાં ઉતરવા આવ્યો છું.’
બધા સ્તબ્ધ. જાણે તમિલ ફિલ્મના એક્ટરે ડાઈલોગ ફટકારી દીધો હોય. આટલા લોકો વચ્ચે કેરોલીની આંખો જ બોલતી હતી. થોડીવાર પછી 25 મીટર પિસ્તોલ શૂટિંગનું પરિણામ જાહેર થયું. કેરોલી વિજેતા. વિનર ઈઝ મેન વિથ ધી ઓન્લી હેન્ડ….
સમગ્ર હંગેરીને વિશ્વાસ આવી ગયો, નહીં યાર ઓલમ્પિકમાં મેડલ તો આપણે જ જીતીશું. પણ લોકો માટે કૌતુક એ હતું કે, જે હાથથી તે લખી નહતો શકતો, તે તેણે આટલો ટ્રેઈન કેવી રીતે કર્યો. આ તો આજે પણ રહસ્ય છે.
હવે કેરોલીને માત્ર એક જ કામ કરવાનું હતું. આગામી ઓલમ્પિક પર સમગ્ર ધ્યાન કેન્દ્રિત કરવાનું હતું. 1940માં યોજાનારી ઓલમ્પિક ગેમ્સ વિશ્વયુદ્ધના કારણે રદ થઈ ગઈ. કેરોલી નિરાશ થઈ ગયો. એટલા માટે નહીં કે રમવા અને મેડલ જીતવા નહીં મળે. એટલા માટે કે હવે હંગેરીયનો માટે તે ગોલ્ડ મેડલ નહીં લાવી શકે.
પણ કેરોલીમાં એક અજબ તાકાત હતી. ભાડ મેં જાએ વિશ્વયુદ્ધ. તેણે હાથમાં પિસ્તોલ લીધી અને આગામી ચાર વર્ષની તૈયારી કરવા લાગ્યો.
જુઓ આ અશક્ય છે.
જે માટે તમે મહેનત કરતા હો તેના માટે તમારે પાછી ચાર વર્ષ રાહ જોવી એટલે ધીરજની વાત છે. તેણે ચાર વર્ષ મહેનત કરી. ઓલમ્પિક આંગણે આવીને ઊભી અને સંજોગાવશસાત્ આ રમતો પણ વિશ્વયુદ્ધના ભણકારામાં ગાયબ થઈ ગઈ. હવે કેરોલી તૂટી ચુક્યો હતો. તેનું દિમાગ કામ ન હતું કરતું. ઘરમાંથી ઊભો થયો પિસ્તોલ લીધી અને આત્મહત્યા કરવાની જગ્યાએ તેણે કહ્યું, ‘ઓકે ચાલો આગામી ઓલમ્પિકની તૈયારી કરીએ.’
ઓલમ્પિકના ખેલાડી માટે આ ખૂબ મુશ્કેલ છે. નેશનલ ગેમ્સ દર વર્ષે આવે, પણ ઓલમ્પિક રમતો તો ચાર વર્ષે એકવાર આવે. કેરોલીની ઉંમરમાં વધારો થઈ ગયો હોય. તેને ટક્કર આપવા નવું જોશ અને નવા યુવાનો આવી ચૂક્યા હોય અને કેરોલી… જે હવે 38 વર્ષનો થઈ ગયો હતો. હિંમત હાર્યા વગર તેણે ભાગ લીધો.
ઓલમ્પિક આ વખતે કેન્સલ ન થઈ. 1948માં એક ઠુંઠા વ્યક્તિએ ભાગ લીધો. જે પેરાઓલમ્પિકની કેટેગરીમાં આવતો હતો. અને… અને… તે ગોલ્ડ મેડલ જીતી ગયો. ધ વિનર ઈઝ મેન વિથ ધ ઓન્લી હેન્ડ….
હંગેરીના લોકોને એમ કે, બસ થયું. હંગેરીને ગોલ્ડ મેડલ મળી ગયો અને કેરોલીની ઈચ્છા પૂર્ણ થઈ. હવે કેરોલી શાંત થઈ જશે, પણ તે શાંત થવાનો ન હતો.
1952ના ઓલમ્પિકમાં તેણે ફરી ભાગ લીધો અને જીતી ગયો. ફરી જીતી ગયો. કેરોલી ત્યારે દુનિયાનો એકમાત્ર એવો ખેલાડી બન્યો જેણે ઉપરા-ઉપરી બે ઓલમ્પિક મેડલ જીત્યા હોય. એ પણ કેવું કહેવાય જ્યારે કેરોલી જીત્યો ત્યારે પેરાઓલમ્પિક શરૂ પણ ન હતા થયા. પેરાઓલમ્પિક શરૂ થયા રોમમાં. 1960ની સાલમાં. જો તે વહેલા શરૂ થયા હોત, તો કદાચ કેરોલીની સિદ્ધિ ખોવાઈ ગઈ હોત.
આજે પણ જ્યારે ‘નથીંગ ઈઝ ઈમ્પોસિબલ’ની વાત કરવામાં આવે છે ત્યારે પહેલી વાત કેરોલીની થાય છે. સેલ્યુટ ધ ઓન્લી હેન્ડ…
ભેગા મળો તો શરૂઆત છે, ભેગા રાખી શકો તો પ્રોગ્રેસ છે અને ભેગા કામ કરો તો સફળતા છે – હેનરી ફોર્ડ