મુસાફરી દરમિયાન વચ્ચે એક સમય એવો આવે કે ઉંઘવું ન હોવા છતાં ઉંઘી જવાય. પણ હવે જે રસ્તે હું જઈ રહ્યો છું. એ રસ્તો મને ઉંઘવા નથી દેતો. આ રસ્તા પર મુસાફરી કરવાનો મારો અનુભવ બોલે છે. જંગલો મારી પાંપણને નમવા નથી દેતા. એમાંય જામવાડા જતી ટ્રેન હોય તો પછી શું કહેવું. હરણ આવતા હોય, વાંદરા હોય, અફવાઓ ખૂબ ફેલાતી હોય, કે જો એ રહ્યો સિંહ…. મને ખ્યાલ હોય કે એ અફવા છે. પણ મન તો ચંચળ છે! સાવજને મફતમાં જોવાની હામ કોના હૈયે ન હોય. જઉં છું જમજીર ધોધ પાસે.
મધ્યગિરમાંથી ઉદ્ધભવતી સિંઘવડો નદી. જે કોડિનાર સુધી લાંબી થાય ત્યારે 80 કિલોમીટરનું અંતર કાપે છે. આપણી આંખોને તેની સુંદરતા દેખાડવા એંસી કિલોમીટર લાંબી થાય છે. નદી કેટલું શીખવાડે છે. કોઈ તમારા પરિશ્રમને નહીં તમારી સફળતાને જ જુએ. એંસી કિલોમીટર લાંબુ થવું એ તેનો પરિશ્રમ છે અને જમજીરમાં ધોધ બનવું એ તેની સફળતા. શીંગોડા નદીનું મહત્વ જમજીરના કારણે વધી ગયું છે.
પણ આ સમયે ટ્રેનમાં ઊભા ઊભા મને તો મનુભાઈ પંચોળી યાદ આવી ગયા. મેં મારી ડાયરી કાઢી અને બોલપેનના ઢાંકણાને બે મોઢાની વચ્ચે દબાવી એમનું નામ લખી લીધું. અને આજે જ્યારે આ લખવા બેઠો છું ત્યારે મેં શીંગોડાનો સંદર્ભ ખોળી કાઢ્યો છે. સંદર્ભ તો હવે આદત પડી ગઈ છે.
ઝેર તો પીધા છે જાણી જાણી નવલકથામાં કુદરતનું વર્ણન કરતાં મનુભાઈ પંચોળી શીંગોડાને યાદ કરે છે, ‘‘શીંગોડા આમ તો નાની નદી છે; પણ ચોમાસામાં ગાંડીતૂર બની બંને કાંઠે છલી નાખે છે. ઠૂંઠા જેવો આંબો વસંતમાં લાકડું ફાડીને કોળી ઉઠે તેના જેવું આશ્ચર્યકારક એ પાતાળપેટી નદીનું એ વખતે રૂપ હોય છે. એની વિલક્ષણતાને પરિણામે શિંગોડાના ઉપલા પ્રવાહમાં ક્યાંક ક્યાંક નાનાંમોટાં કોતરો પડી ગયાં છે. એ કોતરો કંઈ મહી જેવાં બીકાળાં ને શૂન્યતાએ ભેંકાર નથી.’’
જંગલનો માર્ગ કાપતા કાપતા તાલાલાથી હું બત્રીસેક કિલોમીટર દૂર આવી પહોંચ્યો. કોડિનારથી જામવાળા પચ્ચીસ કિલોમીટર થાય અને દેલવાડાથી સોળ કિલોમીટરનું અંતર.
જામવાળા સ્ટેશનથી જમજીર જવા માટે ચાલવું પડે. રિક્ષા મળે પણ જે પ્રવાસીઓ ફુરસદથી આવ્યા હોય તેઓ ચાલીને જાય. તમે કાર કે ટુ વ્હિલ લઈને આવો છો તો તો ટાંટીયાને કસરત કરાવવાની રહેતી નથી. પણ હું ચાલીને નીકળી પડ્યો. ધૂળની ડમરીઓ ઉડાવતો. કૂતરાઓ રોજ અજાણ્યા લોકોને જુએ. પણ બિચારા ભસતા નથી. હવે એમને પણ આદત પડી ગઈ છે.
ચાલ્યા પછી મારા પગ પાસે પથ્થરો આવ્યા. મને ખબર પડી ગઈ કે હવે જમજીર આવી ગયો. કાને ચોમાસાના વરસાદ પછી ગાંડો થયેલો ધોધ નગારાની જેમ ગાજી રહ્યો હતો. એ સફેદ દ્રશ્ય કલ્પનામાં આવી ગયું. વહેતા પાણીને પણ નગારા જેવો ઘોષ સાંભળવા મળે તેની જીજીવિષાએ એ ભાગતું હોવું જોઈએ. પણ જમજીરની નજીક આવી પહોંચે ત્યાં તો પાણી ડરી જાય. એ થોડું ધીમું થાય. મને દેખાય છે થોડું થોડું પાણી તો બિચારું ખાબોચિયાઓમાં અટવાઈને પડ્યું છે. પાણી પણ ખાબકતા ડરતું હશે ?
અહીં લોકો થાબડી પેંડા વેચે. આ વાત તો કહેતા રહી ગઈ. એ અહીંની સ્પેશિયલ વાનગી છે. ચોખ્ખા ઘીના બનેલા અને વચ્ચે મુકી હોય બદામ. કોઈવાર બદામ થાબડીનાં પેંડા કરતાં મોટી થઈ હોય. શહેર અને દુકાનનું ખાઈ ખાઈ કદાચ તમારી જીભને અને કોઈ વાર પેટને પણ આવી વજનદાર વાનગી હજમ ન થાય. પણ એક વખત ખાજો. આજુબાજુના લોકો મુલાકાતે આવે તો બાળકો ફરજીયાત પાંચ-છ લેવડાવે. એક અદભૂત મીઠાઈ.
મને તો ધ્રૂવ ભટ્ટની નવલકથા અકૂપારનું એ દ્રશ્ય યાદ આવી ગયું. જ્યારે નાયક અને મુસ્તુફા પગેથી ખોડખાપણ વાળા કાના સામે ખાટલા પર બેઠા હોય છે. મુસ્તુફા અને નાયકના મગજમાં એક સરખો વિચાર આવે છે અને કાનાને ટુરિસ્ટોને પેંડા મોંઘા ભાવે વેચવાની સલાહ આપે છે, કારણ કે ગ્યર જેવું ચોખ્ખુ તો ક્યાં મળે ?
કાનો કહે, ‘હકનું મળે ઈ ખાવું. તમીં ક્યો છ ટૂરિસ ભાળીને લોભ કરું તો આ જલમમાં તો પગ વયા ગ્યા; આવતા જનમે હાથ સ્હોતેન નો હોય.’
જમજીરમાં પ્રવેશતી શીંગોડા નદી પણ ગીરમાંથી જ નીકળે છે. હિરણની જેમ જ. ગીરના બોર્ડરના જામવાળા પાસે આવેલ શિંઘવડો ડેમમાં તે જાય છે. પછી તે ધોધનું સ્વરૂપ ધારણ કરે છે. અને ત્યાંથી પથ્થરોમાં અથડાતી કૂટાતી, વૃક્ષોને છાલક મારતી અહીં સુધી આવી પહોંચે. ધોધની નજીક પહોંચવા માટે ખૂબ લાંબો પલ્લો કાપવો પડે. મુસાફરોની ભીડ હોય પણ નજીક જતા બધા ડરે.
અહીં એક સફેદ કલરનો ગુજરાત સરકારે લગાડેલો બોર્ડ છે. જેને વાંચીને પણ કોઈ સમજતુ નથી. અવાર નવાર સમાચારોમાં આવ્યા કરે છે કે ધોધમાં ડૂબી ચાર લોકો તણાઈ ગયા, બે યુવાનો ડૂબી ગયા.
ચેતવણીના રૂપે લખેલું છે, ‘‘જમજીર ધોધ અને ઉપરવાસમાં શીંગોડા નદીના ભાગમાં ન્હાવા કે પાણીની નજીક જવું એ જોખમી છે. મજા એ મોતમાં ન પરિણમે તેનું ધ્યાન રાખો! પાણીમાં ન્હાવા કે અતિ નજીક જવું એ પ્રતિબંધિત છે.’’
સૌરાષ્ટ્રનો આ સૌથી મોટો ધોધ છે. લોકો તેને મોતનો ધોધ કહે છે. એ વહ્યા કરે અને ચેતવણી આપ્યા કરે. જો પાલન ન કરો તો ધોધ મોતની મજા કરાવે. તેને નજીકથી જોવો નહીં. ડર પણ લાગે. ચોમાસા પછી એ પાગલ હાથી બની જાય. હું તેને એકીટશે જોયા રાખ્યો અને મને ખલીલ ધનતેજવીની નવલકથા યાદ આવી ગઈ. મોત મલકે મીઠું મીઠું.
(18 વર્ષ પહેલાના અનુભવ પર આધારિત)