Homeવિશેષવિલિયમ હેનરી હેરિસન : 8445 શબ્દોથી સજ્જ 90 મિનિટના ભાષણે જેનો જીવ...

વિલિયમ હેનરી હેરિસન : 8445 શબ્દોથી સજ્જ 90 મિનિટના ભાષણે જેનો જીવ લઈ લીધો

એ રાષ્ટ્રપતિ નહોતો બન્યો ત્યારથી વિસ્તારવાદી નીતિ અખત્યાર કરતો રહેતો હતો. તેની નીતિઓ લોઢાના ચણા જેવી હતી. જે તેના એક આદેશથી ચાવી બધા જતા પણ પછી પચતી કોઈને નહીં. તેના સમર્થકો અને વિરોધીઓમાં એક જ વાતને લઈ મતમતાંતર પ્રવર્તતા રહેતાં હતાં કે આપણા સાહેબને ડખ્ખો કરવાની ઉતાવળ શા માટે રહે છે. તેને જ્યારે કોઈની સાથે ઝઘડો કરવાનું મન થતું ત્યારે તે સામો પત્ર લખતો અને સૂર્ય-ચંદ્રની ઉપમાઓ આપી તેને યુદ્ધ માટે લલકારતો હતો. વિરોધી તેનો પત્ર વાંચી વ્યાકુળ થતો કે તલવાર લઈ લડવા જવાનું છે કે કલમ લઈને.

વાત એવી બની કે હેરિસનને ઈન્ડિયાના પ્રાંતનો ગવર્નર બનાવી દેવામાં આવ્યો. તેણે ઈન્ડિયાના સિવાય મિશિગન, વિસ્કોન્સિન અને પૂર્વ મિનિસોટા જેવા અમેરિકાના ભાવી રાજ્યનો સમાવેશ થવાનો હતો એ વિસ્તારમાં ફરજ બજાવી. હેરિસનને મન થયું કે આવી ઉપજાવ જમીનો શા માટે જવા દેવાય એટલે તે અધિગ્રહણ કરવા લાગ્યો. તેની પેશકદમીથી કંટાળીને નેટિવ અમેરિકનોએ તેનો આદેશ માનવાની વાત નકારી દીધી. હેરિસનને નેટિવ અમેરિકન યૌદ્ધાઓ ટેકુમસેહ અને તેના ભાઈ તેનસ્વતવા સામે યુદ્ધે ચડવું પડ્યું.

હેરિસને પોતાના બાવડાનું બળ બતાવવા માટે એક પત્ર લખ્યો. જેને તેણે વિવેચકની એરણે ચોક્કસ ચડાવ્યો હોવો જોઈએ. પત્રમાં લખેલું હતું, ‘અરે ઓ અમેરિકનોની જમીનના દુશ્મન. સૂર્ય સ્થિર રહે છે ચંદ્ર ફર્યા રાખે છે, નદીઓ વહ્યા રાખે છે. પણ મડદા કોઈ દિવસ કબરમાંથી ઊભા નથી થતા.’

પત્ર તેનસ્વતવા સુધી પહોંચ્યો. તેણે પત્ર વાંચ્યો. એમાં તેને સમજાયું કે હેરિસન ખૂદને સૂર્ય જેટલો અચળ સમજે છે. હેરિસન સામે યુદ્ધનું કહેણ ગયું. યુદ્ધ એ દિવસે રાખવામાં આવ્યું હતું જ્યારે સૂર્યગ્રહણ હોય!! હેરિસન સેનાની વચ્ચે ભોઠો પડ્યો. તેણે ફેસબુકના કોઈ મહાન લેખકની માફક પોતાના પત્રનો ‘જોયા આપણા ભડાકા.’ આવો સૈન્યમાં પ્રચાર પણ કરાવેલ. તેનેસ્વતવા હસી રહ્યો હતો. આ તેનેસ્વતવાનો અર્થ થાય ઊંચો અવાજ કરી શકનારો.

1811માં નેટિવ અમેરિકન સાથે સંધિ કરવા ગયેલા હેરિસને બળ પ્રયોગ કર્યો. નેટિવ અમેરિકનો પર તેનો એ પણ આરોપ હતો કે બ્રિટીશરો તેને મદદ કરી રહ્યાં છે. જેમાં તે ખરો સાબિત થયો. નેટિવ અમેરિકન અને બ્રિટનના ગઠબંધનવાળી સેનાને હેરિસને હરાવી દીધી અને તેનું પલડું અમેરિકામાં ભારે થઈ ગયું. જોકે યુદ્ધ વિશે ઈતિહાસવિદો એવું કહે છે કે  બંન્ને પક્ષે એક સરખું લોહી વહ્યું હતું, પણ ફાયદો અમેરિકાને થયેલો. આ યુદ્ધમાં ટેકુમસેહને મારી નાખવામાં અમેરિકનોને સફળતા મળેલી.

હેરિસનના પિતા બેન્જામિન હેરિસને સ્વતંત્રતાના કાગળ પર હસ્તાક્ષર કરેલા હતા. તેમણે ત્રણ વખત વર્જીનિયાનું ગવર્નર પદ પણ સંભાળેલ. આ તો જ્યોર્જ વોશિંગ્ટન સાથે ઉઠવા બેસવાનું હોવાથી તેમની પેઢીઓ તરી ગઈ.

1812નું યુદ્ધ પૂર્ણ કરીને તેણે નિવૃતિની ઘોષણા કરેલી પણ રહી રહીને તે ઓહાયો રાજ્યનો સેનેટ બન્યો. અમેરિકી પ્રતિનિધિ સભામાં પણ તેણે કામ કર્યું. આવા રાજકીય કામોથી તેની અંદર રાષ્ટ્રપતિ બનવાની મહેચ્છાને ઉદ્દીપન મળ્યું. પ્રથમ વખત લડ્યો તો ઉંઘેમાથ પછડાયો. રાજકારણ માટે એવું કહેવાય છે કે હાર્યો જુગારી બમણું રમે. હેરિસન પણ બમણું રમી ગયો. તેને ચૂંટણીમાં બીજી વખત ઉભવાનું મન થયું. જેમ ગુજરાતી સાહિત્યમાં આધુનિકતાનો યુગ સુરેશ જોષી લાવ્યા હતા તેમ નવા ચૂંટણી કેમ્પેન કરવાનો આધુનિક યુગ હેરિસન લાવ્યો હતો.

બીજી વખત ચૂંટણીમાં ઊભો રહ્યો ત્યાં પણ તે હારેત જ. બન્યું એવું કે એક છાપાના કારણે એ રાષ્ટ્રપતિ બની ગયો. એ છાપાએ માથાળું મારી લખ્યું હતું કે રાષ્ટ્રપતિ પદના નવા ઉમેદવાર તો મોટી કેબિનમાં બેરલની કડક બાજુ પર બેસીને પીવાનું પસંદ કરે છે. તેના સમર્થકોને લાગ્યું કે આ વાતને જ સ્લોગન તરીકે અપનાવવી જોઈએ. એમણે દારૂની બોટલને પણ પરાણે બેરલનો આકાર આપ્યો અને સાહેબનો પ્રચાર કર્યો. તેનાથી તુરંત 60,000 લોકો આકર્ષિત થઈ ગયા. તેના સમર્થકોમાં એકાદ બે કવિ પણ હતા. જોકે આ વાતની હેરિસને જનતાને ખબર નહોતી પડવા દીધી! એમણે હેરિસન માટે કેબિન અને બેરલના જીંગલ લખ્યા, ગીતો લખાયા, નારા લખાયા….

પ્રચારમાં પ્રથમ વખત આ વાક્યનો ઉપયોગ થયો અને એ જીતી ગયો. દારૂથી થતા નુકસાન ઘણા છે પણ જો ફાયદો ગણવો હોય તો હેરિસનને પૂછવો રહ્યો. ચૂંટણી જીત્યા પછી તેણે દારૂની એ દુકાનનો આભાર માન્યો કે નહીં, જ્યાં તે ઢીંચતો હતો તે ઈતિહાસકારોએ નોંધ્યું નથી. પણ વાક્યનો બીજો અર્થ એ પણ થતો કે હેરિસન મહેનતુ, જીજ્ઞાસુ અને કોઈ પણ કામમાં નિપુણ છે. તે યુદ્ધનો હીરો છે. અમેરિકનોને તેણે જમીન અપાવી છે. કુખ્યાત નેટિવ અમેરિકન ગુંડાને હણી નાખ્યો છે. 

તેને રાષ્ટ્રપતિ બનાવ્યા પછી તેના જ લોકો ખુબ નિરાશ થયેલા, કારણ કે તેને લાંબુ વક્તવ્ય આપવાનો શોખ હતો. જેમ મને લાંબુ લખવાનો શોખ છે. જરા વિચારજો હું નવસો શબ્દો લખું તો પણ કંટાળો આવે, તો આ માણસે કડકડતી ઠંડીમાં જનતાને ઊભી રખાવી 8445 શબ્દો બોલેલા. હવે આટલું લાંબુ લખનારો કોણ ? તે પ્રશ્ન થવો સ્વાભાવિક છે.

રાત ઉજાગરા કરી તેણે પોતે જ આટલું લાંબુ ભાષણ લખ્યું હતું. જોકે તેણે તો પંદર હજાર કરતાં વધારે શબ્દો લખેલા, પણ ભલુ કરે પૂર્વ સેનેટર ડેનિયલ વેબસ્ટરનું કે દેવ જેવા એ માણસે 8445 શબ્દોના જાજરમાન ભાષણને એડિટ કરી નાખ્યું. નેવું મિનિટ સુધી તે સતત બોલતો રહ્યો. હવે ખ્યાલ આવ્યો કે તેના લાંબા પત્રો વાંચવા કરતાં વિરોધી દળો યુદ્ધ કરવાનું શા માટે પસંદ કરતાં હતા ? આનાં કરતાં તો શહીદ થવું સારું!!

ભાષણ આપ્યા પછી તે રાષ્ટ્રપતિની ખુરશી પર બેસવા ગયો. બે ત્રણ દિવસમાં જ તેને થાક વર્તાવા લાગવા લાગ્યો, બીમાર પડી ગયો. વૈદ્યોએ તેની ચિકિત્સા કરી પણ તેનું શરીર રિકવર નહોતું થઈ રહ્યું. તેને દવાઓ સાથે જો ઉંઘ મળી જાય તો સારું. ઉંઘ માટેનો એ સમયે અક્સીર ઈલાજ અફીણ હતો. જે તેને તેના શરીર પ્રમાણે આપવામાં આવ્યું. પણ પ્રભુને ગમ્યું તે ખરું!!

રાષ્ટ્રપતિના કાર્યકાળ દરમિયાન જ વ્હાઈટ હાઉસમાં મોતને ભેટનારો તે પ્રથમ રાષ્ટ્રપતિ બન્યો. પત્રકારોએ ડોક્ટરોને ખૂબ પૂછ્યું કે, ‘આપણા સાહેબને થયેલું શું ? આ કોઈનું ષડયંત્ર છે ?’

ડોક્ટરો ફક્ત એટલું જ કહી શક્યા કે, ‘એમણે આટલું લાંબુ ભાષણ આપવાની જરૂર નહોતી.’

બહાર હાડ થીજવી દેતી ઠંડીમાં તેમણે ઉંમર વધારે હોવા છતાં એકંદરે લાંબું ભાષણ આપ્યું. ભાષણમાં લોકોની સાથે ન્યૂમોનિયા પણ આમંત્રણ પાઠવ્યા વિના આવી પહોંચ્યો. શરીરમાં ઘર કરી ગયો અને હેરિસનને રાષ્ટ્રપતિની ખુરશીનો નશો ન લેવા દીધો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments