Homeગુર્જર નગરીરાજકોટ: ગોંડલમાં 14 વર્ષની સગીર પુત્રીને સાવકા પિતાએ ગર્ભવતી બનાવી, નરાધમને...

રાજકોટ: ગોંડલમાં 14 વર્ષની સગીર પુત્રીને સાવકા પિતાએ ગર્ભવતી બનાવી, નરાધમને 10 વર્ષની સજા

Team Chabuk-Gujarat Desk:  રાજકોટના ગોંડલમાં 14 વર્ષની સગીર પુત્રીને સાવકા પિતાએ ગર્ભવતી બનાવી દીધાના ચકચારી કેસમાં ગોંડલ સેસન્સ કોર્ટે દોષિત પિતાને 10 વર્ષની જેલની સજા ફટકારી છે.  સગીરાના સાવકા પિતાએ સગીરાને તેની માતાને મારી નાખવાની ધમકી આપી એક વર્ષ સુધી દુષ્કર્મ આચર્યું હતું.

શું છે મામલો ?
ફરિયાદીના પહેલાં લગ્નથી એક પુત્રી છે. ફરિયાદીએ પુત્રી સાથે રાખવાની શરત સાથે લાલજી સાથે બીજા લગ્ન કર્યા હતા અને ગોંડલ શહેરમાં રહેતા હતા. ત્યારબાદ લાલજીની પોતાની સાવકી દીકરી ઉપર દાનત બગડી હતી. જ્યારે પણ ફરિયાદી ગોડાઉન સાફ કરવા કે લાકડા કાપવાની મજૂરી કરવા બહાર જતા ત્યારે અને ઘરના બધા જ સભ્યો સૂઇ જાય ત્યારે લાલજી તેની સાવકી પુત્રી સાથે તેની માતાને જાનથી મારી નાખવાની ધમકી આપી દુષ્કર્મ આચરતો હતો. જો કે, આ દરમિયાન એક વખત ઉલ્ટી થતા અને પેટમાં દુઃખાવો થતા તેની માતાએ તેનું મેડિકલ ચેકઅપ કરાવ્યું હતું. જેમાં તબીબોએ સગીરા ગર્ભવતી હોવાનું કહેતા માતા ચોંકી ગઈ હતી.

ત્યારબાદ આ અંગે માતાએ પુત્રીને પૂછતા સગીરાએ પોતાના સાવકા પિતા લાલજીએ જ અવારનવાર જાનથી મારી નાખવાની ધમકી આપી બદકામ કરતો હોવાનું જણાવ્યું હતું. આથી માતાએ ગોંડલ સિટી પોલીસમાં પોતાના પતિ લાલજી વિરૂદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ફરિયાદના આરોપી લાલજી સામે કલમ 376, 506 (2) તથા પોક્સો એક્ટની કલમ 4 અને 6 મુજબનો ગુનો દાખલ કર્યો હતો.

આ કેસ ગોંડલની પોક્સો અદાલતમાં ચાલી જતા સરકારી વકીલ ઘનશ્યામ કે. ડોબરીયા દ્વારા સરકાર તરફે દસ્તાવેજી પુરાવા રજૂ કર્યા હતા. ત્યારબાદ સરકાર તરફથી કુલ 7 સાહેદો તપાસવામાં આવ્યા હતા. પોક્સો અદાલત મુખ્યતવે ભોગ બનનારની જુબાની, ફરિયાદી તથા ડોક્ટરની જુબાની તેમજ તપાસ કરનારે પોલીસ ઈન્સપેક્ટર જયપાલસિંહ યવંતસિંહ જાડજાની જુબાનીને પુરાવામાં ગ્રાહ્ય રાખી હતી.

સરકારી વકીલે પોતાની દલિલોમાં અદાલત સમક્ષ મુખ્ય રજુઆત કરી હતી કે, સમાજમાં પિતાતુલ્ય અને વડીલ તરીકેની મોભી વ્યક્તિ જો આવું કૃત્ય આચરે તો પ્રર્વતમાન ભારતીય સમાજના માનસ પર વિપરીત અસર પડી શકે અને સમગ્ર રાજ્યમાં સ્ત્રીઓની તેમજ સગીરવયની બાળકીઓની સલામતી જોખમમાં મુકાય. આ દલિલોના આધારે પોક્સો અદાલતે લાલજીને કલમ 376, 506 (2) તથા પોક્સો એક્ટની કલમ 4 અને 6 મુજબના ગંભીર ગુનામાં તકસીરવાન ઠરાવી નામદાર પોક્સો જજ વી.કે. પાઠકે 10 વર્ષની સખત કેદની સજા કરવાનો હુકમ કર્યો હતો.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments