Team Chabuk-Gujarat Desk: રંગીલા રાજકોટના સરધારમાં હરિપર રોડ પર એક 23 વર્ષીય વ્યક્તિની નિર્દયતા પૂર્વક હત્યા કરી નાખવામાં આવી હતી. યુવકને પથ્થરના ઘા ઝીંકી પતાવી દેવામાં આવ્યો હતો. આ યુવકની સાથે તેનું ત્રણ વર્ષનું બાળક પણ હતું. હત્યારાઓ તેને પણ માર માર્યો હતો. લાંબો સમય સુધી પિતાના શવની નજીક બાળક રડતું-કણસતું રહ્યું હતું.
મૃતકનું નામ વેરસિંગ મહોબ્બતસિંહ શિંગડ છે. તે મધ્યપ્રદેશના બેહડવા ગામનો વતની હતો. ઘટનાની પ્રાપ્ત વિગતો કંઈક એવી છે કે મૃતક સરધારમાં હરેશભાઈ પાનસુરિયાની વાડીમાં ખેત મજૂરીનું કામ કરતો હતો. હત્યા કરાયેલી લાશ પડી હોવાની માહિતી આજી ડેમ પોલીસને મળી હતી અને એ તુરંત ઘટનાસ્થળે દોડી ગઈ હતી. જ્યાં તેમને લોહીથી લથબથ વેરસિંગની લાશની બાજુમાં તેનો પુત્ર સચિન પણ મળ્યો હતો. તેની સ્થિતિ પણ નાજુક વર્તાય રહી હતી. પોલીસે મૃતક વેરસિંગની બોડીને પોસ્ટમોર્ટમ ખાતે ખસેડી હતી અને તેના બાળકને સારવાર અર્થે દાખલ કર્યો હતો.
પોલીસના સૂત્રોના જણાવ્યા અનુસાર, વેરસિંગનો સાળો ધોરાજીમાં ખેત મજૂરી કરે છે. એ મધ્યપ્રદેશથી હાલમાં જ આવ્યો હોય અને ધોરાજી બાજુ જતો હોય તેની મુલાકાત કરવા માટે વેરસિંગ તેના ત્રણ વર્ષના પુત્ર સચિનને લઈ ગોંડલ રોડ ચોકડીએ મળવા પહોંચ્યો હતો. સાળાએ વેરસિંગને રૂપિયા સાતસો રોકડા અને એક જોડી કપડાં આપ્યા હતા. વેરસિંગ અને તેનો પુત્ર સચિન તેની સાથે મુલાકાત કરી પાછા ફર્યાં હતાં. અહીંથી કોઈ વાહનમાં સરધાર પહોંચ્યા હતા અને ત્યાંથી સાઈકલ મારફતે વાડીએ જઈ રહ્યા હતા.
પિતા પુત્ર જ્યારે હરિપુર રોડ પર પહોંચ્યા ત્યારે હત્યારાઓએ તેમને આંતર્યાં હતાં. વેરસિંગને હત્યારાઓએ બોથડ પદાર્થના ઘા ઝીંકી પતાવી નાખ્યો હતો. હત્યારા એટલા ખુન્નસમાં હતા કે તેમણે વેરસિંગના ત્રણ વર્ષના પુત્ર પર પણ પથ્થરો વરસાવામાં કંઈ બાકી નહોતું રાખ્યું. લાંબા સમય સુધી પુત્ર સચિન પિતા વેરસિંગની લોહીથી ખદબદતી લાશની નજીક પડ્યો હતો. ત્યાંથી રાહદારી પસાર થતાં તેણે પોલીસને ઘટનાની જાણ કરી હતી.
વેરસિંગની હત્યા પાછળ સ્ત્રીનો હાથ હોવાની હાલ શંકા સેવાઈ રહી છે. પોલીસ સૂત્રો તરફથી મળતી માહિતી પ્રમાણે, વેરસિંગની પત્નીના વેરસિંગ સાથે આ બીજા વેવિશાળ હતા. આ પૂર્વે તેના કોઈ અન્ય યુવક સાથે લગ્ન થયા હતા. જ્યારે વેરસિંગના આ પ્રથમ લગ્ન હતા. યુવકની હત્યા પાછળ સ્ત્રીપાત્ર કારણ છે કે નહીં તે દિશામાં પણ પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
