1932માં ક્રિકેટમાં પ્રવેશ થયો ત્યારથી ભારતીય ટીમ 1960 સુધી ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી શકી નહીં. 1960 પછી, ભારતીય ટીમે જીતવાનું શરૂ કર્યું. પરંતુ હજુ પણ વિદેશમાં શ્રેણી જીતવી તે સ્વપ્ન સમાન હતું. પરંતુ 70ના દાયકો આવ્યો. ભારતીય ટીમે સૌ પ્રથમ 1971માં વેસ્ટ ઇન્ડીઝને હરાવ્યું અને ત્યારબાદ ઇંગ્લેન્ડને તેના ઘરમાં જ પરાજયનો સ્વાદ ચખાડ્યો.
ભારતીય ક્રિકેટની સુવર્ણ અક્ષરોએ લખાયેલી નવી વાર્તાનો આરંભ અહીંથી થાય છે. અજિત વાડેકર ઈંગ્લેન્ડમાં ઈંગ્લેન્ડને હરાવનારા પહેલા ભારતીય ક્રિકેટ કેપ્ટન હતા. આ જીત પછી 1974માં ભારતીય ક્રિકેટ ટીમ ઇંગ્લેન્ડ પહોંચી ત્યારે ભારતીય ચાહકોની અપેક્ષાઓ ઘણી વધારે હતી. હવે એવું લાગવા માંડ્યું હતું કે ભારતીય ટીમ વિદેશમાં પણ વિરોધીઓને ધોબીપછાડ આપી શકે છે. આ શ્રેણીમાં માત્ર ભારતીય પ્રશંસકોને જ નહીં સમગ્ર ભારતીય ક્રિકેટ જગતને હચમચાવી નાખ્યું.
1974માં ઈંગ્લેન્ડના આંગણે
એપ્રિલ 1974ના મહિનામાં, અજિત વાડેકરની નેતૃત્વ હેઠળ ભારતીય ટીમ વિશ્વની નંબર વન ટીમ હતી. આ પહેલી વાર હતું જ્યારે ભારતીય ટીમ કોઈ એક કેપ્ટનની આગેવાનીમાં ઈંગ્લેન્ડ ગઈ. આ સમયે વનડે ક્રિકેટ નામનો નવો બોલ પણ ભારતની સામે આવ્યો. ભારતીય ટીમે માન્ચેસ્ટરમાં પ્રથમ ટેસ્ટ 113 રને હારી. બીજી ટેસ્ટમાં સ્થિતિ વધુ ખરાબ થઈ, કારણે ટીમમાં અંદરોઅદર જ વિવાદનો વમળ ઉઠવા લાગ્યો.
વરિષ્ઠ ખેલાડી બિશનસિંહ બેદી અને કેપ્ટન અજિત વાડેકર પહેલેથી મુશ્કેલીમાં હતા. સિરીઝ પહેલા એપ્રિલ-જૂન મહિનામાં એટલો વરસાદ પડ્યો હતો કે ભારતીય ટીમ પ્રેક્ટિસ પણ કરી શકી ન હતી. વરસાદને કારણે ઈંગ્લેન્ડના ઝડપી બોલરોને પીચથી ફાયદો મળી રહ્યો હતો. જ્યારે ભારતીય ટીમમાં તે સમયે કોઈ ઝડપી બોલરો ન હતા. તે પ્રવાસ પર પણ ટીમમાં ફક્ત ચાર પણ દિગ્ગજ સ્પિનરો હાજર હતા. એટલું જ નહીં. એક ભારતીય ખેલાડી તે સમયે ઇંગ્લેન્ડની એક દુકાનમાંથી માલ ચોરી કરતા પણ પકડાયો હતો. આ બધી બાબતોએ રમતને પણ અસર કરી હતી.
20 જૂન, 1974થી લોર્ડ્સના મેદાન પર બીજી ટેસ્ટ
બીજી ટેસ્ટના પહેલા બે દિવસમાં ઇંગ્લેડની ટીમે 629 રનનો વિશાળ સ્કોર ખડકી દીધો. જે તેમનો લોર્ડ્સ પર જ નહીં, પરંતુ બીજા વિશ્વ યુદ્ધ પછીની ટેસ્ટમાં સૌથી મોટો સ્કોર હતો. એમ કહી શકાય કે ભારતીય ટીમની પ્રખ્યાત સ્પિન ત્રિપુટીનો જાદુ જરા પણ ન ચાલ્યો. પણ હજુયે ભારતીય ચાહકોને આશા હતી કે બેટિંગમાં કંઈક નવું જોવા મળી જશે, કારણ કે ટીમમાં ગાવસ્કર, ઇજનેર, વાડેકર, બ્રજેશ પટેલ, સોલકર, આબીદ અલી અને મદન લાલ જેવા ખેલાડીઓ હતા.
ટેસ્ટના ત્રીજા દિવસે ભારતીય ટીમ 302 રનમાં ઓલઆઉટ થઈ ગઈ. હવે ઇંગ્લેન્ડની ટીમે પ્રથમ દાવના આધારે 327 રનની લીડ લીધી. આ કારણે ભારતીય ટીમને ફોલો-ઓન મળ્યું. ત્રીજા દિવસના અંતે ટીમનો સ્કોર કોઈ પણ વિકેટના નુકસાન વગર 2 રનનો હતો.
રમતના ત્રણ દિવસ પછી રેસ્ટ ડે આવ્યો. રવિવારે ભારતીય પ્રેક્ષકોને આશા હતી કે હવે પછીની સવાર ભારતીય ટીમની તરફેણમાં રહેશે. કેમ કે વિકેટ બેટિંગ માટે શ્રેષ્ઠ હતી. ભારતની બેટિંગ લાઇનઅપ પણ શાનદાર હતી. તો સામા પક્ષે ઈંગ્લેન્ડની થોડી નબળી બોલિંગનો પણ ફાયદો મળે તેમ હતો.
24 જૂન 1974 – અંગ્રેજ પ્રેક્ષકો હસી હસીને લોટપોટ થઈ ગયા
24 જૂન 1974ના રોજ ક્રિકેટના મેદાન પર જે બન્યું તે પહેલાં 1932થી એટલે કે 42 વર્ષ પહેલાં કે 46 વર્ષ પછી એટલે કે 2020 સુધી આજ સુધી બન્યું ન નથી.
સુનીલ ગાવસ્કરે ફારૂક એન્જિનિયર સાથે ઇનિંગની શરૂઆત કરી. તો આર્નોલ્ડ અને ઓલ્ડે ઇંગ્લેન્ડ તરફથી બોલિંગનો મોરચો સંભાળ્યો. રમતની શરૂઆતના 30 મિનિટની અંદર ઇંગ્લેન્ડના ટ્રાંઝિટર્સ પર લોકો તરફથી ઘોંઘાટીયા અવાજો આવવા લાગ્યા. ઇંગ્લેન્ડના દર્શકો આનંદથી હસી રહ્યા હતા. જેનું કારણ હતું સ્કોરબોર્ડ. ભારતે માત્ર 25 રનમાં 5 વિકેટ ગુમાવી દીધી હતી.
તે દિવસે આર્નોલ્ડ સામે ન તો ગાવસ્કરનું બેટ ચાલ્યું ન તો એન્જિનિયર પીચ પર ટકી શક્યો. ગાવસ્કર માત્ર 5 રન બનાવીને તો એન્જિનિયરને ખાતુ ખોલાવ્યા વિના જ પેવેલિયન પરત ફરવું પડ્યું. આ ઉપરાંત વિશ્વનાથ 5 રન, પટેલ 1 રન તો વાડેકર માત્ર 3 રન જ બનાવી શક્યો.
આ પછી ઓલ્ડે પણ ભારતીય ખેલાડીઓને હાથ ખોલવાનો મોકો ન આપ્યો. હવે ભારતનો સ્કોર 28એ પહોંચ્યો હતો. એવામાં 3 રન બનાવી આબિદ અલી પણ આઉટ થયો. ટીમનો સ્કોર 30એ પહોંચતા વધુ એક વિકેટ પડી. મદન લાલ પણ 2 રન બનાવી પરત ફર્યા. એટલે કે, હવે 30 રનમાં ભારતે પોતાની સાત વિકેટ ગુમાવી દીધી હતી. જો કે એકનાથ સોલકર એક છેડે ઉભા હતા. જોકે એકલાં હાથે કઈ થઈ શકે તેમ ન હતું. સામે છેડે પણ સાથ આપનાર કોઈ જોઈતું હતુ.
હવે સોલકરે પણ આશા છોડી દીધી હતી કેમ કે, મેદાનમાં સાથ આપવા આવેલા વધુ બે ખેલાડી આઉટ થયા હતા. 5 રન બનાવી પ્રસન્ના અને 0 રન પર બેદીએ પણ પવેલિયનની વાટ પકડી હતી. ભારતનો સ્કોર 42 રન પર 8 વિકેટ. ત્યારબાદ ચંદ્રશેખર તો બેટિંગ માટે આવી પણ ન શક્યો. જો કે, હવે તેમની બેટિંગનો કોઈ મતલબ પણ ન હતો.
તે દિવસે ભારતીય ટીમ 77 મિનિટમાં 17 ઓવરમાં હાંફી ગઈ. સોલકર 18 રન બનાવી અણનમ રહ્યો. ટીમ ઈન્ડિયા ફક્ત 42 રન જ બનાવી શકી. લોર્ડ્સ અને ક્રિકેટના કોઈ પણ મેદાન પર ભારતીય ટીમનો આ સૌથી નબળો સ્કોર છે. તે મેચ ઇંગ્લેન્ડે ઇનિંગ્સ અને 285 રનથી જીતી લીધી.
બીજી ટેસ્ટની હારથી ભારતે શ્રેણી પણ ગુમાવી. ત્યારબાદ ત્રીજી ટેસ્ટ શરૂ થઈ. તેમાં પણ ટીમ ઈન્ડિયાને હારનો સ્વાદ ચાખવો પડ્યો. આ ટેસ્ટ શ્રેણી ભારતીય ક્રિકેટમાં ખરાબ પ્રદર્શન માટે યાદ કરવામાં આવે છે.