રવિવારની પૂર્તિની કાગડોળે રાહ જોનારી ગુજરાતી પ્રજાને, એ દિવસે છાપામાં ઓછો રસ પડે છે. થોડા મહિનાઓ પહેલા સંદેશ અખબારના ખૂણામાં છપાયેલા સમાચારે કૂતુહલ જગાવ્યું. હેડિંગ હતું, ‘કોંગ્રેસમાં ધોકો પછાડનારા પૂર્વ ધારાસભ્ય અક્ષયે ભાજપમાં ટિકિટ માટે છત્રી પકડી.’
આમ તો આ પોલિટિકલ સમાચાર કહેવાય, પણ અહીં વાત રાજનીતિની દ્રષ્ટીએ નથી થતી. વાત સાહિત્ય અને સિનેમાની થાય છે. જેની અઠંગ જાણકારી રાખનારાઓ અહીં પડ્યા જ છે. પ્રથમ મૂળ વાતના જડમૂળથી સોતા ઉખેડી લઈએ. રાજ્યસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખી જેને ભાજપે પોતાની પાર્ટીમાં કૂદકો મરાવ્યો તેવા અક્ષયભાઈ પટેલની એક તસવીર વાઈરલ થાય છે અને પછી છાપામાં છપાય છે. એ તસવીરમાં તેઓ ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા પાસે છત્રી પકડીને ઉભા છે. છત્રી, રાજ્યસભા અને કોંગ્રેસમાંથી પોલ વોલ્ટ સરીખો કૂદકો માર્યો તે સમાચાર બન્યા, પણ તેના સિવાય પણ એક સમાચાર બને છે.
આ સમસ્ત પૃથ્વીમાં છત્રી જેટલું કોઈ ટક્યું નથી. ટેપ, કેસેટ, સીડી બધું આવ્યું અને ગયું. મેમરી કાર્ડના પણ અંતિમ શ્વાસ ચાલી રહ્યાં છે. રેનકોટ ખરીદો છો તોપણ ચોમાસામાં ઢૂકડું ચાલવા માટેય છત્રી તો જોઈએ જ. મારી બેટી છત્રીના કુળની વાત કરતાં પણ હાથમાં ખંજવાળ આવે છે, કારણ કે તેની ઉત્પતિ આજથી ત્રણ કે ચાર હજાર વર્ષ પહેલાં ચીનમાં થઈ હતી. જ્યાંથી કોરોના આવ્યો છે. સૂર્યના આકરા તાપ સામે રક્ષણ મેળવવા માટે તેનો ઉપયોગ થતો હતો. તમે ચીનની જૂની ફિલ્મોમાં જેકી ચેન અને બ્રૂસલીના જીવ સટોસટના દ્રશ્યો સિવાય આજુબાજુ નજર નાખશો તો બામ્બુથી નિર્મિત એવી છત્રીઓ જોવા મળશે. જેનો માર્શલ આર્ટસમાં પણ ચીનીઓ ખૂબ ઉપયોગ કરે છે.
અંગ્રેજી સાહિત્યમાં ગ્રેટ એક્સપેક્ટેશન જેવી નવલકથા લખી અમર બની ગયેલા ચાર્લ્સ ડિકન્સની કૃતિઓમાં છત્રીનો ઉલ્લેખ વારંવાર આવે છે. જ્હોન બ્રાઉને ચાર્લ્સ ડિકન્સ અંગે કરેલા ડિકન્સ એન્ડ ધ પાવર ઓફ અમ્બ્રેલા અંગેના સંશોધન પેપરમાં ટાંક્યું છે, ‘તેણે છાપેલી પોતાની પ્રથમ કથામાં જ લખેલું આવે છે, Always Carry brown silk umbrella with an ivory handel. બીજી બાજુ ચાર્લ્સ ડિકન્સની ડેવિડ કોપરફિલ્ડ નવલકથામાં મિસ મોવચર લાંબી રાક્ષસ સમકક્ષ છત્રી લઈને ફરે છે.’
જ્હોન બ્રાઉનની વાતને છોડીએ તો ચાર્લ્સ ડિકન્સના પાત્રો હંમેશાં અપસેટ રહ્યાં છે. મૂંઝવણમાં રહ્યાં છે. છત્રી લઈ ફરતા રહ્યાં છે. ઓલ્ડ ક્યૂરિયોસિટી શોપનો વિલન ક્વિલીપ, માર્ટિન ચઝોવેટ નામની કથામાં આવતા નિકોલસ અને મિસ્ટર ગેમ્પ અને ગ્રેટ એક્સપેક્ટેશનનો શ્રીમાન જોઈ (Joe), આ બધાના હાથમાં લેખકે છત્રી પકડાવી છે. 1800ની સાલ બાદ યુરોપનાં સાહિત્યમાં ‘છત્રીવાદ’ પણ આવેલો. જેના વહેણમાં ડિકન્સ સહિતના અસંખ્ય સર્જકો તણાઈ ગયા હતા.
ડિકન્સની સાથે મને રસ્કિન બોન્ડની બ્લુ અમ્બ્રેલા પણ યાદ આવે છે. વિશાલ ભારદ્રાજે ડાયરેક્ટ કરેલી એ બાળ ફિલ્મ અચૂક જોવી રહી. નેશનલ એવોર્ડ વિજેતા ફિલ્મને 2012ની સાલમાં અમર ચિત્રકથામાં પણ લેવામાં આવી હતી. આ કથા બિનયા નામની એક છોકરી અને રામ ભરોસે નામના એક દુકાનદારની છે. જે છોકરી પાસેથી તેની બ્લુ કલરની છત્રી પડાવી લેવા માગે છે. આ છત્રી બ્લુ કલરની જ શું કામે રાખી ? બ્લુ એ વિશ્વાસ, ડાહપણ, આત્મશ્રદ્ધા, બુદ્ધીમતા, શ્રદ્ધા, સત્ય, સ્વર્ગ જેવા મનુષ્યોના મગજને ગલગલીયા કરાવતા શબ્દોને પ્રતીકાત્મક રીતે દર્શાવે છે. સાહિત્યમાં બોન્ડ ખૂબ ઝીણું કાતે છે અને સિનેમામાં વિશાલ તેનાથી પણ.
સાહિત્ય અને સિનેમામાં મને સૌથી ગમતી છત્રી ગેંગ્સ ઓફ વાસેપુરમાં આવતા રામાધીર સિંહની છે. પિયુષ મિશ્રા ફિલ્મના કથનમાં બોલે છે, ‘सरदार को रामाधीर सिंह नहीं पहेचानता था. शायद मुजे भी नहीं. हालाकी उसने देखा तो था, मुजे शाहीद के साथ. लेकिन वो अपना छाता जरूर पहेचानता था. ये वो जमाना था जब बडे लोग अपना नाम भूल जाते थे. लेकिन अपनी जमीन, अपना सामान नहीं.’
અનુરાગ કશ્યપને છત્રી ખૂબ ગમે છે. સેક્રેડ ગેમ્સની પ્રથમ સિઝનમાં એમણે બંટીના મુખે બોલાવેલો અને મીમ વિશ્વમાં અમર કરી દીધેલો સંવાદ આજે લોકજીભે છે. મને તો આજે પણ સવાલ થાય છે કે હિન્દી સિનેમાની કેટલીક ધંધાર્થી ફિલ્મોમાં શા માટે વરસાદ પડતો હોય ત્યારે જ સ્વજનની ચિતા સળગાવવાના અશક્ય કાર્યમાં વિલન સમૂહ જોતરાયેલ હોય છે. પાછા બધા છત્રીઓ લઈ એકઠા થયા હોય ? ઉદાહરણ તરીકે, સલમાન ખાનની બોડીગાર્ડમાં આદિત્ય પંચોલીનો નાના ભાઈને અગ્નિદાહ આપતો સીન.
આપણે વાત કરી કે છત્રી ચીનમાં નિર્માણ પામી પણ વર્ષોથી જેમ રસગુલ્લા ઓરિસ્સાના કે કલકત્તાના તે સૌથી મોટો સવાલ રહ્યો, તેમ છત્રી પણ ચીનની કે ગ્રીસ-ઈજીપ્તની ? તે સવાલ ચોમાસાના પાંખવાળા મંકોડની જેમ છાશવારે ઉદ્દભવી શમી જાય છે.
ગામડાનો એ વાંધો કે તે વરસાદ આવે એટલે છત્રીનો ઉપયોગ ન કરે. છત્રી મેળામાં પડી પડી ખુલવાની રાહ જોતી હોય. કવિને જેમ વરસાદની કલ્પનાથી કવિતાઓ સ્ફૂરી આવે તેમ છત્રીને પણ ભીંજાવાની અપેક્ષા હોયને ? પણ ગામડાનાં ભાઈશ્રી તો કુદરતી સ્નાન કરવા માટે ગામના પાદરે કે ખેતરમાં ઉપડી હાલે. એવી રીતે મોટા શહેરમાં છત્રીનો જૂજ લોકો ઉપયોગ કરે.
અહીં અમદાવાદમાં પોતીકા વાહનનું ચલણ વધારે છે. ચોખ્ખા પાણીમાં નરી આંખે દેખાતી માછલીની જેમ સ્પષ્ટ છે, કે કારમાં આવનારા છત્રી લેવાના નથી અને ટુ વ્હિલ ધારકો રેઈનકોટનો ઉપયોગ કરે છે. તાલુકાઓમાં તમને છત્રીઓ ખૂબ જોવા મળશે. તાલાલા ગિરમાં મેં લગભગ વ્યક્તિને છત્રી સાથે જોયા છે. ખરીદતા જોયા છે, છત્રીનો ચોમાસામાં ઉપયોગ કરતા જોયા છે, જૂની છત્રીની મરમ્મત કરતાં જોયા છે. ગિરની આજુબાજુના ગામોમાં આજેય કેટલાક લોકો છત્રીની જગ્યાએ પ્લાસ્ટિકના કોથળાનો ઉપયોગ કરતા હોય તો નવાઈ નહીં, કારણ કે એ પણ છત્રી જ છે.
અમેરિકાની કેટલીક અજાણી નવલકથાઓના નામ કહું, સોફિયા હિલની હાઈપોક્રાઈટ વર્લ્ડ, બ્લાયટોનની ધ વિઝાર્ડ અમ્બ્રેલા, સ્ટીફન કિંગની મિસ્ટર મર્સિડીઝ જેવા તમામ પુસ્તકોની ખાસિયત એ પણ રહી કે તેના મુખપૃષ્ઠમાં છત્રી છે.
28 જૂન 2020માં મીડ-ડેની વેબસાઈટમાં એક સમાચાર પ્રકાશિત થયેલા. સિરીયલ ભાખરવડીના પ્રોડ્યુસર જે.ડી.મજેઠીયાએ કલાકારો અને ક્રૂ મેમ્બર વચ્ચે સોશિયલ ડિસ્ટન્સ જાળવવા માટે તમામને છત્રીનો ઉપયોગ કરવાનું કહ્યું. ગુજરાતી નાનામાં નાની વસ્તુમાંથી પણ કંઈક સર્જન કરી નાખે. આવારા પાગલ દિવાનામાં પણ ગુજરાતી પરેશ રાવલ નથી બોલતા, ‘ઓહો છત્રીવાળો છે.’