Homeસાહિત્યઅગાથા ક્રિસ્ટી : વાસ્તવિક જીવનમાં એક સસ્પેન્સ-થ્રીલર લેખક બદલો લે તો કેવો...

અગાથા ક્રિસ્ટી : વાસ્તવિક જીવનમાં એક સસ્પેન્સ-થ્રીલર લેખક બદલો લે તો કેવો લે ?

આપણે મહાન લેખકો ને બોલતા સાંભળ્યા છે કે લખવા માટે વાંચવું ખૂબ જ જરૂરી છે. કાન્તિ ભટ્ટથી લઈને જય વસાવડાએ પણ વાંચનનો મહિમા વર્ણવ્યો છે. આંખો લાલચોળ થઈ જાય એટલું વાંચવું પડે એમ લેખકો કહી ચૂક્યા છે. વિશ્વ પુસ્તક દિવસ પર સોશિયલ મીડિયામાં પુસ્તકવર્ષા કરતાં હોઈએ છીએ. પણ જાણીને આશ્ચર્ય થશે કે ક્રાઈમ નવલકથાઓ લખવામાં શિરમોર એવી અગાથા ક્રિસ્ટીની માતા બિલકુલ નહોતી ઈચ્છતી કે તે વાંચવાનું શીખે. તેની માતા કામ વિનાની બેસી રહેતી અને અગાથા વાંચે નહીં તેનું ડોળા ફાડી ફાડીને ધ્યાન રાખતી હતી. બ્રિટનમાં લોકો આટલા નવરા હોય શકે ? તેની માતાને પરિણામે જ તે 15 વર્ષની ઉંમર સુધી અભણ જ રહેલી.

તમને લાગશે કે આમ આડે દિવસે અગાથા ક્રિસ્ટીનું નામ કેમ લીધું ? કારણ કે તેની નવલકથા પરથી બનેલી ફિલ્મ ડેથ ઓન ધ નાઈલનું બે દિવસ પહેલાં ટ્રેલર સામે આવ્યું અને તે ફિલ્મમાં ભારતીય અભિનેતા અલી ફઝલ પણ છે. આ ફિલ્મમાં પણ ડિટેક્ટીવ હરક્યૂલ પાઈરોટ જોવા મળશે. ગુજરાતીમાં એ સમયે અગાથા ક્રિસ્ટીનો અનુવાદ થઈ રહ્યો છે જ્યારે મોટાભાગની જનતા અંગ્રેજી તરફ પ્રયાણ કરવા લાગી છે. મારા ખ્યાલથી આપણે તેમના તમામ 77 પુસ્તકોનો અનુવાદ કરીશું તો પણ ઘણો સમય લાગશે.

તેની પ્રથમ નવલકથાને છ પ્રકાશકો દ્રારા નકારવામાં આવી હતી. જે હવે સામાન્ય વાત થઇ ચૂકી છે. કહેવાની વાત એ છે કે તેની બહેન નહોત તો અગાથા કોઈ દિવસ આટલી મોટી લેખક ન બનેત. તેને કિશોર અવસ્થામાં જ વાર્તા અને નવલકથા વાંચવાનો અને નાની નાની વાર્તાઓ લખવાનો શોખ હતો. તેની બહેન મેડેજે તેને લાંબી નવલકથા લખવા માટે પડકાર ફેંક્યો. અગાથાએ આ ચેલેન્જનો સ્વીકાર કરતાં પ્રથમ પુસ્તક લખી નાખ્યું. જેનું નામ છે મિસ્ટીરીયસ અફેર એટ સ્ટાઈલ.

આ નવલકથા લખતી વખતે તે બસમાં બેઠી હતી અને તેને એક બેલ્જીયમનો વ્યક્તિ મળી ગયો. તેને જોઈ તે ચકિત્ત થઈ ગઈ. બિચારા એ માણસને તો કંઈ ખ્યાલ પણ નહોતો. આગલા સ્ટોપ પર તે ઉતરી ગયો. ઘરે જઈ અગાથાએ તેને એક પાત્ર તરીકે ઘડ્યો. જેને આજે આપણે હરક્યૂલ પાઈરોટ તરીકે ઓળખીએ છીએ.

કોઈના ખૂન કરાવીને પણ લોકપ્રિય થઈ શકાય તેવું સૌભાગ્ય અગાથા ક્રિસ્ટીને જ સાંપડ્યું હતું. અગાથા ક્રિસ્ટીએ વર્ષો સુધી લોકોના મર્ડર કરાવી કરાવીને પ્રસિદ્ધી કમાઈ. અલબત્ત પુસ્તકોમાં. તેના મગજમાં ખૂનો કરવાના વિચાર નહોતા આવતા. તે માત્ર એક જ મર્ડર કરાવતી હતી અને પછી કેટલા બધા સસ્પેક્ટને તેની આજુબાજુ ઊભા રખાવી હત્યાનો પર્દાફાશ કરવા માટે હરક્યૂલ પાઈરોટને મેદાનમાં બોલાવતી હતી. કોઈવાર ગુસ્સો આવી જાય તો તેને ઠંડો પાડવા માટે બે ચાર વધારે ખૂન કરાવી નાખતી હતી. પછી એ સિલસિલો ચાલતો જ રહ્યો. એ જેટલા વધારે ખૂન કરાવતી ગઈ તેટલા વધારે પુસ્તકો વેચાતા ગયા અને બેસ્ટ સેલરની યાદીમાં ખપાતા ગયા.

તે ખૂન પણ શાંતિથી કરાવી શકતી હતી. ખૂન કરાવવા માટે તેને કોઈ હથિયારની આવશ્યકતા નહોતી. યુદ્ધના સમયે તે દાક્તરી શાખામાં કામ કરતી હતી. જ્યાં તેણે ઝેર બનાવવાનું શીખ્યું હતું. યુદ્ધ ટાણે તેણે બંદૂક-તોપ આવું જોયું હતું, પણ વિષ તેને ખૂન કરાવવા માટેનો ઉત્તમ સ્ત્રોત લાગ્યો. તે શાંતિથી ગુનેગારના હાથમાં વિષ આપી બદલો લેવડાવતી. ભારતની કેટલીક ડિટેક્ટીવ સિરીયલો અને ત્યાં સુધી કે બ્યોમકેશ બક્ષીમાં આવતી મકડીના ઝેરની કથા, આ બધુ અગાથાના ફળદ્રુપ પણ કાતિલ ભેજાની ઉપજ છે. જો તે ગુજરાતમાં પેદા થઈ હોત અને આવું કામ કર્યું હોત, તો આપણા સાહિત્યકારો તેને ‘વિષકન્યા’ જેવું ઉપનામ પણ આપેત.

તેને નવું નવું કરવું ગમતું હતું. નવું નવું કરતી એટલે તે પોતાના પાત્રોને એક નવી પરિસ્થિતિમાં ઢાળી શકતી હતી. જે એ સમયના તેના સમકાલીનો નહોતા કરતા. સાઉથ આફ્રિકામાં તે દરિયામાં સર્ફિંગ શીખેલી. ઉભા ઉભા સર્ફિંગ શીખેલી. અને આ સાહસ કરનારી તે બ્રિટનની પ્રથમ વ્યક્તિ હતી તેવું બ્રિટને નોંધ્યું છે. એક સારી સસ્પેન્સ થ્રીલર નવલકથા લખવા માટે લેખકે સાહસ કરવું પણ જરૂરી છે.

નવલકથા લખવામાંથી બાકી બચેલો સમય તે પતિ શોધવામાં કાઢતી હતી. એક પતિ હોવા છતાં તે આવું કરતી હતી. ગુજરાતમાં તારક મહેતા અને વિનોદ ભટ્ટે બે બે લગ્ન કર્યા, તેમ બ્રિટનમાં તેનાથી ઉલટું મહિલા લેખિકા અગાથા ક્રિસ્ટીએ બે લગ્ન કર્યા હતા. પ્રથમ લગ્ન આર્કિબાલ્ડ સાથે કરેલા. પછી અગાથાને થયું કે મારે હવે આર્કિયોલોજીનો પણ અભ્યાસ કરવો જોઈએ. પણ આ માટે તેની ઉંમર થઈ ચૂકી હતી. ઉપરથી લખવાનો પણ ભાર હતો. એટલે તેણે આર્કિબાલ્ડને ડિવોર્સ આપ્યાનાં બે વર્ષ બાદ મેક્સ મેલોવનને શોધી કાઢ્યો. જે આર્કિયોલોજીસ્ટ હતો.

આ બંન્નેએ ઈરાક અને સિરીયામાં સારા દિવસો પસાર કર્યા. અગાથા પણ તેની સાથે રહી, તેનાં કરતાં હોશિયાર પુરાતત્વશાશ્ત્રી બનતી ગઈ. 2015માં કમ ટેલ મી હાઉ યુ લીવ જેવી ચોપડી હાર્પરકોલિન્સે બહાર પાડી છે. જેમાં આ બધુ લખેલું છે. અગાથાને આર્કિયોલોજી વિશે જાણવાનો ખૂબ શોખ હતો પણ તેને આર્કિયોલોજીની સાઈટથી દૂર રાખવાનું કેવું ખરાબ પરિણામ આવી શકે તે અંગે જાણશો, તો કોઈ પણ ભાષાનાં સસ્પેન્સ થ્રીલર લેખકને છંછેડવાની તમે ભૂલ નહીં કરો ?

તેનો બીજો ભરથાર મેલોવન, લિયોનાર્ડ વૂલીના સહાયક તરીકે કામ કરતો હતો. વૂલીની ઘરવાળીએ અગાથાને જોઈ તો તેણે તેને મેસોપોટેમિયાની શિબીરમાં રહેવાની મનાઈ ફરમાવી દીધી. તેને હવે બગદાદામાં સ્પેશિયલ રૂમ રાખી રહેવું પડતું હતું. અગાથા ક્રિસ્ટીના પતિને તેને જોવા માટે છેક બગદાદ ધક્કો ખાવો પડતો હતો. આ વાતથી અગાથા ક્રિસ્ટી ગુસ્સે ભરાઈ ગઈ. પેલીને ખબર નહોતી કે તેણે કોની સાથે પંગો લીધો છે. અગાથા ક્રિસ્ટીએ એક પ્લોટ તૈયાર કર્યો અને ઉંધે માથ લખવા માંડી. થોડાં દિવસો પછી તેનું નવું પુસ્તક પ્રકાશિત થયું. જેનું નામ હતું મર્ડર ઈન મેસોપોટેમિયા. આ પુસ્તકમાં એક આર્કિયોલોજીસ્ટીની વાઈફને તેણે વિકટીમ બતાવી હતી. ઉપરથી અર્પણ પણ વુલીને જ કર્યું હતું. આવો બદલો ભલા કોણ લે ?

તેણે પોતાની ઈમેજને બદલવા માટે 1930થી 1956ના ગાળાની વચ્ચે મેરી વેસ્ટમેકોટના નામે પ્રેમકથાઓ લખી. જેનો કોઈ આજે પણ ભાવ નથી પૂછતું. વચ્ચે તેણે એક નાટક પણ લખેલું જેનું નામ માઉસટ્રેપ છે. માઉસટ્રેપ એ રેડિયોનાટક તરીકે ભજવવાનું હતું પણ તેના કથાવસ્તુનાં કારણે સ્ટેજ પર ગયું. 60 વર્ષ સુધી ભજવાયું અને આજે પણ બ્રિટનમાં તેના કેટલાક પ્રયોગો થતા રહે છે.

સરસ્વતી હોય ત્યાં લક્ષ્મી વારંવાર મોઢું બતાવતી નથી. તોપણ ખિસ્સાંમાં રૂપિયા હોય, વિદેશમાં ફરવાના શોખીન હોવ અને બ્રિટનનાં ડેવોનશાયરમાં જાઓ તો ત્યાં અગાથા ક્રિસ્ટીનો એક બંગલો કોઈ પણ વ્યક્તિને 500 ડોલરમાં ભાડે આપે છે. જ્યાં તમને અગાથાની વસ્તુઓ સાથે શ્વાસ લેવાની તક મળશે. અહીં અગાથા ક્રિસ્ટી પોતાની ઉનાળાની રજાઓ વિતાવવા માટે આવતી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments