Homeદે ઘુમા કેઅંગૂઠો કચડી નાખતો અને જાંઘ તોડી નાખતો ભારતનો પ્રથમ ફાસ્ટ બોલર

અંગૂઠો કચડી નાખતો અને જાંઘ તોડી નાખતો ભારતનો પ્રથમ ફાસ્ટ બોલર

1990ની સાલ હતી. દિલીપ વેંગેસકર બેટીંગ કરતા હતા. તેમને એક એવા વ્યક્તિની જરૂર હતી જે તેમની વિરૂદ્ધ ફાસ્ટ બોલિંગ કરી શકે અને તેમને બેટીંગ પ્રેક્ટિસ કરાવી શકે. નેટમાં નવોસવો જુવાન છોકરો હતો. પાતળું કદ અને કાઠિયાવાડી શબ્દમાં પાંચ સાત પુરો. વેંગેસકરે તેના પર જ પસંદગીનો કળશ ઢોળ્યો. વરરાજા અને વધુ જેમ પીઠીની વિધિની જ રાહ જોતા હોય તેમ પેલો બોલર પણ ઊભો થઈ ગયો. વેંગેસકરને ખ્યાલ નહોતો કે આ મૂછાડ આમંત્રણને અવસરમાં પલટી નાખશે.

પ્રથમ બોલ તેણે ફેંક્યો. તેનો બોલ વાયુ વેગે સનનન કરતો આવ્યો અને નાના કદના દિલીપ વેંગેસકરને ઊંચો કૂદકો મારવો પડ્યો, બોલ તેમના હાથ પર લાગ્યો અને વેંગેસકર સ્તબ્ધ થઈ ગયા. નેટમાં નિરવ શાંતિ વ્યાપી ગઈ. અત્યાર સુધી કોઈ ભારતીય ખેલાડીએ તેની સામે આ રીતે સિંહગર્જના નહોતી કરી. દિલીપ વેંગેસકરે ગુસ્સામાં છોકરાને ઘઘલાવી નાખ્યો અને બાઊન્સર ન નાખવાનું કહ્યું. બોલર વાત માની ગયો. નેટમાં આ ગતિથી દડો આવશે તેની તો બિચારા દિલીપભાઈને ક્યાંથી ખબર હોય.

બોલરે ફરી રનિંગ લીધી. બોલ ફેંક્યો. આ વખતે બાઉન્સર નહોતો. બોલ એટલી ઝડપથી યોર્કર થયો કે દિલીપભાઈના પગનો અંગૂઠો કચડી નાખ્યો. વેગેસકરના મોઢામાંથી રાડ અને સૂસવાટા નીકળી ગયા. આ બોલરનું નામ જવાગલ શ્રીનાથ. જેને હુલામણા નામે ‘‘મૈસૂર એક્સપ્રેસ’’ તરીકે સંબોધવામાં આવે છે.

1987ની સાલમાં એમઆરએફ ફાઊન્ડેશન તૈયાર કરવામાં આવ્યું. જેમાં નવી પ્રતિભાઓને તક મળતી હતી. આ રીતે જ જવગલ શ્રીનાથ ભારતીય ટીમને સાંપડેલ. એમઆરએફનું સ્ટીકર સચિન પોતાના બેટમાં ચોંટાડીને રમે છે. તેવી મોટાભાગના ભારતીયોમાં જડ માનસિકતા થઈ ગઈ હતી. 2005 સુધીનો સમય દુનિયા એમઆરએફને ટાયરની કંપનીની જગ્યાએ સ્ટીકર ચોંટાડનારી બેટની કંપની તરીકે માનતી હતી. જે ધોની ફિલ્મમાં પણ તમને જોવા મળશે.

તો આ ફાઉન્ડેશનથી જે કેટલાંક સારા ક્રિકેટરો ભારતીય ટીમને પ્રાપ્ત થયા, તેમાં ક્રિકેટના ભગવાન સચિન તેડુલકર અને ઓફસાઈડ કિંગ એવા સૌરવ ગાંગુલીનો પણ સમાવેશ થાય છે. જેમને બેટીંગ પર જ ધ્યાન કેન્દ્રિત કરવાનું કહેલું. પણ અત્યાર સુધી આ ફાઉન્ડેશનને બોલર નહોતો મળી રહ્યો. ભારતીય ક્રિકેટમાં ત્યારે ફાસ્ટ બોલરોની ઉણપ વર્તી રહી હતી. એવામાં મૈસૂરથી જવગલ શ્રીનાથ આવ્યા. સાઉથ મૂછશૈલી તેમના ચહેરાને ભરાવદાર બનાવતી હતી. જેટલી બરછટ અને બરડ મૂછો એટલી જ ઘાતક બોલિંગ. નવા સવા ક્રિકેટરની જાંઘમાં દડો મારે તો બે મહિના ‘ખાટલાદોસ્ત’ કરી નાખે તેવી અમૂલ્ય પ્રતિભાના ધની.

શ્રીનાથને વિશે આજે પણ 90ના દાયકાના ક્રિકેટપ્રેમીઓ વિચારે છે કે આ માણસે ક્યારે નિવૃતી લઈ લીધી. મને આજે પણ યાદ નથી કે શ્રીનાથે રિટાયરમેન્ટ ક્યારે લીધી. ત્યારે મીડિયાનો આજ જેટલો પ્રભાવ નહોતો. અને આ એ જ મીડિયા છે જેણે ત્યારે શ્રીનાથને જરા અમથું પણ ફૂટેજ ન હતું આપ્યું. સવારે છાપામાં અને જેમણે છાપા ન વાંચ્યા તેમને ક્યારેય ખબર જ ન પડી કે શ્રીનાથે બીજી વખત નિવૃતિ લઈ લીધી છે.

કપિલ દેવ સહિતના ભારતીય બોલરો ફાસ્ટ મીડિયમ હતા. ભારતમાં વાસ્તવમાં ફાસ્ટબોલર કેવો હોવો જોઈએ તેનો વિદેશી ક્રિકેટરોને પરચો બતાવનારા જવગલ શ્રીનાથ હતા. ભારતીય ક્રિકેટમાં તેમના પ્રવેશથી ચાહકોને લાગવા લાગ્યું કે ભારત પાસે પણ ફાસ્ટ બોલર્સ તો પડ્યા જ છે. જરૂર છે તેમને શોધવાની.

જવગલ શ્રીનાથ એક માત્ર એવા ભારતીય બોલર છે જેમણે ચાર વિશ્વકપ રમ્યા હોય. 1992, 1996, 1999,2003. 2003ના વિશ્વકપમાં તેમની મહત્વની ભૂમિકા રહી હતી. જો ફાઈનલમાં તેઓ કમાલ કરી બતાવેત તો ભારત પાસે આજે ત્રણ વિશ્વકપ હોત, પણ દશેરાના દિવસે જ ઘોડુ ન દોડ્યું. શ્રીનાથની પ્રશંસામાં અયાઝ મેમણ કહે છે, ‘શ્રીનાથ ખરા અર્થમાં ભારતના ફાસ્ટ બોલર ગણી શકાય, તેમને ઈન સ્વીંગ કરતાં જ આવડતું હતું. આઉટ સ્વીંગ તો તેમણે ખૂબ લાંબા સમયે શીખ્યું.’

1999ના વર્ષનો વિશ્વકપ. આ વિશ્વકપની ખાસિયત એ હતી કે સ્પીડ ગનથી બોલરનાં ફાસ્ટ બોલની ગતિને માપવામાં આવતી હતી. શ્રીનાથે હાથની સર્જરી કરાવી હતી. જેથી સ્પીડગનની ટેસ્ટમાં તે સ્પર્ધામાંથી પહેલાંથી જ બહાર ફેંકાઈ ગયો હતો. 1999ની સાલમાં પાકિસ્તાનનાં ઘાતક બોલર્સની આણ મેદાનમાં હજુ પણ પ્રવર્તતી હતી. ભારત પાસે જે હતો તે પણ ઈન્જર્ડ હતો. વિશ્વકપની પૂર્ણાહુતિ થઈ અને ઓસ્ટ્રેલિયા જીતી ગયું તો સ્પીડ ગન ટેસ્ટમાં શ્રીનાથ બીજા નંબર પર આવ્યા. શોલ્ડર ઈન્જરી હોવા છતાં ! પ્રથમ નંબર પર રાવલપિંડી એક્સપ્રેસ શોએબ અખ્તર હતો. શ્રીનાથને શા માટે ભારતનો શ્રેષ્ઠ બોલર કહી શકાય ? કારણ કે ખભાના તાજા ઘાને અવગણી શ્રીનાથે એવી બોલિંગ કરેલી કે સાઉથ આફ્રિકાનાં એલન ડોનાલ્ડ અને ગ્લેન મેકગ્રા જેઓ સંપૂર્ણ રીતે ફિટ હતા તે પણ પાછળ રહી ગયેલા.

આ એ વર્ષ હતું જ્યારે કર્ણાટકનો ક્રિકેટમાં દબદબો હતો. ભારતના અન્ય પ્રાંત કરતાં કર્ણાટકમાંથી સારા કિક્રેટરો આવતા હતા. શ્રીનાથની સાથે જ આવેલા વેંકટેશ પ્રસાદ પણ કર્ણાટક સ્ટેટના જ હતા. વેંકટેશ ફાસ્ટ હતા તેવું ચાહકો અને સ્પોર્ટ્સ વિવેચકોને લાગતું હતું. લાગે છે. તેનું કારણ વેંકટેશ મેદાનમાં સ્લેજીંગ પણ કરી નાખતા હતા અને આંખો ફાડી ફાડી બેટ્સમેનને બોલ ફેંક્યા પછી જોયા કરતાં હતા. આમ કરવાથી દર્શકગણમાં ઉત્સાહનો સંચાર થતો અને બેટ્સમેન પ્રેશરમાં આવી જતો. તેની સામે જવગલ શ્રીનાથ જેન્ટલમેન ક્રિકેટ દર્શાવતા હતા. શ્રીનાથે કોઈ દિવસ સ્લેજિંગને મહત્વ નથી આપ્યું. તેનો બોલ જ બેટ્સમેનોની સ્લેજિંગ કરી નાખતો હતો. પણ તેઓ બેટ્સમેનની રિસ્પેક્ટ કરતાં હતાં. તેમને તો કોઈ દિવસ ક્રિકેટર બનવું જ ન હતું. દિલીપ ટ્રોફીમાં રમતા સમયે પણ તેમનું સ્વપ્ન એન્જીનિયરીંગ કરી અમેરિકામાં વેલ સેટલ થવાનું હતું. પણ તકદીર તેમને બીજી જ દિશામાં દોડાવી રહી હતી. તેમણે એન્જીનિયરીંગ કર્યું પણ મેદાનમાં અને યોર્કર દ્રારા બેટ્સમેનોનાં ઘૂંટણના ફૂરચા બોલાવી દીધા. આવો જ એક અંગૂઠો તેમણે 1996માં અમદાવાદમાં તોડેલો.

ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે અમદાવાદમાં ટેસ્ટ મેચ હતી. આફ્રિકાની ટીમને બે દિવસમાં 170 રન કરવાના હતા. જે સામાન્ય વાત હતી. હજુ કોઈ આઉટ ન હતું થયું. આફ્રિકાને ઈચ્છા હતી કે બેટ્સમેનો વિરલ પ્રદર્શન કરી ભારતને ઘર આંગણે પરાજીત કરે. શ્રીનાથે પ્રથમ બોલિંગ લીધી અને પાંચમા બોલમાં જ ઓપનર હડસનના અંગૂઠા પર દે માર્યો. આખી ટીમ ઉછળી પડી અને અમ્પાયર શ્યામ બંસલે પણ આંગળી ઉછાળી મારી. આફ્રિકાની ટીમ ચિંતામાં ગરકાવ થઈ ગઈ, કારણ કે તેમને આ મેચ સ્પીનરના આગમન પહેલાં સમાપ્ત કરવો હતો ત્યાં ફાસ્ટ બોલર્સ જ મેચમાં અર્જુન પુરસ્કાર જીતી લેવો હોય તેવું પ્રદર્શન કરવા લાગ્યા. પછીના બોલે શ્રીનાથે ડેરિલ કલિનને આઉટ કર્યો. સાઉથ આફ્રિકાનો સ્કોરબોર્ડ (O-1-R-0-W-2). અમદાવાદનાં મોટેરા સ્ટેડિયમને રેકોર્ડનું મક્કા કહેવામાં આવે છે. આફ્રિકાના કુલ 6 બેટ્સમેનો ડકત્વ પામ્યા. જેમાંથી ચારને શ્રીનાથે મુક્તિ અપાવી હતી. 96 રન પર એક સમયે ચાર વિકેટ હતી. 105માં આફ્રિકાની પૂરી ટીમ પત્તાના મહેલની માફક ધરાશાયી થઈ ગઈ. મિત્રો બોલો વાહ શ્રીનાથજી વાહ…. શ્રીનાથ 12 ઓવરમાં 21 રન આપી 6 વિકેટ સાથે મેન ઓફ ધ મેચ અને વિરોધી ટીમના ઓપનરનો અંગૂઠો તોડ્યો એ નોખો. આ ઘટના પછી આફ્રિકાની ટીમ તેને ડિમોલીશન મેન તરીકે સંબોધિત હોવી જોઈએ.

શ્રીનાથમાં પાંચ વિકેટ લેવાનું ભૂત તેમના પ્રથમ મેચથી જ સવાર થઈ ગયેલું. 1989માં સાઉથ પાડોશી હૈદરાબાદની સામે તે રણજી ટ્રોફીમાં ડેબ્યુ કરે છે. મેદાનમાં હૈદરાબાદની ટીમની હૈદરાબાદી બિરયાની બનાવી નાખે છે. હૈદરાબાદ સામેના પહેલાં જ મેચમાં શ્રીનાથે હેટ્રીક લીધેલી. ઈથેશમુદ્દીન અલી ખાન, એમ.વી.રમનમૂર્તિ અને રાજેશ યાદવ આ ત્રણ ખેલાડીઓએ આઉટ થઈ શ્રીનાથની સાથે ઈતિહાસ રચી દીધેલો. પ્રથમ મેચમાં જ શ્રીનાથે 85 રન આપી કુલ 5 વિકેટ લીધી.

હેમાંગ બદાણીએ ઈન્સ્ટાગ્રામ પર શ્રીનાથને યાદ કરતાં એક કિસ્સો કહ્યો હતો. ‘‘કટકમાં અમે રમી રહ્યાં હતા. એ મેચમાં હું રમવાનો ન હતો. શ્રીનાથની ઉંચાઈ 6 ફૂટ 2 ઈંચની હતી. તે પ્રેક્ટિસ કરી રહ્યો હતો ત્યારે સચિને તેનું ટ્રાઉઝર બદલવાની વાત મુકી. સચિનની ઉંચાઈ ખૂબ ઓછી એટલે તેના ટ્રાઉઝરને શ્રીનાથના બેગમાં મુકી દેવામાં આવ્યું. જેથી શ્રીનાથ તે પહેરી બહાર જાય અને હાસ્યાસ્પદ સ્થિતિમાં મુકાઈ જાય. મેં સચિનની વાત માનતા એમ જ કર્યું. શ્રીનાથે પરત આવી જોયા વિના ટ્રાઉઝર પહેરી લીધું અને મેદાનમાં આવી ગયો. બધા હસી રહ્યાં હતા, પણ શ્રીનાથનું ધ્યાન પેન્ટ નીચે નહોતું જઈ રહ્યું. જ્યારે નીચે ગયુ ત્યારે ખ્યાલ આવ્યો કે ટ્રાઉઝર મારું નથી.’’   

2002માં શ્રીનાથે વેસ્ટ ઈન્ડિઝ સામે ઘર આંગણે રમાયેલી સિરીઝમાં નિવૃતિની ઘોષણા કરી દીધેલી, પણ સૌરવ ગાંગુલી તેને પરત લાવ્યો. કારણ હતું 2003નો વિશ્વકપ. જેમાં ભારતને એક અનુભવી ફાસ્ટ બોલરની જરૂર હતી. શ્રીનાથે ગાંગુલીની વાત માની. માત્ર માની નહીં 2003માં ન્યુઝિલેન્ડ સામે ભારત દ્રિપક્ષીય શ્રેણી રમ્યું, જેમાં શ્રીનાથે 18 વિકેટ લીધી. ગાંગુલીના નિર્ણયો આજે પણ ભારતીય ક્રિકેટ ટીમમાં અતિ ઉત્તમકક્ષાના ગણાય છે. તેને ખ્યાલ હતો શ્રીનાથમાં કેટલું ક્રિકેટ બાકી છે. કદાચ તે 2005 સુધી ખેંચી શક્યો હોત. 18 એપ્રિલ 2020ના રોજ આ ખેલાડી વિશે આફ્રિકાના પૂર્વ મીડિયમ ફાસ્ટ બોલર શોન પોલકે કહેલું, ‘શ્રીનાથને જે ક્રેડીટ મળવી જોઈએ, જેનો તે હકદાર છે, તે તેને મળી જ નથી.’

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments