એક હોય છે નોર્મલ લાઈફ અને બીજી હોય છે મેન્ટોસ લાઈફ. આ એડને તોડી મરોડીને કરન્ટમાનમાં રજૂ કરવામાં આવે, તો એક હોય છે લાઈફ અને બીજી હોય છે ફિલ્મી લાઈફ. ફિલ્મી લાઈફના બે પ્રકાર પડે છે. એક હોય છે કરન જોહર જેવી ફિલ્મી લાઈફ અને બીજી હોય છે પેરેસાઈટ જેવી રિયાલિસ્ટિક ફિલ્મી લાઈફ. ભારતીય શબ્દમાં તેને સ્લમડોગ લાઈફ કહેવાય જેમાં મિલેનિયર બનવાના કોઈ ચાન્સ નથી હોતા. આ પ્રકારના લોકોની ઝિંદગી અડધી તો એ વિચારમાં નીકળી જાય છે કે બીજા શું કહેશે ?
1990માં આમિર ખાન અને માધુરી દીક્ષિતની અતિશય પ્રેમલી એવી દિલ ફિલ્મ આવી હતી. આ ફિલ્મમાં એક સીન છે. અનુપમ ખેર પરાણે વેવાઈ બનવા માટે માધુરી દીક્ષિતના પિતાને પટાવવા એક સાથે 20-30 કૂતરાઓની ફોજ લઈ મોર્નિંગ વોક કરે છે. સિનેમાનો એ સીન એ વાતનું યુધિષ્ઠિર જ્ઞાન આપે છે કે પ્રેમ કરવા માટે પણ પરિવારના મોભીનું અમીર હોવું જરૂરી છે. જેને બીજા શબ્દોમાં કહેવાય સમાનતા અને અસમાનતા જેવું. ઈક્વાલિટી અને અન-ઈક્વાલિટી જેવું. ઘરમાં બાથરૂમની લાદીનો ઢાળ એક સરખો જ હોવો જોઈએ નહીંતર પાણી એક ખૂણે ભરાઈ જાય.
1987માં કમલ હસનની સુપર હિટ ફિલ્મ પુષ્પક આવી હતી. 2015માં એ ફિલ્મ પત્રકારત્વ ભવનના નાના એવા થીએટરમાં જોઈ હતી. એટલે કે જોઈ તો થીએટરમાં જ હતી. એ ગાળામાં આ ફિલ્મને, એક યુવક મૂંગી ફિલ્મમાં ચાર્લી ચેપ્લિન બની હસાવવાનો પ્રયત્ન કરી રહ્યો છે તે રીતે મૂલવેલી. છેલ્લા ઘણા સમયથી જડબુ હસી હસીને નથી દુખ્યું એ માટેની ફિલ્મ હોવાનું હોમવર્કના ચોપડામાં લખેલું. ઉંમર અને સમજણનું મીઠું-મરચું યોગ્ય માત્રામાં મગજના તંતુઓ પર પડતા જ્ઞાત થયું કે, શું એક બેરોજગાર યુવકનો માત્ર એટલો ગુનો છે કે તે ગરીબ છે. તેની પાસે કોઈ નોકરી નથી. વર્ગનું વિભાજન થાય છે અને અસમાનતાના બે ધ્રૂવ સર્જાય છે. ચુંબકમાં તમામ ટાંચણીઓ એક ભાગમાં ચોટી જાય અને એક એકલી પડેલી ટાંચણી પોતાના અસ્તિત્વને ટકાવવા બીજા સાથે ખેંચાઈને સેટીંગ પાડતી હોય.
પેરેસાઈટમાં 159 સીન છે. 141 પેજમાં પથરાયેલો સ્ક્રિનપ્લે છે. ચુસ્ત સંકલનની મદદથી ફિલ્મ બે કલાક અગિયાર મિનિટમાં આટોપાય જાય છે. કોઈ પણ પ્રકારના ગીત-સંગીત વિના. ફિલ્મ ફેડ ઈન થાય છે ત્યારે પ્રથમ દ્રશ્યમાં ઘરના લોકો વાઈફાઈનું નેટવર્ક પકડવા દોડભાગ કરે છે. ઘરનો મોભી જોરથી કોક્રોચને કેરમની કૂકરીની જેમ ફટકારે છે. એ જ્યાં રહે છે એ જગ્યા ડાયરેક્ટરે કોક્રોચના રહેવાની જગ્યા હોય એ રીતે દર્શાવી છે. જ્યાં ધૂમાડો કોક્રોચને મારવા છોડવામાં આવ્યો છે કે ગરીબ માણસોને એ ખબર નથી પડતી.
ફિલ્મમાં એબ્સર્ડિટી અને દિવાસ્વપ્નનું કાયમચૂર્ણ ભર્યું છે. અલબત્ત એ એબ્સર્ડિટી દેખાશે નહીં, કારણ કે તે દારૂના નશામાં કોમિક સીન પ્લે કરતી વેળાએ દબાય ગઈ છે. કિમ-જોંગ-ઉનનું નોર્થ કોરિયા સાઉથ કોરિયા સાથે કેવો વ્યવહાર કરે છે તેનું પણ કોમિક ડ્રામેટાઈઝેશન દર્શાવવામાં આવ્યું છે.
સિક્રેટ નામના પુસ્તકમાં એક જાદુઈ પત્થરની વાત આવે છે. જેને તમારી પાસે રાખો અને રોજ તેની પાસેથી ગમતી વસ્તુની ઈચ્છા માગો તો થોડા સમયમાં માગ પરિપૂર્ણ થાય. પેરેસાઈટમાં જે પત્થર બતાવ્યો છે તે અમીરીનું પ્રતીક છે. આશાનું પ્રતીક છે. ગરીબીનું જવું અને અમીરીનું આવવું. ‘ઘડિયાળમાં જોઈ ઘરની બહાર નીકળું તો જ મારો આજનો દિવસ સારો જાય.’ સબકોન્સિયસ માઈન્ડને મનાવવાના યત્નો.
પેરેસાઈટનો ગુજરાતીમાં અર્થ થાય બીજા પર જીવવાનો આધાર રાખનારો. એક શબ્દમાં પરોપજીવી. વિજ્ઞાનની દુનિયામાં ગ્રહ બનવામાં નિષ્ફળ ગયેલા અને અવકાશમાં કોઈ નામ સરનામા વિના ફરતા રહેતા ટુકડાઓને શુદ્રગ્રહ કહેવાય. જે એક સમયે તો ગ્રહ બનવાના હતા પણ બાદમાં શું થયું કે તેમના કટકા થઈ ગયા. હવે તે શુદ્રગ્રહ છે. અહીં એક ફેમિલી ગ્રહ છે અને બીજી ફેમિલી શુદ્રગ્રહ છે. પેરેસાઈટમાં આવું તો ઘણું બધું છે. તમે પોતે જોશો તો ખ્યાલ આવશે. છતાં પેરેસાઈટ ડાયરેક્ટર બોગ જૂન હુની જ ક્લાસિક ક્રાઈમ ડ્રામા ફિલ્મ મેમરીસ ઓફ મર્ડરની જગ્યા નથી લઈ શકી. એક નોન-હોલિવુડ ફિલ્મ ઓસ્કર મેળવી લે તેનો અર્થ એ નથી કે તે મારી પ્રિય ફિલ્મ મેમરીસ ઓફ મર્ડરનું સ્થાન છીનવી શકે.
હવે વાત પેરેસાઈટમાં ધબકતા નાના એવા બોલિવુડની. હિન્દી સિનેમા નાના નાના ટુકડાઓમાં પેરેસાઈટ જેવો પ્રયોગ ઘણા સમય પહેલા કરી ચુક્યું છે. કોઈના ઘરે ઓળખ બદલીને રહેવાનો. કેમ ? શા માટે ? જ્યારે આવી કોઈ ફિલ્મ આપણા હિન્દી સિનેમામાં બને ત્યારે FADE IN થી FADE OUT સુધીની કથા હાસ્યમાં જ પરિણમે. કોઈ ગરીબ હિરો પોતે દિલનો કેટલો અમીર છે એ સાબિત કરવા અમીર ખાનદાનના પરિવારમાં ગયો છે. જ્યાં રહેતી સોનિયાને તે પ્રેમ કરે છે. એ તેના પરિવારનું દિલ જીતે છે. પોતાની આઈડેન્ટિટી છુપાવતો ફરે છે. કોઈવાર પકડાય જાય તેવા સંજોગો પણ ઉભા થાય છે. બચતો બચતો અને યમના દ્રાર સુધી પહોંચી ગયેલો હિરો આખરે ફિલ્મને ખેંચી ખેંચી ગમે તે ભોગે ક્લાઈમેક્સ સુધી લઈ આવે છે. થોડો ઈમોશનલ ડ્રામા જોવા મળે છે અને પછી પરિવારના લોકો માની જાય છે.
ચાચી 420માં કમલ હસન બિચારો પોતાની દીકરી માટે એક ઘરમાં મહિલા બને છે. એક મર્દને ખબર પડે છે કે મહિલા બનવું સહેલું નથી. કોઈ તેના પ્રેમમાં પડે છે, કોઈ તેની સાથે લગ્ન કરવાની હઠ પકડે છે, તો કોઈ તેનો ભાંડો ફોડવાના પ્રયત્નોમાં લાગ્યું છે. હિન્દીમાં આ ફિલ્મ 1997માં આવી. તેના એક વર્ષ પહેલા તમિલમાં અવ્વઈ સનમુઘી નામે બની હતી. જેના મૂળિયા પણ હોલિવુડમાં નીકળે છે. Madame Doubtfire નામની 1987માં એક નવલકથા આવી હતી. જેના પરથી બાદમાં એ જ નામે ફિલ્મ બની. ચાચી 420 તેના પરથી જ પ્રેરિત હતી. પણ તેમાં આપણી પોતાની વસ્તુ ન નાખીએ તો કાગડો પણ ફરકે નહીં. ચાચી 420ની ચાચીનું પાત્ર પણ કિમ પરિવાર જેવું જ છે.
પેરેસાઈટમાં એક અદ્યાપકની વાત આવે છે. જે છોકરીને ભણતરની સાથે પ્રેમના પાઠ પણ ભણાવી દે છે. 1975માં ધર્મેન્દ્ર, શર્મિલા ટાગોર, અમિતાભ બચ્ચન અને જયા બચ્ચનની ઋષિકેશ મુખર્જી દિગ્દર્શિત ફિલ્મ ચૂપકે ચૂપકે જોઈ હશે તો તફાવત પકડી પાડશો. ફિલ્મનું એક કેરેક્ટર કિમ-કિ-વુ એ જ છે, જે પ્રોફેસર સુકુમાર સિન્હા ડો.પરિમલ ત્રિપાઠીની નકલી ઓળખ સાથે નિભાવી રહ્યા છે. પેરેસાઈટમાં નથી પણ ચૂપકે ચૂપકેમાં ઘણું કન્ફ્યુઝન સર્જવામાં આવે છે. હુસાતુસી અને હડબડીનું વાતાવરણ ઉભું કરવામાં આવે છે. જેથી લોકો હસે. મઝા આવે. હવે શું થશે એવો પ્રશ્ન સર્જાય. કિમ પરિવાર આઈડેન્ટીટી ચોરવામાં પણ ઉસ્તાદ છે. તેને પોતાનું આ અસ્તિત્વ (Existence) નથી ગુમાવવું. જેમ બાઝીગરમાં શાહરૂખ ખાન વિકી મલ્હોત્રા બની મદન ચોપરાનું સર્વસ્વ લૂંટી લે છે અને મઝા કરે છે, પણ તેના રસ્તામાં જેટલા લોકો આડખીલી રૂપ બને તેને તે હટાવતો જાય છે. જેથી પોતાના પ્લાનને અંતિમ ચરણ સુધી પહોંચાડી શકાય. પેરેસાઈટમાં અખૂટ સાધન સંપતિની મઝા માણવા અને કાયમી ધોરણે નોકરી કરવાના હેતુથી કિમ પરિવાર એક બીજા પરિવારને પણ પોતાના રસ્તેથી હટાવવામાં લાગ્યું છે.
આઈડેન્ટીટી ચેન્જમાં તો મુન્નાભાઈને કોઈ ન પહોંચે. એ પોતાના બાપની શરમજનક સ્થિતિ કરનારા ડો. અસ્થાના વિરૂદ્ધ બદલો લેવા ડોક્ટર બને છે. અને પછી જે પણ સમસ્યા આવે તેનો સર્કિટની મદદથી ફ્યૂઝ ઉડાડતો જાય છે. બધાની નજરમાં મુન્ના ગુંડો છે, પણ ખૂદને ભલે નકલથી પણ ડોક્ટર માને છે. ખોટી રીતે વૈદ્ય બનનાર માટે આઈડેન્ટીટીની સમસ્યા ત્યારે નિર્માણ પામે છે જ્યારે તે બાળપણની મિત્ર ચિંકીને નથી ઓળખી શકતો.
કોઈ ચોક્કસ પ્રકારના હેતુ માટે પણ પાત્ર પોતાની આઈડેન્ટીટી બદલવા તૈયાર છે. રબને બના દી જોડીનો સુરિન્દર સિંહ રાજ બની જાય છે. કુલી નંબર વનના રાજુની સમસ્યા આપણે જોઈ ચૂક્યા છીએ. હિરો નંબર વનના રાજેશ મલ્હોત્રાનું રાજુ બનવું. રોહિત શેટ્ટીની ગોલમાલમાં ગોપાલ સમીરનો અવાજ બને છે અને લક્ષ્મણ સમીરનું શરીર. ડબલ આઈડેન્ટીટી. મેં પ્રેમ કી દિવાની હું જેવું ફિલ્મ જોયું ? 2003માં આવ્યું હતું. પંકજ કપૂરની ટેલેન્ટનો દિગ્દર્શકો આ જગ્યાએ ઉપયોગ કરતા હતા !!! અહીં માતાશ્રીને એવા જમાઈની જરૂર છે જે એમેઝોનના સ્થાપક જૈફ બેઝોસ જેવો હોય. ભલે ટકલો હોય. ઋત્વિક રોશનની આઈડેન્ટીટી છતી થતાની સાથે તો પરિવાર તેની સામે એ રીતે જોવા લાગે છે જ્યારે તેણે લાયકાત ન હોવા છતાં અનામતનો લાભ ઉઠાવ્યો હોય.
આઈડેન્ટીટી પરની સૌથી મોટી ફિલ્મ ભારતમાં બની છે. સુપરસ્ટાર રજનીકાંતની થીલુ મુલુ. IMDBએ આ ફિલ્મને 8.6 રેટીંગ આપ્યા છે. પણ એ બની ક્યાંથી ? એ અમોલ પાલેકરની 1979માં બનેલી ગોલમાલની રિમેક હતી. રામપ્રસાદ શર્મા અને લક્ષ્મણ પ્રસાદ શર્મા. એકને મૂંછ છે એક ને નથી. એક સંસ્કારી છે બીજો અસંસ્કારી છે. એક સંગીત ભણાવવા માટે જાય છે, તો માલિક ભવાની શંકરની દીકરીને દિલ દઈ બેસે છે. પણ આ બધું શા માટે ? આ બધુ એટલા માટે કે એક બેરોજગાર અને મધ્યમવર્ગીય વ્યક્તિ પોતાનું જીવન સુખેથી વિતાવી શકે. નાયક એ તમામ વસ્તુ કરે છે જે માલિકને અતિપ્રિય છે, પણ ઓળખ છતી નથી થવા દેતો. ઓહો, આ તો પેરેસાઈટમાં લોહી બની આટાફેરા મારતું ગોલમાલ.