Team Chabuk-Gujarat Desk: સરકારી તંત્ર એટલે સાવ નબળું કામ આ છાપ તમારા મગજમાંથી કાઢી નાખજો. કારણ કે વર્તમાન સમયે સરકારના તમામ તંત્રો ખાનગી ક્ષેત્ર કરતા પણ સારું કાર્ય કરી રહ્યા છે. તેનું તાજું ઉદાહરણ જામનગરમાં જોવા મળ્યું છે. જે ઓપરેશન માટે અમદાવાદ, મુંબઇ કે દિલ્હીમાં જવું પડે તે જામનગરમાં થઈ રહ્યું છે. તે પણ સાવ નિઃશુલ્ક. જામનગરની સિવિલ હોસ્પીટલમાં કાન, નાક અને ગળાના વિભાગમાં પ્રથમ વખત કોક્લિયર ઈમ્પ્લાન્ટ ઓપરેશનની શરૂઆત કરવામાં આવી છે. તાજેતરમાં ૩ બાળકોના કોક્લીયર ઇમ્પ્લાન્ટના સફળ ઓપરેશન કરવામાં આવ્યા છે.
આમ જુઓ તો 6થી 10 લાખનો ખર્ચ થાય છે
ગુજરાત સરકાર દ્વારા શાળા આરોગ્ય તપાસણી કાર્યક્રમ હેઠળ આશરે ૬ થી ૧૦ લાખના ખર્ચે થતા કોક્લીયર ઇમ્પ્લાન્ટના ઓપરેશન નિ:શુલ્ક કરી આપવામાં આવે છે, પરંતુ અત્યાર સુધી કોક્લીયર ઓપરેશન માટે દર્દીઓને અમદાવાદ જવું પડતું હતું, તથા ઓપરેશન પછીની સ્પીચ થેરાપી માટે પણ તકલીફ પડતી હતી, પરંતુ હવેથી અહીં જી. જી. હોસ્પિટલ જામનગર ખાતે આ ઓપરેશન કરી દર્દીઓને ઘરઆંગણે સારવાર આપવામાં આવશે.
કોક્લિયર ઈમ્પ્લાન્ટ કોના માટે ઉપયોગી છે?
જન્મથી બાળક તદ્દન સાંભળતું ન હોય અથવા તો જન્મ પછી કોઈ કારણસર જેવા કે કમળો થવો, ખેંચ આવવી, મગજનો ચેપ થવો, મગજને ઈજા થવી, આવા કોઈ કારણથી બાળક સાંભળવાની શક્તિ તદ્દન ગુમાવે છે, તો તેવા તદ્દન બહેરા બાળકો માટે કોક્લિયર ઈમ્પ્લાન્ટ વરદાનરૂપ છે. જો બાળક નાની ઉમરમાં જ સાંભળવાની શક્તિ ગુમાવે છે, તો તેનો બોલવાનો વિકાસ થઈ શકતો નથી. આથી બાળક બહેરું અને મૂંગું થાય છે. આવા તદ્દન બહેરા અને મૂંગા 6 વર્ષ સુધીના બાળકો માટે આ ઓપરેશન ઉપયોગી છે.
કોક્લિયર ઈમ્પ્લાન્ટ શું છે? અને કઈ રીતે કામ કરે છે?
કોક્લિયર ઈમ્પ્લાન્ટમાં ઈ.એન.ટી. સર્જન દ્વારા જટિલ ઓપરેશન કરી મશીન કાનના પાછળના ભાગમાં તથા અંદરના કોક્લિયર નામના કાનના સંવેદન અંગમાં મુકવામાં આવે છે. આ મશીન ડાયરેક્ટ ઓડિયરી નર્વ એટલે કે સાંભળવાની નસને ધ્વની તરંગો પહોચાડે છે. જેનાથી બાળક સાંભળી શકે છે. ઓપરેશન પછી બાળકને ૧ થી ૧.૫ વર્ષ સુધી સ્પીચ થેરાપી કરાવવી જરૂરી બને છે. આ જટિલ ઓપરેશન કરવાનો સંપૂર્ણ ખર્ચ અંદાજીત ૬ થી ૧૦ લાખ સુધીનો હોય છે. ઓપરેશન તથા ઓપરેશન પછીની સ્પીચ થેરાપીનો સંપૂર્ણ ખર્ચ શાળા આરોગ્ય કાર્યક્રમ (School Health Programme) અંતર્ગત ગુજરાત સરકાર દ્વારા ઉપાડવામાં આવે છે.
જામનગર સિવિલના ડોકટરો
ડીન ડો. નંદીની દેસાઈ તથા સુપ્રીટેન્ડન્ટ ડો. દીપક તિવારીના માર્ગદર્શન હેઠળ તથા ડો. ભદ્રેશ વ્યાસ, વડા પીડીયાટ્રીક્સ ડીપાર્ટમેન્ટ તથા ડો. વંદના ત્રિવેદી, વડા એનેસ્થેસિયા ડીપાર્ટમેન્ટના સહકારથી ત્રણ બાળકો જીનલ આણદાણી, વેદ રાબડીયા અને ધૃવલ બાવરવાના સફળતાપૂર્વક કોક્લિયર ઈમ્પ્લાન્ટ ઓપરેશન કરવામાં આવ્યા હતા. જેમાં ડો. નીરજ સૂરી (નોડલ સ્ટેટ ઓફિસર કોક્લિયર ઈમ્પ્લાન્ટ)ના માર્ગદર્શન હેઠળ સફળતાપૂર્વક ત્રણ ઓપરેશન કરવામાં આવ્યા હતા.
હવે કોઈ અવરોધ નહીં
કોક્લીયર ઇમ્પ્લાન્ટ થકી તબીબોએ બાળકોને નવા જીવનની રાહ દેખાડી છે. કોક્લીયર ઇમ્પ્લાન્ટ થકી બાળકોને પોતાના વિકાસમાં હવે કોઇ અવરોધનો સામનો કરવો પડશે નહી. જી.જી. હોસ્પિટલ ખાતે વધુ બાળકોને આ સારવારનો લાભ મળી શકે તે માટે ડો. નીરજ સૂરીના માર્ગદર્શન હેઠળ ઈ.એન.ટી. વિભાગના વડા ડો. નિરલ મોદીને ઓપરેશનની તાલીમ આપવામાં આવી હતી. આ સમગ્ર ઓપરેશનની તૈયારી તથા તેને સફળતાપૂર્વક પાર પાડવા માટે ઈ.એન.ટી. વિભાગના ડો. દિલાવર બારોટ, ડો. હિતેન મણીયાર, ડો. પૂર્ણિમા, ડો. સંજય ટોટા તથા વિભાગના રેસીડન્ટ ડોકટરો તથા ઓ.ટી. તથા વોર્ડના નર્સિંગ સ્ટાફ અને અન્ય કર્મચારીઓનો સંપૂર્ણ સહકાર આપવામાં આવેલ છે. આ ઓપરેશન અને ઓપરેશન પછીનો સ્પીચ થેરાપીનો કોઈ ખર્ચ કર્યા વગર, હવેથી જી. જી. સરકારી હોસ્પિટલમાં પણ દર્દીઓને વિના મુલ્યે આ સારવારનો લાભ મળશે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
