અશોક સરિયા: એક સમયે ઝુંપડીઓ ધરાવતું આ ગામ હવે સ્માર્ટ વિલેજ બની ગયું છે. નીલગીરીના પર્વતોમાં વેસેલું ઓડનથુરઇ ગામ તમિલનાડુના કોઇમ્બતુરથી લગભગ 40 કિલોમીટર દૂર આવેલું છે. અહીં શહેર જેવી સુવિધાઓ છે. ગામના લોકો પણ અહીં ખુશ અને સંતુષ્ટ દેખાય છે. જોકે થોડા વર્ષો પહેલા આવું ન હતું, ગામની છબી એકદમ અલગ હતી. અહીં મૂળભૂત જરૂરિયાતો પણ ઉપલબ્ધ નહોતી. પીવાનું સ્વચ્છ પાણી ન હતું, વીજળી નહોતી. આખા ગામમાં કાચા ઘર હતા. પીવાનું પાણી લેવા માટે 3 કિમિ દૂર જવું પડતું હતું. અહીંના બાળકોને તો એ પણ ખબર નહોતી કે વીજળી કોને કહે છે. રાશન લેવા માટે પણ 3-4 કિલોમીટર દૂર જવું પડતું. એમાં આખો દિવસ નીકળી જતો હતો. આ બધી હાડમારીઓને લીધે લોકો ગામ છોડીને શહેર જવા લાગ્યા હતા.

પણ હવે ગામની સ્થિતિ સુધરી ગઈ છે. હવે અહીં દરેકના પાકા મકાન છે અને કેટલાક ઘરો પર સોલાર પેનલ લાગેલી છે. સોલાર પેનલ ઘરોને વીજળી પુરી પાડે છે. ગામમાં મોટાભાગના ઘર એક જેવા છે જેનાથી ગામ આકર્ષક લાગે છે. પાણી માટે ગામમાં બોરવેલ લગાવવામાં આવ્યા છે. તેની મદદથી પાણીની એક મોટી ટાંકી ભરી દેવામાં આવે છે, જેથી ગામના દરેક ઘર સુધી 24 કલાક પાણી પહોંચાડી શકાય.

આ બધાં પરિવર્તન પાછળ છે ગામના પૂર્વ સરપંચ આર. ષણમુગમ. 1986થી 1991 સુધી તેમના પિતા ગામના સરપંચ હતા. તે સમયે ગામમાં એકપણ પાકું મકાન ન હતું. ગામના લોકો તેમની પાસે આવ્યા અને પંચાયત પાસે પાકા ઘરોની માંગણી કરી. પંચાયતે પ્રસ્તાવ પાસ કરીને તેમના માટે ઘર બનાવવાનો નિર્ણય લીધો.

આર. ષણમુગમ 1996 માં સરપંચ બન્યાં. ત્યારે ગામના અન્ય લોકોએ પણ પાકા ઘરની માંગણી કરી. તેમણે પંચાયતનાં ફંડમાંથી સગવડ કરી અને બીજા લોકો માટે પણ ઘર બનાવવાનો પ્રસ્તાવ પાસ કર્યો. ગામની દરેક ઝુંપડીઓ હટાવવામાં આવી અને તેની જગ્યાએ મૂળભૂત જરૂરિયાતો સાથે પાકા મકાન બનાવવામાં આવ્યા. આથી ગામમાંથી બહાર ગયેલા લોકો પાછા આવવા લાગ્યા અને 20 વર્ષમાં આ ગામની વસ્તી 1600 થી 10,000 થઈ ગઈ છે. આ લક્ષ્ય તેમણે ભ્રષ્ટાચાર મુક્ત કામની નીતિથી પ્રાપ્ત કર્યું. ગામના લોકો પોતાના ગામની દેખરેખ સારી રીતે કરે છે અને ખુશ છે.

થોડા વર્ષો પહેલા આ વિસ્તાર કેળાનો બગીચો હતો. પણ હવે આ વિસ્તારમાં દરેક સુખ સુવિધા છે. અહીં એક સ્કૂલ પણ છે. જોકે આ ગ્રામ્ય વિસ્તાર છે, પણ અહીં શહેર જેવો વિકાસ થયો છે. ગામમાં બાળકો માટે એક પ્રાથમિક શાળા છે. મોટા બાળકો વધુ અભ્યાસ માટે નજીકની માધ્યમિક શાળામાં જાય છે. પ્રાથમિક શાળામાં બાળકોને રમત-ગમત દ્વારા રમતા-રમાડતા ભણાવવામાં આવે છે. અહીં 2 ટીચર છે જે વિશેષ જરૂરિયાતવાળા બાળકોને પણ ભણાવી શકે છે. ગામના મોટાભાગના લોકો ખેતરમાં કામ કરે છે. આ ગામની ચારેય તરફ પ્રાકૃતિક વાતાવરણ છે. આ ગામમાં હિંદુ, મુસ્લિમ અને ખ્રિસ્તી ધર્મના લોકો રહે છે. જે તમામ અહીં શાંતિ અને ખુશાલીથી રહે છે. તેઓ પોતાના વિસ્તારની સાફ સફાઈ જાતે પણ કરી લે છે. ગામમાં સફાઈ કર્મચારી પણ નિયમિત રીતે આવે છે. પણ ગામવાળા પોતે પણ પોતાના ગામને સ્વચ્છ રાખવાનો પ્રયત્ન કરે છે.

આર. ષણમુગમ 1996માં જ્યારે ગામના સરપંચ બન્યાં, ત્યારે કેંદ્ર સરકારની એક યોજનાથી પીવાના પાણીની વ્યવસ્થા કરી. આ યોજનામાં પંચાયતે યોજનાના 10 ટકા પૈસા આપવાના હતા અને બાકી ખર્ચ કેંદ્ર સરકાર કરવાની હતી. તેમણે એક મિટિંગ બોલાવી અને 48 લાખ રૂપિયાની એક યોજના બનાવી. ગામમાંથી 4.8 લાખ રૂપિયા ભેગા કરીને કેંદ્ર સરકારને સોંપી દીધા. ત્યારબાદ આ ગામને આ પાયલટ પ્રોજેક્ટ માટે પસંદ કરવામાં આવ્યું અને ગામમાં પાણીની સુવિધા થઈ ગઈ.

વીજળી માટે રીન્યુઅલ એનર્જીના વિકલ્પ શોધ્યા. જેમાંથી તેમને પવનચક્કીનો વિકલ્પ સૌથી સારો લાગ્યો. તેની કિંમત લગભગ 1.55 કરોડ રૂપિયા હતી. તેમણે પંચાયતના ટેક્સ અને અન્ય રીતે ભેગા થયેલા 40 લાખ રૂપિયા જમા કરાવ્યા અને બાકીના પૈસાની બેંક લોન લીધી. 2006 માં તેમણે પવનચક્કી લગાવી. તેનાથી 7 લાખ યુનિટ વીજળી પેદા થાય છે. હવે તેઓ દર વર્ષે 20 લાખ રૂપિયાની વીજળી તમિલનાડુ સરકારને વેચે છે.

ષણમુગમના પ્રયત્નોથી એક સમયે વીજળી વગર રહેતું આ ગામ હવે સરકારને વીજળી વેચી રહ્યું છે. તે સમયના ભારતના રાષ્ટ્રપતિ ડો. એ.પી.જે. અબ્દુલ કલામ અને તમિલનાડુના પૂર્વ મુખ્યમંત્રીઓએ ષણમુગમને પુરસ્કાર આપ્યા. તેમણે ભારત અને વિદેશોના ઘણાં વિશ્વવિદ્યાલયોમાં પોતાના મોડેલ પર ભાષણ આપ્યું છે.

વિશ્વ બેંકના અધ્યક્ષ સહીત 43 દેશોના લોકો ઓડનથુરઇ આવીને અહીંના વિકાસને જોઈ ચુક્યા છે. ષણમુગમ હવે ગામના સરપંચ નથી, છતાં પણ તે પોતાના કામને ખુબ ગર્વથી દેખાડે છે. તેમની ઇચ્છાશક્તિને કારણે ઝુંપડીઓવાળું આ ગામ હવે વિકાસના માર્ગ પર ચાલી રહ્યું છે. તે વીજળી પણ બનાવી રહ્યું છે અને પોતાનું ભવિષ્ય પણ. ષણમુગમ કહે છે મજબૂત ઈચ્છાશક્તિ અને ભ્રષ્ટાચાર મુક્ત પ્રશાસન દ્વારા કોઈ પણ લક્ષ્ય પ્રાપ્ત કરી શકાય છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
