Homeદે ઘુમા કેતમને કોઈએ નહીં કહ્યું હોય કે ક્રિકેટરો પ્રેક્ટિસમાં ફૂટબોલ શા માટે રમે,...

તમને કોઈએ નહીં કહ્યું હોય કે ક્રિકેટરો પ્રેક્ટિસમાં ફૂટબોલ શા માટે રમે, આજે વાંચીને જાણી લો

ક્રિકેટરો પ્રેક્ટીસ દરમિયાન મેદાન પર ક્રિકેટ‌ ઉપરાંત ફૂટબોલ રમતા જોવા મળે છે. ઘણા લોકોને સવાલ થાય કે આવું કેમ ? કેટલાક લોકો એવું કહે છે કે ફિટનેસ માટે ખેલાડીઓ ફૂટબોલ રમે એમા નવું શુ છે. જો કે, ખેલાડીઓના ફૂટબોલ રમવા પાછળ માત્ર ફિટનેસ જ નહીં બીજા કેટલાય કારણો રહસ્ય બની છૂપાયેલા છે.

ફૂટબોલથી ખેલાડીઓની ફિટનેસતો વધે છે સાથે જ ખેલાડીઓ વચ્ચેની મિત્રતા પણ વધુ ગાઢ બને છે. જ્યારે ટીમ નિરાશ હોય છે તેમજ મુશ્કેલીઓનો સામનો કરી રહી‌ હોય છે ત્યારે નોર્મલ વોર્મઅપથી ખેલાડીઓ એનર્જી એકઠી નથી કરી શકતા. આવા સમયે ખેલાડીઓ ફૂટબોલ રમે છે. ખેલાડીઓનું માનવુ છે કે, ફૂટબોલ રમવાથી તેમનામાં ભરપૂર ઊર્જા ઉત્પન્ન થાય છે સાથે જ ખેલાડીઓ વચ્ચે સંકલન પણ વધે છે. એક બીજા ખેલાડીના સંપર્કમાં આવવાથી નાના નાના  વિવાદ પણ દૂર થાય છે.

આ ઉપરાંત ફૂટબોલથી ખેલાડીઓની ત્વરિત નિર્ણય શક્તિ પણ વધારે મજબૂત બને છે. ફૂટબોલમાં જેમ બોલ પાસિંગનો નિર્ણય મહત્વનો છે તેમ ક્રિકેટમાં શોટ સિલેક્શનનું એટલું જ મહત્વ રહેલું છે. એક ખોટો શોટ ટીમને મુશ્કેલીમાં લાવી મુકે છે. જે તમે ક્રિકેટના ચાહક હો તો અમારે ક્યાં કહેવાની જરૂર છે. એટલે જ ભારતીય ટીમના ખેલાડીઓને પણ ફૂટબોલ રમવું ગમે છે. ભારતીય ટીમનો કેપ્ટન વિરાટ કોહલી તો ફૂટબોલને એટલું પસંદ કરે છે કે જ્યારે તે મેદાન પર પ્રેક્ટીસ કરવા જાય છે ત્યારે ફૂટબોલના જૂતા પોતાની સાથે લઈ જાય છે. તો કેપ્ટન કૂલ મહેન્દ્રસિંહ ધોનીને પણ ફૂટબોલ રમવું એટલું જ પસંદ છે. પૂર્વ ભારતીય કેપ્ટન સૌરવ ગાંગુલીને પણ કોઈ દિવસ ક્રિકેટર બનવું જ ન હતું. આ તો સંજોગો તેને ક્રિકેટના મેદાનમાં લાવ્યા બાકી બંગાળનો હોવાના કારણે તેનો પ્રથમ શોખ ફૂટબોલનો રહ્યો છે.

બહુ ઓછા લોકો જાણતા હશે કે વિરાટ કોહલી અને મહેન્દ્રસિંહ ધોની માત્ર ફૂટબોલ રમે છે એવું જ નહીં પરંતુ તેમણે ફૂટબોલની ટીમ પણ ખરીદેલી છે. બંન્ને ખેલાડીઓએ ઈન્ડિયન સુપર લીગમાં ફૂટબોલની ટીમ ખરીદી હતી. શેન વોટ્સન તો કોહલીને રોનાલ્ડો સાથે સરખાવે છે. ક્રિકેટના વિદેશી ખેલાડીઓ પણ રમત સુધારવા માટે ફૂટબોલ રમે છે.

 એવું નથી માત્ર ફૂટબોલ જ એક વિકલ્પ છે. રમત પર ફોકસ કરવા માટે ક્રિકેટર પોતાને ગમતી અન્ય‌ રમતોમાં પણ હાથ અજમાવી લે છે. ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન રિકી પોન્ટિંગને બેઝબોલ રમવાનો પણ શોખ હતો તો તે ક્યારેક બેઝબોલ પણ રમી લેતો. પણ મૂળ તો ખેલાડીઓને ક્રિકેટમાં સારું પ્રદર્શન કરવાનું હોવાથી સૌથી વધુ ધ્યાન તેને ક્રિકેટ પર જ કેન્દ્રિત કરવું પડે છે.

સચિન તેંડુલકર એક જ શોટની‌ એક હજાર વખત પ્રેક્ટીસ કરતો. જેનો ફાયદો તેને ગ્રાઉન્ડમાં મળતો. આકરી મહેનત અને સતત અભ્યાસથી તેણે ઈતિહાસ રચી દીધો. આંકડા આપણી‌‌ સામે છે. પ્રેક્ટીસની અસર સીધી જ ખેલાડીના મન પર પડે છે. ક્રિકેટમાં આપણે વારંવાર સાંભળતા હોઈએ કે, કોમેન્ટેટર ખેલાડીના ફોર્મની વાત કરતાં હોય‌ છે. કોમેન્ટેટર કહેતા હોય છે કે, આ ખેલાડી હમણાં કંઈ ખાસ નથી કરી શક્યો. ફેન્સ તેના ફોર્મમાં આવવાની રાહ જોઈ રહ્યા છે. આવા સમયે મોટાભાગના ખેલાડીઓનો પોતાના જ મન પર કાબૂ નથી હોતો. મેદાન પર તેના મગજ પર વિચારોનું ઘોડાપૂર દોડતું હોય છે. વિચારોમાંને વિચારોમાં ખોટો શોટ રમીને વિકેટ ગુમાવી દે છે.ત્યારે વિચારોમાંથી બહાર આવવા માટે  કામ આવે છે પ્રેક્ટિસ. પ્રેક્ટિસથી મન શાંત રહે છે, રમત સુધરે છે અને ફિટનેસ પણ જળવાઈ રહે છે. માત્ર ક્રિકેટ જ નહીં અન્ય રમતોમાં પણ આ જ વાત લાગુ પડે છે.

પ્રેક્ટીસનું મહત્વ બ્રૂસલીએ ખૂબ સારી રીતે સમજાવ્યું છે. બ્રૂસલીએ કહ્યું છે કે, ‘મને એ વ્યક્તિથી ડર નથી લાગતો જેણે 10 હજાર કીકની એકવાર પ્રેક્ટીસ કરી હોય પરંતું મને એ વ્યક્તિથી વધારે ડર લાગે છે જેણે એક કીકની પ્રેક્ટીસ 10 હજાર વાર કરી હોય.’

મહાભારતમાં પણ શ્રી કૃષ્ણએ અર્જુનને અભ્યાસનું મહત્વ સમજાવ્યું છે.

એકવાર ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે, ‘હે અર્જુન! તું તારું મન મને આપી‌ દે.’

ત્યારે અર્જુન આશ્ચર્યચકિત થઈ જવાબમાં શ્રી કૃષ્ણને કહે છે,‘હે માધવ! પવનને વશ કરવો શક્ય છે, પણ હું મનને કેવી રીતે વશ કરી શકું?’ અર્જુનના સવાલનો જવાબ આપતા ફરી‌ શ્રી કૃષ્ણ કહે છે, હે અર્જુન ! દુનિયામાં કોઈ વાત અશ્ક્ય નથી. યોગ અને અભ્યાસથી બધું શક્ય છે. યોગ‌ અને અભ્યાસથી મનને પણ વશમાં કરી શકાય છે. એટલે કે, કોઈ પણ કામ સારી રીતે કરવા માટે તમારો તમારા મન પર કાબુ હોવો જરૂરી છે. ખેલાડી માટે તમામ પ્રેક્ટિસ સારી પણ ફૂટબોલ અને બાસ્કેટબોલની તોલે કોઈ ન આવે, કારણ કે તેમાં સતત ભાગદોડ રહે છે અને ટીમના સાથી પર વિશ્વાસ મુકવો પડે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments