Team Chabuk-Gujarat Desk: રાજકોટમાં એક તરફી પ્રેમીના ત્રાસથી કંટાળીને ધોરણ નવમાં અભ્યાસ કરતી સગીરાએ પોતાના હાથમાં છરીથી ચાકા મારી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. તરુણીની માતાએ આ અંગે પજવણી કરતા ધવલની વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં લખવામાં આવ્યું છે કે આરોપી ધવલ વારંવાર તરુણીને તું મારી વાઈફ છો કહી હેરાન પરેશાન કરતો હતો. જેથી સગીરાએ આત્મહત્યાનું પગલું ભર્યું હતું.
ઘટનાની પ્રાપ્ત વિગતો કંઈક એવી છે કે ધોરણ નવમાં અભ્યાસ કરતી તરુણીને નાના મવા રોડ નહેરુનગરની શેરી નંબર પાંચમાં રહેતો ધવલ મુકેશભાઈ રાજપોપટ વારંવાર તું મારી વાઈફ છો કહી પજવણી કરતો હતો. ફરિયાદી માતાના જણાવ્યા અનુસાર, સગીરાએ 17-2-2022ના રોજ પોતાના હાથ પર છરીથી ચાકા મારી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. માતા તે જોઈ ગઈ હતી અને સગીરા રડવા લાગી હતી. રડતાં રડતાં તેણીએ ધવલ ત્રાસ આપતો હોવાની વ્યથા પોતાની માતા આગળ ઠલવી હતી.
લોકડાઉનના સમયે ઓનલાઈન એજ્યુકેશન શરૂ થયું હતું. જેમાં પુત્રી અભ્યાસ કરતી હતી. ઈન્સ્ટાગ્રામ પર તેણીનો ધવલ સાથ પરિચય થયો હતો. બંને સામાન્ય વાતચીત કરતા હોવાની માતાને ખબર પડતા તેમણે સીમકાર્ડ બદલી નાખ્યું હતું. તોપણ ધવલે ગમે તે રીતે નવો નંબર મેળવી લીધો હતો. આ અંગે ફરિયાદી માતાએ ધવલને સમજાવવા માટે તેમના પિતાને વાત કરી હતી. જોકે તેના પિતા પુત્રને પ્રોત્સાહન આપતા હોય તેવું ફરિયાદીને લાગ્યું હતું અને સામે કેસ કરવાની ધમકી આપી હતી.
ધવલ સુધર્યો નહોતો અને વારંવાર ફરિયાદી નંબર બદલી નાખતા હોવા છતાં નંબર મેળવી લેતો હતો. સગીરાની બહેનપણીઓ અને પરિચિતોના મોબાઈલમાં સગીરાની તસવીરો મોકલતો હતો. તરુણી જ્યારે શાળાએ જતી ત્યારે તેનો હાથ પકડી તું મારી વાઈફ છો કહેતો હતો. આ તમામ વાત ફરિયાદીને તેની પુત્રીએ કરી હતી.
આ ઉપરાંત ફરિયાદીએ કહ્યું હતું કે ધવલને સમજાવવા છતાં તે ધમકી આપતો હતો, સગીરાના ફોટા એની પેન ડ્રાઈવમાં હોય તેવી વાત કરી વાઈરલ કરવાની ધમકી આપતો હતો. ફરિયાદીના મોબાઈલમાં પણ બીભત્સ મેસેજ અને ફોટા મોકલતો હતો. જેથી કંટાળીને સગીરાએ હાથની નસ કાપવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસે સગીરાની માતાની ફરિયાદના આધારે ધવલ વિરૂદ્ધ આઇ.પી.સી. કલમ 354 તથા પોકસો એકટની કલમ 8,12 મુજબ ગુનો નોંધ્યો છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
