Team Chabuk-Gujarat Desk: આપણે ત્યાં ગાયને માતા ગણવામાં આવે છે. આશિર્વાદ લેવામાં આવે છે. આશ્ચર્યની વાત એ છે કે ગાય જ્યારે કચરો ખાય છે ત્યારે તેને રોકનારું કે ટોકનારું કોઈ હોતું નથી. પ્લાસ્ટિકની અંદર ખોરાક હોય ગાય ખાવા જાય અને ભોજનની સાથે સાથે પ્લાસ્ટિકને પણ પેટમાં પધરાવી નાખે છે. માત્ર ગાય જ નહીં અન્ય પશુઓ પણ પ્લાસ્ટિકના ભોગ બનતા હોય છે. આ બધું ત્યારે થાય છે જ્યારે ગંદકીના થરના થર પડ્યા હોય. આવું તો ઘણી જ જગ્યાએ થતું તમે તમારી આંખે જોયું હશે. પરંતુ ચોટીલાની સ્થિતિ સૌથી ખરાબ છે એ કહેવામાં જરા પણ અતિશ્યોક્તિ નથી.
પ્રસિદ્ધ પ્રવાસનધામ, યાત્રાધામ અને ભક્તોની આસ્થાનું કેન્દ્રસ્થાન એવા સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલામાં ક્યાંય ડમ્પિંગ સાઈટ નથી. મહત્વનું છે કે જ્યાં સૌથી વધારે યાત્રિકો આવતા હોય ત્યાં કચરો પણ એટલો જ થતો હોય, પરંતુ ચોટીલામાં કચરાને દૂર કરવાની સગવડતાનો શૂન્યઅવકાશ સર્જાયો છે. પાલિકા દ્વારા અહીં સ્મશાનની નજીકના રસ્તાની બંને બાજુએ કચરો ઠલવવામાં આવે છે.
ચોટીલામાં બે રૂટમાં બારથી ચૌદ ફેરા ફરી કચરો એકઠો કરવામાં આવે છે. એક ફેરામાં પચ્ચીસ મણ કચરો હોય છે. અર્થાત્ 250 કિલો રોજનું ગણી લો. આ કચરામાં ચાલીસ કિલોથી વધારે પ્લાસ્ટિક હોય છે. કંઈ ખાવાનું ન મળતા આ કચરાના પર્વતની નજીક પ્રાણીઓ આવતા હોય છે અને પેટનો ખાડો પૂરતા હોય છે. ભોજનની સાથે કેટલીય વખત પેટમાં પ્લાસ્ટિકને પધરાવી જાય છે. કચરો ખાધા બાદ પશુઓ બીમાર પડે છે. બીચારા મૂંગા પશુઓ પોતાની વ્યથા કોઈની આગળ વ્યક્ત કરી શકતા નથી.
આ અંગે ચોટીલા તાલુકાના ચીફ ઓફિસર નીકુંજ વોરાએ કહ્યું હતું કે, ‘પાલિકાની કોઈ ડમ્પિંગ સાઇટ નથી. અમે દરખાસ્ત મોકલી છે, હજી મંજૂર થઈ નથી. પ્લાસ્ટિક માટે ડાયરેક્ટ કંપની લઈ જાય છે. ડમ્પિંગ સાઇટ મંજૂર થયે કચરાના ગંજનો કાયમી ઉકેલ આવી શકે છે.’ બીજી બાજુ વેટરનરી ડોક્ટર નીરવ જોષીએ જણાવ્યું હતું કે, ‘પ્રાણીઓના શરીરમાં ચાર જઠર હોય છે. પ્લાસ્ટિકનું પાચન થતું ન હોવાથી તે જઠરમાં જમા થાય છે. વધુ પ્રમાણમાં પ્લાસ્ટિક જમા થાય એટલે પાચનશક્તિ મંદ પડી જાય છે. જે પશુઓ માટે મૃત્યુ સમાન બને છે.’ હાલ તો ચોટીલાને કચરા અને પ્લાસ્ટિકની સમસ્યા અજગર ભરડો લઈ ચૂકી છે. જેનું નિરાકરણ લાવવું જરૂરી છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
