Team Chabuk-Gujarat Desk: સમગ્ર એશિયા ખંડમાં દૂધ સંપાદનમાં નંબર વન બનાસ ડેરી દ્વારા એક જ જિલ્લામાં બીજો મોટો અત્યાધુનિક ડેરી પ્લાન્ટ બનાવવામાં આવ્યો છે. બનાસકાંઠા જિલ્લાના દિયોદર નજીક સણાદર ખાતે ૧૫૧ વીઘામાં નિર્માણ પામેલ બનાસ ડેરી સંકુલ, પોટેટો પ્રોસેસિંગ અને પ્રોડક્ટ યુનિટ તથા દૂધવાણી કોમ્યુનીટી રેડીયો સ્ટેશન (FM 90.4) નું આગામી તા. ૧૯ એપ્રિલ-૨૦૨૨, મંગળવારના રોજ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે લોકાર્પણ કરવામાં આવશે અને વિશાળ મહિલા સંમેલન યોજાશે. જેમાં સમગ્ર જિલ્લામાંથી મોટી સંખ્યામાં પશુપાલક બહેનો ઉપસ્થિત રહેશે.
આ ઉપરાંત કાર્યક્રમના સ્થળેથી વડાપ્રધાનના હસ્તે બનાસ ડેરીના વિવિધ પ્રકલ્પોનું ઇ-લોકાર્પણ અને ઇ-ખાતમૂર્હત કરવામાં આવશે. ઇ-લોકાર્પણમાં બનાસ ડેરીના ચીઝ અને વ્હે પાવડર પ્લાન્ટ વિસ્તૃતીકરણ પાલનપુર, બનાસ ગોબર ગેસ પ્લાન્ટ અને બાયો સી.એન.જી. સ્ટેશન દામા (ડીસા) અને ઇ- ખાતમુહૂર્તમાં નવીન 4 ગોબરગેસ પ્લાન્ટ- ખીમાણા, રતનપુરા (ભીલડી), રાધનપુર અને થાવર (ધાનેરા) નો સમાવેશ થાય છે.

વડાપ્રધાનના કાર્યક્રમને અનુલક્ષી બનાસ ડેરી દ્વારા તડામાર તૈયારીઓ ચાલી રહી છે. આ કાર્યક્રમને લઈ બનાસકાંઠા જિલ્લા વહીવટી તંત્ર પણ સક્રિય બન્યું છે. કલેકટર આનંદ પટેલ, પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણા સહિત જિલ્લાના ઉચ્ચ અધિકારીઓએ દિયોદર- સણાદર ખાતે બનાસ ડેરી સંકુલના સ્થળની મુલાકાત લઇ વડાપ્રધાનના કાર્યક્રમ અંગે ઝીંણવટભરી વિસ્તૃત ચર્ચા કરી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, દિયોદર ખાતે બનાસ ડેરીનું નિર્માણ કાર્ય જૂન-2020માં શરૂ થયું હતુ અને માત્ર ૧૮ મહિનાના ટૂંકાગાળામાં અને કોવિડ-૧૯ની વૈશ્વિક મહામારીની વિપરીત પરિસ્થિતિ વચ્ચે સ્ટેટ ઓફ ધી આર્ટ ડેરી પ્લાન્ટ નિર્માણ પામ્યો છે. લાખો પશુપાલકોએ બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી અને ડેરીના નિયામક મંડળમાં મુકેલા વિશ્વાસના પરિણામે આજે બનાસ ડેરી ઉત્તરોત્તર પ્રગતિના સોપાનો સર કરી વૈશ્વિક ઉંચાઇઓ હાંસલ કરી રહી છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
