Homeગુર્જર નગરીરાજકોટ ક્રાઈમ બ્રાંચ પર વધુ એક કલંકઃ સાયલાથી દારૂ ભરેલી ટ્રક સાથે...

રાજકોટ ક્રાઈમ બ્રાંચ પર વધુ એક કલંકઃ સાયલાથી દારૂ ભરેલી ટ્રક સાથે ડ્રાઈવરને આંતરી વહીવટ કરવાની કોશિશ

Team Chabuk-Gujarat Desk: રાજકોટ ક્રાઈમ બ્રાંચ જાણે વિવાદોનું બીજું નામ બની ગઈ હોય તેમ એક બાદ એક વિવાદો સામે આવી રહ્યા છે. રાજકોટ ક્રાઈમ બ્રાંચની ટીમે પોતાની હદની બહાર જઈને દારૂ ભરેલું ટેન્કર રાજકોટ લઈ આવવાનો પ્રયત્ન કર્યો હોવાનો આરોપ લાગ્યો છે. આ ઘટનામાં સ્ટેટ મોનિટરિંગ સેલનો સ્ટાફ દારૂ પકડવા પહોંચતાં સમગ્ર ઘટનાક્રમ સામે આવ્યો છે.

ઘટનાની વિગતે વાત કરીએ તો, અમદાવાદથી દારૂ ભરેલો ટ્રક નીકળ્યો હોવાની માહિતી મળતાં રાજકોટ ક્રાઇમ બ્રાંચના મહિલા પી.એસ.આઈ ભાવના કડછા અને તેમની ટીમના સુભાષ ગોરી, ક્રિપાલસિંહ જાડેજા, ઉપેન્દ્રસિંહ ઝાલા અને દેવા ધરજિયા સહિતની ટીમ ખાનગી કારમાં સાયલા પહોંચી હતી. મળલી માહિતી પ્રમાણેના નંબરની ટ્રક દેખાતા રાજકોટ ક્રાઈમ બ્રાંચની ટીમે ટ્રકનો પીછો શરૂ કર્યો હતો. ટ્રક સાયલાના આયા ગામ તરફ વળતા પીછો કરી રહેલી રાજકોટ પોલીસની ટીમને દારૂનું કટિંગ થઈ જશે તેવી શંકા ઉઠતાં જ ટ્રકને આંતરી હતી અને ટ્રકની તપાસ અંદરથી 400થી વધુ પેટી દારૂનો જથ્થો મળી આવ્યો હતો.

દારૂ ભરેલી ટ્રક સાયલા પોલીસ સ્ટેશનની હદમાંથી મળતા રાજકોટ પોલીસે સાયલા પોલીસને નિયમાનુસાર જાણ કરવાની હોય પરંતુ રાજકોટ ક્રાઇમ બ્રાંચની ટીમની નિયતમાં ખોટ હોવાથી ટ્રકનું ડ્રાઇવર સહિત અપહરણ કર્યું હતું. એક પોલીસમેન ટ્રકમાં બેસી ગયો હતો અને અન્ય સ્ટાફ કારમાં રાજકોટ તરફ દારૂ ભરેલી ટ્રકનું પાઇલોટિંગ કરી રહ્યા હતા.

ટ્રક રાજકોટ પોલીસની હદમાં માલિયાસણ નજીક એક હોટેલ પાસે પહોંચી હતી ત્યારે હોટેલ નજીક ટ્રક રોકી દેવાઈ હતી અને અંદાજે અઢી કલાક સુધી ત્યાં વહીવટ ચાલુ રહ્યો હતો. તે વખતે જ સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ ત્યાં પહોંચી હતી.  ખાનગી કારમાં બેઠેલા પોલીસ સ્ટાફની સ્ટેટ મોનિટરિંગ સેલે પૃચ્છા કરતા તેમણે શરૂઆતમાં તો ક્રાઇમ બ્રાંચનો રોફ જમાવ્યો હતો. પરંતુ સ્ટેટ મોનિટરિંગ સેલના સ્ટાફે પોતાની ઓળખ આપતા રાજકોટ ક્રાઈમ બ્રાંચની ટીમને પરસેવો છૂટી ગયો હતો. સ્ટેટ મોનિટરિંગ સેલના સ્ટાફે દારૂ ભરેલી ટ્રકના ડ્રાઇવર બાડમેરના જગદીશ ઉદેરામ મારવાડીની પૂછપરછ કરતા તેણે રાજકોટ ક્રાઈમ બ્રાંચના ઈરાદા શું છે તે બોલી ગયો હતો. અને રાજકોટ પોલીસે સાયલાથી તેને પકડ્યાની તથા દારૂનો જથ્થો કુખ્યાત બૂટલેગર સૌરભ ચંદારાણાનો હોવાની કબૂલાત આપી હતી.

સ્ટેટ મોનિટરિંગ સેલના સ્ટાફે સેલમાં તાજેતરમાં જ નિમણૂક પામેલા કડક અધિકારી નિર્લિપ્ત રાયને સમગ્ર ઘટનાથી વાકેફ કરતા તેમણે દારૂ ભરેલી ટ્રક અને ત્યાંથી મળી આવેલા રાજકોટ પોલીસના સ્ટાફને સાયલા પોલીસ મથકે લઈ જવાની સૂચના આપતા રાજકોટ ક્રાઇમ બ્રાંચના સ્ટાફની હાલત કફોડી બની ગઈ હતી. દારૂ ભરેલી ટ્રક અને ક્રાઇમ બ્રાંચની ટીમને સાયલા પોલીસ મથકે લઇ જવાયા હતા. આ મામલે સાયલાથી દારૂ ભરેલી ટ્રકનું અપહરણ કરી લઈ જવા અંગે ગુનો નોંધવાની તજવીજ શરૂ કરાતા પોલીસબેડામાં સોપો પડી ગયો હતો.

shreeji dhosa

ગાંધીનગર વિજિલન્સ ટીમના ડીવાયએસપી કે.ટી.કામરિયાના જણાવ્યા મુજબ સાયલાના આયા પાસેથી ચોરખાનામાં 394 પેટી દારૂ ભરેલી ટ્રકને રાજકોટ ક્રાઇમ બ્રાંચના પી.એસ.આઇ ભાવનાબેન કડછા, દેવાભાઇ ધરજિયા, ક્રિપાલસિંહ અને ઉપેન્દ્રસિંહ સહિત પોલીસકર્મીઓ લઈને મોરબી બાયપાસ પાસે પહોંચ્યા હતા. તે સમયે ગાંધીનગરની વિજિલન્સ ટીમે ટ્રક અને રાજકોટ પોલીસ અધિકારીને ઝડપી લઈ પૂછપરછ કરતા કોઈ ઉપરી અધિકારીને જાણ કર્યા વગર કે કોઈ પંચના વ્યક્તિને સાથે રાખ્યા સિવાય દારૂ ભરેલી ટ્રક રાજકોટ તરફ લઈ જતા હોવાના શંકાના દાયરામાં આવ્યા હતા. આ બાબતે વધુ તપાસ હાથ ધરીને ગુનો દાખલ કરવાની તજવીજ હાથ ધરવામાં આવશે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments