Team Chabuk-Gujarat Desk: રાજ્યમાં ફરજ બજાવતા હોમગાર્ડના જવાનોની છેલ્લા લાંબા સમયથી વિવિધ માંગણીઓ અને પ્રશ્નો છે. જેને લઈને હોમગાર્ડના જવાનો અવારનવાર સરકારને રજૂઆતો પણ કરે છે. પરંતુ પ્રશ્નોનું કોઈ નિરાકરણ આવી નથી રહ્યું. ત્યારે જૂનાગઢના એક હોમગાર્ડના જવાને મુખ્યમંત્રીને પત્ર લખીને હોમગાર્ડના જવાનોની વાસ્તવિક સ્થિતિ અંગેનું ચિત્ર રજૂ કર્યું છે. અને હોમગાર્ડના જવાનોને પડતી મુશ્કેલીઓનું સમાધાન કરી વર્ષોથી જે પ્રશ્નોનું નિરાકરણ નથી આવ્યું તે અંગે ધ્યાન આપીને પ્રશ્નો હલ કરવા જણાવાયું છે.
મુખ્યમંત્રીને લખેલા આ પત્રમાં લખવામાં આવ્યું છે કે, કોરોના (covid 19) મહામારીમાં પણ પોતાના તેમજ પરિવારની ચિંતા કર્યા વગર ખુબજ સારી રીતે ફરજ બજાવી છે. જ્યારે કોઈ કોઈને મદદ કરવા માટે તૈયાર ન હતું ત્યારે હોમગાર્ડ જવાન નિઃસ્વાર્થ ભાવે પોતાની ફરજ પર ૨૪ કલાકમાંથી ૧૨ થી ૧૮ કલાક સુધી ફરજ બજાવતા હતા.
હોમગાર્ડને ફરજ ભથ્થુ માત્ર ૨૭ દિવસનું જ મળે છે એ પણ 1-2 મહિના મોડું આપવામાં આવે છે. આવી મોંઘવારીમાં માત્ર ૩૦૪ લેખે મળતું સામાન્યથી પણ ઓછું ભથ્થુ મળે છે. વર્ધી / યુનિફોર્મ, મોજા, કેપ / ટોપી, બુટ/ શૂઝ, બેલ્ટ, લાઠી, રેઇન કોટ, શિયાળા માટે જર્સી, વેલ્ફર સહાય કાગળ પર બધાને મળે છે પણ હક્કીકતમાં બધાને મળતું નથી.
અમારી વિનંતી છે કે, બીજા વિભાગોની જેમ કાયમી રોજગારી / નોકરીની ફરજ આપો. ૨૭ દિવસની જગ્યાએ ૩૦, ૩૧ દિવસનો પગાર આપો. બીજા વિભાગોની જેમ અમારા નોકરીનાં કલાકો નક્કી કરો. બીજા વિભાગોની જેમ ૫૮,૬૦ વર્ષે નિવૃત્તિની વય નક્કી કરી આપો. બીજા વિભાગોની જેમ યોગ્ય પગાર આપો અને સમયસર પગાર ખાતા માં જમા થાય એવી વ્યવસ્થા કરો.
આઝાદી સમયથી સેવા આપતા દળની નોંધ લઈ અને યોગ્ય સહાય આપો. અમારા હોમગાર્ડ દળની સેવા ગુજરાત રાજ્યમાં વર્ષોથી લેવામાં આવે છે. પણ અમારી સ્થિતિ કુપોષિત બાળકો જેવી છે કામ અને ફરજ વધારે લેવાની થાય છે પણ વિકાસ રોકાઈ ગયો છે. બીજા રાજ્યોની સરખામણીમાં અને આપણે ત્યાં મળતા પગાર તફાવતથી અન્યાય થઈ રહ્યો છે. જ્યારે કોઈ વિદ્યાર્થી NCC ની તાલીમ મેળવેલ હોઈ છે તો એવા વિધાર્થી કે ઉમેદવારોને રાજ્ય દ્વારા થતી ભરતીમાં અમુક ખાસ ગુણ અને સહાય મળવા પાત્ર થાય છે જ્યારે હોમગાર્ડ જવાન એમનાથી વધારે પ્રશિક્ષણ તાલીમ અને અનુભવ પણ ધરાવતા હોઈ છે તો પણ એમને સરકારી ભરતીમાં કોઈ ગુણ, સહાય કે ખાસ છૂટછાટ આપવામાં આવતી નથી.
માત્ર કાગળ પર હોમગાર્ડ જવાનોને પોલીસ વિભાગની મદદ માટે ગણવામાં આવે છે. મોટા ભાગે હોમગાર્ડ પોતાની નિષ્ઠા, હોશિયારી, નીડરતા અને મહેનતથી કાર્ય કરે છે. પોલીસ વિભાગમાં ઓફીસવર્ક તથા ફિલ્ડવર્કનું કામ પણ હોમગાર્ડ જવાન પાસેથી લેવામાં આવે છે. કાર્ય કરવામાં હોમગાર્ડ જવાનને વાંધો નથી પણ કાર્યની કદર થાય અને યોગ્ય સન્માન, સહાય અને પગાર મળે એવી આશા જરૂર રાખે છે.
હોમગાર્ડ દળનું સંચાલન સરકારી કર્મચારી દ્વારા થાય છે જેથી હોમગાર્ડ દળમાં અમુક કર્મચારી સરકારી કાગળ પર કાયમી છે અને અમુક કર્મચારી (જવાનો) ને કાયમી નથી કરવામાં આવેલ પરંતુ કાર્યની વાત આવે તો જેમને કાયમી નોકરી/ફરજ નથી આપવામાં આવતી એમની પાસેથી જ કામ વધારે લેવામાં આવે છે. ત્યારે આ તમામ અંગે મુખ્યમંત્રીને રજૂઆત કરીને યોગ્ય નિરાકરણ લાવવા વિનંતી કરવામાં આવી છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
