Homeગુર્જર નગરી૧૦મી ઓગસ્ટ વિશ્વ સિંહ દિવસ: સૌરાષ્ટ્રના ૯ જિલ્લાના ૩૦,૦૦૦ ચો. કિ.મી. વિસ્તારમાં...

૧૦મી ઓગસ્ટ વિશ્વ સિંહ દિવસ: સૌરાષ્ટ્રના ૯ જિલ્લાના ૩૦,૦૦૦ ચો. કિ.મી. વિસ્તારમાં રહે છે એશિયાઇટીક સિંહો

Team Chabuk-Gujarat Desk: એશિયાઇ સિંહ ભારત દેશના ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર વિસ્તારમાં કુદરતી રીતે વિહરતા જોવા મળે છે. ગુજરાત સરકારના માર્ગદર્શન હેઠળ વન વિભાગ, ગુજરાત રાજ્યની અથાગ મહેનત અને સ્થાનિક લોકોના સહિયારા પ્રયાસોથી એશિયાઇ સિંહની સંખ્યામાં નોંધપાત્ર વધારો જોવા મળેલ છે. જૂન ૨૦૨૦ની ગણતરી પ્રમાણે સિંહોની સંખ્યા વધીને ૬૭૪ થયેલ છે. વસ્તીમાં વધારો થતા તેમના રહેણાંક વિસ્તારમાં પણ વધારો થયેલ છે. સિંહો સૌરાષ્ટ્રના નવ જિલ્લાઓના ૩૦,૦૦૦ ચો. કી.મી. માં વિહરતા જોવા મળે છે જેને એશિયાટીક લાયન લેન્ડસ્કેપ તરીખે ઓળખવામાં આવે છે.

આ હેતુથી થાય છે વિશ્વ સિંહ દિવસની ઉજવણી

દર વર્ષે ૧૦મી ઓગસ્ટના રોજ વિશ્વ સિંહ દિવસની (world lion day) ઉજવણી સમગ્ર વિશ્વમાં સિંહોના સંરક્ષણ અને સંવર્ધન માટે લોકોમાં જાગૃતિ આવે અને સિંહ સંરક્ષણમાં લોકોની ભાગીદારી વધે તે હેતુંથી કરવામાં આવે છે. ૨૦૧૩ માં આફ્રિકન લાયન એન્વાયર્નમેન્ટ રિસર્ચ ટ્રસ્ટ (ALERT) ના સ્થાપકો દ્વારા વિશ્વ સિંહ દિવસની ઉજવણીની શરૂઆત કરવામાં આવી હતી. ભારતમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણીની શરૂઆત ગુજરાત વન વિભાગ દ્વારા ૨૦૧૬ થી કરવામાં આવેલ.

આ દિવસની ઉજવણીમાં વિદ્યાર્થીઓ, શિક્ષકો, આગેવાનો, એન.જી.ઓના સભ્યો, સ્થાનિક લોકો, ગુજરાત સરકારના જુદા જુદા વિભાગોના કર્મચારીઓ અને અધિકારીઓ ભાગ લે છે. ૨૦૧૬ થી ૨૦૧૯ સુધી આ ઉજવણી ફીઝીકલ રીતે કરવામાં આવતી હતી. પરંતુ ૨૦૨૦ અને ૨૦૨૧ માં કોવીડ-૧૯ મહામારીના લીધે ફીઝીકલ રીતે આ ઉજવણી કરવી શક્ય ન હોય તેથી જુદા જુદા ડીજીટલ મીડિયાના માધ્યમથી વર્ચ્યુઅલ રીતે ઉજવણી કરવામાં આવી હતી.

શાળા-કોલેજોમાં ઉજવાશે વિશ્વ સિંહ દિવસ

આ વર્ષે વિશ્વ સિંહ દિવસની ઉજવણી ફીઝીકલ અને વર્ચ્યુઅલ એમ બન્ને રીતે કરવામાં આવશે. આ વર્ષે ફીઝીકલ ઉજવણીમાં સૌરાષ્ટ્રના ૧૦ જિલ્લા જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર, બોટાદ, પોરબંદર, રાજકોટ, સુરેન્દ્રનગર, દેવભૂમિ દ્વારકા અને મોરબીની ૮૫૦૦ થી વધુ શાળા અને કોલેજો ભાગ લેશે. આ ઉજવણી માટે દરેક શાળા કોલેજોમાં કીટ તૈયાર કરી પહોચતી કરવામાં આવેલ છે. આ ઉજવણી માટે આશરે ૧૮.૫૦ લાખ સિંહના મ્હોરા, ૪x૩ની સાઇઝના ૧૦,૦૦૦ બેનર, ૧૦x૮ની સાઇઝના ૨૦૦ બેનર, ૧૦,૦૦૦ વન્યજીવને લગત ડોક્યુમેન્ટરીની સી.ડી., ૪,૦૦,૦૦૦ પેમ્ફલેટ, ૨૦૦ સેલ્ફી માટેની સ્ટેન્ડીઓ, ૧,૦૦,૦૦૦ ગોળ સ્ટીકર અને ૨૦,૦૦૦ એ૪ સાઇઝના સ્ટીકરો બનાવી વિતરણ કરવામાં આવેલ છે.

આ ઉજવણીમાં એશિયાઇ સિંહના સંરક્ષણના હેતું સાથે જનપ્રતિનિધિઓ, શિક્ષણ વિભાગના કર્મચારીઓ, વિદ્યાર્થીઓ, એન.જી.ઓ, નાગરિકો અને સરકારી અધિકારીઓ સહિત વિવિધ લોકો શાળામાં એકત્રીત થશે તેમજ રેલીઓ, ભાષણો અને પ્રતિજ્ઞા લેવા જેવી પ્રવૃત્તિઓમાં ઉત્સાહપૂર્વક ભાગ લેશે. ગુજરાતના માનનીય મુખ્યમંત્રીશ્રીની અધ્યક્ષતામાં ગાંધીનગરમાં રાજ્ય કક્ષાની ઉજવણીનું આયોજન કરવામાં આવશે.

world lion day

વર્ચ્યુઅલ ઉજવણીમાં વ્યક્તિઓ એશિયાઇ સિંહો વિશે જાગૃતિ ફેલાવવા માટે ડિજિટલ મીડિયા પ્લેટફોર્મના માધ્યમથી જોડાઇ શકશે. આ ઉજવણી માટે બેનરો, પંચલાઈન, ટેક્સ્ટ સંદેશાઓ, શુભેચ્છાઓ, ઈ-મેઈલ, ગ્રાફિક્સ, રીલ્સ અને ટૂંકા વિડિયો સહિતની ડિજિટલ અસ્કયામતોની શ્રેણી, વ્યાપક સહભાગિતાને પ્રોત્સાહિત કરવા માટે ખૂબ જ ઝીણવટપૂર્વક તૈયાર કરી પ્રસારિત કરવામાં આવી છે. વધુમાં, વિવિધ ડિજિટલ પ્લેટફોર્મ પર હેઝટેગ “#WorldLionDay2023” નો ઉપયોગ કરીને વ્યક્તિઓ તેમની પોતાની બનાવેલી પોસ્ટ મુકી શકશે. સોશિયલ મીડિયાના ક્ષેત્રમાં પ્રભાવશાળી વ્યક્તિઓ આ સંદેશાને વધું લોકો સુધી પહોચતું કરવામાં મુખ્ય ભૂમિકા ભજવશે. આ પ્રયાસના ભાગરૂપે ઓલ ઈન્ડિયા રેડિયો રાજકોટ પર વિશ્વ સિંહ દિવસ નિમિત્તે એક વિશેષ રેડિયો કાર્યક્રમ પ્રસારિત કરવામાં આવશે. વધુમાં, વિશ્વ સિંહ દિવસની શુભેચ્છાઓ ધરાવતા આસરે ૬૫ લાખથી વધુ ટેક્સ્ટ સંદેશાઓ (SMS) ગુજરાતમાં મોબાઇલ સબસ્ક્રાઇબર્સને મોકલવામાં આવશે. આ ઉપરાંત ૧,૫0,000 થી વધુ ઇ-મેઇલ સબસ્ક્રાઇબર્સને સિંહ દિવસની શુભેચ્છા ધરાવતો ઇ-મેઇલ મોકલવામાં આવશે. ગુજરાતના માનનીય મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં યોજાનાર રાજ્ય કક્ષાની ઉજવણીનું SatCom, YouTube અને અન્ય માધ્યમો દ્વારા ૮,૫૦૦ થી વધુ શૈક્ષણિક સંસ્થાઓમાં જીવંત પ્રસારણ કરવામાં આવશે.

વિશ્વ સિંહ દિવસની ઉજવણી એશિયાઇ સિંહોના સંરક્ષણ માટેની સામૂહિક પ્રતિબદ્ધતા દર્શાવે છે. આ સામૂહિક પ્રતિબદ્ધતા ગુજરાત અને ભારતના ગૌરવ – એશિયાઇ સિંહોના સંરક્ષણને આગળ વધારવાના સહિયારા ઉદ્દેશ્યથી પ્રેરિત છે.

whatsapp

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments