Team Chabuk-Gujarat Desk: દેશનો સૌથી મોટો લોકશાહીનો પર્વ આંગણે આવીને ઉભો છે. રાજકીય પક્ષોએ ચૂંટણી જીતવા માટે રાજકીય દાવપેંચ શરૂ કરી દીધા છે. ગુજરાતમાં લોકસભાની 26 બેઠકો પર ચૂંટણીનો જંગ જામશે. ભાજપે અત્યાર સુધીમાં 22 નામ જાહેર કરી દીધા છે. 4 બેઠકો પર હજુ સુધી પત્તા ખોલ્યા નથી. તો કોંગ્રેસે હજુ સુધી 7 ઉમેદવારોને મેદાને ઉતાર્યા છે.
જીતની હેટ્રીક ફટકારવાનો દાવો કરતી ભાજપનો જે ચાર બેઠક પર પેચ ફસાયો છે તેમાં સૌરાષ્ટ્રની સૌથી મહત્વની મનાતી જૂનાગઢ બેઠક સહિત સુરેન્દ્રનગર, અમરેલી અને મહેસાણા બેઠક સામેલ છે. સૂત્રોનું માનીએ તો સૌરાષ્ટ્રની ત્રણ બેઠક પર એટલા માટે નામ જાહેર નથી કરાયા કારણ કે જૂનાગઢમાં રાજેશ ચૂડાસમાની ટિકિટ કપાવાની લગભગ નક્કી છે. તેની જગ્યાએ હવે ભાજપ પાટીદાર ચહેરો ઉતારવા મથામણ કરી રહી છે.
જૂનાગઢમાં પાટીદારને ટિકિટ આપવી હોય તો બાકીની બે બેઠકો પર કોળી ઉમેદવારને ઉતારવા જ પડે. કારણ કે, અત્યાર સુધીમાં રાજકોટમાં પરશોત્તમ રુપાલા (કડવા પાટીદાર), પોરબંદર બેઠક પર મનસુખ માંડવિયા (લેઉવા પાટદાર), ભાવનગર બેઠક પર નીમુ બાંભણિયા ( કોળી ) અને જામનગરથી પૂનમ માડમ (આહિર ) સમાજના નેતાને ટિકિટ આપી છે. આમ, સુરેન્દ્રનગર અને અમરેલીમાં કોળી સમાજના નેતાને ટિકિટ આપી ભાજપ સૌરાષ્ટ્રમાં જ્ઞાતિના સમિકરણોનો તાળો મેળવી જૂનાગઢમાં પાટીદાર સમાજને ટિકિટ ફાળવી શકે છે.
જો કે, સવાલ એ છે કે, પાટીદાર સમાજનો એવો કયો ચહેરો ઉતારી શકે છે. તો સૂત્રો તરફથી જે માહિતી મળી રહી છે તે પ્રમાણે જૂનાગઢમાં ભાજપ રાજેશ ચુડાસમાનું પત્તુ કાપી લલિત સુવાગિયાને ટિકિટ આપી શકે છે.
કોણ છે લલિત સુવાગિયા ?
લેઉવા પાટીદાર સમાજના અગ્રણી
વિશ્વ હિન્દુ પરિષદ સાથે વર્ષોથી જોડાયેલા છે
કેશુબાપા વખતથી ભાજપ સાથે સંકળાયેલા છે
ભાજપ સંગઠનમાં પણ લલિત સુવાગિયાએ સક્રિય ભાગ ભજવ્યો છે.
હાલ જૂનાગઢ મનપામાં કોર્પોરેટર છે
જૂનાગઢમાં સૌથી વધુ કોળી ઉમેદવારો છે પરંતુ એવું નથી કે અહીં દર વખતે કોળી ઉમેદવારોને જ ટિકિટ મળી હોય. અગાઉ જૂનાગઢે પાટીદાર, આહિર, કારડિયા રાજપુત જ્ઞાતિના સાંસદો આપ્યા છે.
જૂનાગઢે અગાઉ એકથી વધુ લેઉવા પાટીદાર સાંસદ આપ્યાછે. ભૂતકાળમાં નાનજીભાઈ વેકરિયા ( લેઉવા પટેલ ) અને ભાવનાબેન ચીખલિયા ( લેઉવા પટેલ ) સાંસદ રહી ચુક્યા છે.
જો કે, છેલ્લી0 બે ટર્મથી અહીં કોળી જ્ઞાતિના ઉમેદવારનો દબદબો રહ્યો છે. એટલે કે અહીં પુરી શક્યતા છે કે, આ વખતે કોળી જ્ઞાતિના ઉમેદવારની જગ્યાએ અન્ય ઉમેદવારને ટિકિટ મળી શકે છે.
જીતનું ગણિત
કોઈ પણ રાજકીય પક્ષ કોળી સિવાય અન્ય જ્ઞાતિના ઉમેદવારને ચૂંટણી જંગમાં ઉતારે તો પાર્ટીના 10 ટકા મતની સાથે પાટીદાર, દલિત અને મુસ્લિમ સમીકરણ સર્જાય તો કોળી જ્ઞાતિના સૌથી વધારે મત હોવા છતાં પણ કોળી જ્ઞાતિનો ઉમેદવાર જૂનાગઢ લોકસભા બેઠક પરથી ચૂંટણી હારી શકે છે.

તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત