ગુજરાત રાજ્યમાં હવેથી લો રાઈઝ બિલ્ડિંગ માટે ઓફલાઈન પ્લાન પાસીંગ સેવા સંપૂર્ણ બંધ થઈ ગઈ છે અને ઓનલાઈન સેવાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. જેના થકી માત્ર 24 કલાકની અંદર પ્લાન પાસીંગ થઈ જવાની વાત મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કરી છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યમાં ઓનલાઇન ડેવલપમેન્ટ પરમિશન સિસ્ટમ (બાંધકામ પરવાનગી) 2.0નો પ્રારંભ કરાવતા કહ્યું કે, ‘આ સરકાર પારદર્શિતા અને સંવેદનશીલતાથી ગુડ ગવર્નન્સની દિશામાં કાર્યરત છે.’
ગૃહ, મહેસૂલ, શહેરી વિકાસ જેવા પ્રજાને સીધા સ્પર્શતા વિભાગોમાં ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ કરીને ઓનલાઇન વ્યવસ્થા વિકસાવી ક્યાંય કોઈને એક રૂપિયો પણ આપવો ન પડે કે કચેરીના ધક્કા ન ખાવા પડે અને ઘરે બેઠા જ ઓનલાઇન કામ થઈ જાય તેવી પારદર્શી પરિસ્થિતિ નિર્માણ કરી છે.
મુખ્યમંત્રીએ ODPS-2.0 ઓનલાઇન ડેવલપમેન્ટ પ્લાન સિસ્ટમના અદ્યતન ટેકનોલોજીયુકત વર્ઝનનો મહાત્મા મંદિર ગાંધીનગરથી પ્રારંભ કરાવ્યો હતો.
મુખ્યમંત્રીએ જાહેર કર્યું કે, ‘સમગ્ર દેશમાં આવી ઓનલાઇન પદ્ધતિએ ફેઇસ લેસ વ્યવસ્થા વિકસાવી ડેવલપમેન્ટ પ્લાન પાસ કરનારું ગુજરાત દેશભરમાં પ્રથમ રાજ્ય બન્યું છે. જનતા જનાર્દનની અપેક્ષા-આકાંક્ષા પૂર્ણ થાય તેને ક્યાંય ધક્કા ખાવા ન પડે, કચેરીઓમાં પોતાના કામો માટે ટેબલે-ટેબલે ભટકવું ન પડે તેવા અભિગમથી આપણે અનેક પહેલરૂપ સુધારાઓ કર્યા છે.’
વધુમાં આ સંદર્ભમાં મુખ્યમંત્રીએ કહ્યું કે, ‘અમારા કોઈ વ્યક્તિગત એજન્ડા કે હિત છે જ નહીં, માત્રને માત્ર વિકાસની રાજનીતિ તેમજ પ્રજાહિતના કામો કરીને ગુજરાતને વિકાસનું રોલ મોડેલ બનાવ્યું છે. લોકો ઇમાનદાર છે અને સરકારને પણ તેમના પર ભરોસો-વિશ્વાસ છે. તેઓ માત્ર વ્યવસ્થા ઇચ્છે છે. સરકાર પણ આવી ઓનલાઇન પારદર્શી વ્યવસ્થાઓથી પ્રજાની સરળતા ઇઝ ઓફ લીવીંગ વધારી રહી છે.’
તેમણે સ્પષ્ટપણે જણાવ્યું કે, ‘હવે આ નવી ODPS-2.0 કાર્યરત થતાં લો રાઇઝડ બિલ્ડીંગ માટે ઓફલાઈન પરવાનગીઓ સંપૂર્ણ બંધ થઈ જશે. આ ODPS પ્રક્રિયાને ભવિષ્યમાં રાજ્યમાં હાઇરાઇઝડ બિલ્ડીંગ માટે પણ અમલી બનાવવાની નેમ મુખ્યમંત્રીએ વ્યકત કરી હતી. તેમણે સાફ શબ્દોમાં જણાવ્યું કે, જે ૧ ટકા લોકો ખોટું કરનારા છે તેમની સામે પગલાં લેવા સરકાર સંકલ્પબદ્ધ છે સાથે જ ૯૯ ટકા લોકોને ખોટી રીતે તકલીફ ન પડે તેવી પણ આપણી પ્રતિબદ્ધતા છે.’
મુખ્યમંત્રીએ ઉમેર્યુ કે, ‘આ નવી વ્યવસ્થા વિકસાવવામાં GDCRમાં સુધારા કરી કોમન GDCR કર્યો છે. એટલું જ નહીં, FSI, હાઇટ, માર્જિન, પાર્કિંગ, ફાયર સેફટી જેવી ૧પ જેટલી વાઇટલ મહત્વની બાબતો પર ફોકસ કરીને તેની પૂર્તતાના આધારે ર૪ કલાકમાં જ રજા ચિઠ્ઠી સાથે પ્લાન પાસ થઈ જાય તે સુનિશ્ચિત કર્યું છે.’
તેમણે કહ્યું કે, ‘દરેક વ્યક્તિને ખેવના હોય કે તેનું પોતીકું ઘર બને પરંતુ આવા ઘર-મકાનના પ્લાન પાસ કરાવવામાં તેના પગના તળિયા ઘસાઈ જતાં. આપણે એવી સરળ અને પારદર્શી પ્રક્રિયા ODPSથી શરૂ કરી છે કે પોતાના કોમ્પ્યુટરમાંથી પ્લાન સબમિટ કરે ને ર૪ કલાકમાં તો પાકી મંજૂરી મળી જાય જેથી ડેવલપમેન્ટ ચાર્જ ભરીને વ્યક્તિ મકાન બાંધકામ શરૂ કરી શકે.’
મુખ્યમંત્રીએ ભય-ભૂખ અને ભ્રષ્ટાચારની વાત કરતા કહ્યું હતું કે, ‘આ નવી સિસ્ટમ એસ્ટાબ્લિશ ના થાય તેવું ઇચ્છનારાઓ સામે પોલિટીકલ વિલ અને પ્રજાહિતની પ્રતિબદ્ધતા સાથે મક્કમતાથી આગળ વધી આ સરકારે ODPSની શરૂઆત કરી છે. આપણે ભય-ભૂખ-ભ્રષ્ટાચાર દૂર કરવા છે એમ પણ તેમણે કહ્યું હતું. ’
વિજય રૂપાણીએ ટીપી સ્કીમ વિશે જણાવ્યું હતું કે, ‘ટાઉન પ્લાનીંગ સ્કીમ-ટી.પી.ની મંજૂરીઓમાં પણ આ સરકાર દર વર્ષે ૧૦૦ ટી.પી મંજૂરીની સદી ફટકારવા સાથે આગળ વધી છે. છેલ્લા ત્રણ વર્ષથી દર વર્ષે ટી.પી મંજૂરીની સદી કરીયે છીયે. આ વર્ષે પણ કોરોના સંક્રમણ છતાં ડિસેમ્બર સુધીમાં શતક પાર કરવાની નેમ તેમણે દર્શાવી હતી.’
મુખ્યમંત્રીએ જણાવ્યું કે, ‘આપણે નગરપાલિકા-મહાનગરપાલિકાઓમાં પણ બધી પરવાનગીઓ લોકોને ઘરે બેઠા ઓનલાઇન મળે અને કોમન કાયદાઓથી સૌને લાભ મળે કોઈને અન્યાય ન થાય તેવી વ્યવસ્થાઓ ઊભી કરવી છે.’
મુખ્યમંત્રીએ આ અવસરે પ્રતિકરૂપે રાજ્યના પાંચ નગર-મહાનગરમાં ઓનલાઇન એપ્રુવલ અને રજા ચિઠ્ઠીનું આર્કીટેકટ-ઇજનેરોને વિતરણ કર્યુ હતું.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત