Homeતાપણુંહું એટલો ગરીબ છું કે ખેડૂતો માટે બલિદાન આપવા મારી પાસે કંઈ...

હું એટલો ગરીબ છું કે ખેડૂતો માટે બલિદાન આપવા મારી પાસે કંઈ નથીઃ પ્રકાશ સિંહ બાદલ

ખેડૂત આંદોલન મુદ્દે કેન્દ્ર સરકાર ચોતરફથી ભીંસાઈ રહી છે. ખેડૂતો અડગ બનીને આંદોલન ચલાવી રહ્યા છે તો બીજી તરફ રાજકીય પાર્ટીઓનું પણ ખેડૂતોને અભુતપુર્વ સમર્થન મળી રહ્યું છે. તેવામાં કેન્દ્ર સરકારની આ નીતિ અને ખેડૂતોના આંદોલનના સમર્થનમાં પંજાબના પૂર્વ મુખ્યમંત્રી પ્રકાશ સિંહ બાદલે પદ્મ વિભૂષણ પુરસ્કાર સરકારને પરત કર્યો છે. પ્રકાશ સિંહ બાદલે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને લાંબો પત્ર લખીને પદ્મ વિભૂષણ પરત આપવાનું જણાવ્યું છે.

જણાવી દઈએ કે પ્રકાશ સિંહ બાદલ પંજાબના પૂર્વ મુખ્યમંત્રી ઉપરાંત શિરોમણી અકાલી દળના પ્રમુખ છે. શિરોમણી અકાલી દળ વર્ષો સુધી ભાજપની સાથે ગઠબંધન ધરાવતી પાર્ટી હતી. પ્રકાશ સિંહ બાદલે આ પ્રકારે પદ્મ વિભૂષણ પરત કરી દેતાં કેન્દ્ર સરકાર પર દબાણ વધ્યું છે.

પ્રકાશ સિંહ બાદલે રાષ્ટ્રપતિને પત્ર લખીને કેન્દ્ર સરકાર સામે નારાજગી વ્યક્ત કરતાં આ કાયદો પરત લેવા જણાવ્યું છે.

પ્રકાશ સિંહ બાદલે રાષ્ટ્રપતિને પત્રમાં લખ્યું છે કે, ‘ભારત સરકાર દ્વારા બનાવાયેલ ફાર્મ એક્ટ વિરુદ્ધ શાંતિપૂર્ણ પ્રદર્શન કરી રહેલા ખેડૂતોના સમર્થનમાં હું પદ્મ વિભૂષણ પરત આપવા માટે આ પત્ર લખી રહ્યો છું. ભારત સરકાર જ્યારે આ વટહુકમો લાવી હતી ત્યારે કહેવામાં આવ્યું હતું કે, આ બિલ અંગે ખેડૂતોની અપેક્ષાઓ અને સંતોષને ધ્યાને લેવામાં આવશે. સરકારની આ વાત પર મેં પણ વિશ્વાસ મૂક્યો હતો અને ખેડૂતોને સરકારની વાત માનવા કહ્યું હતું. પરંતુ સરકાર પોતાના વચનથી ફરી ગઈ ત્યારે મને પણ આશ્ચર્ય થયું. આ ક્ષણ મારી રાજકીય કારકિર્દીની ખૂબ જ પીડાદાયક ક્ષણ હતી. હું મારી ભાવનાઓને શબ્દોમાં જણાવી નથી શકતો. મને આશ્ચર્ય થાય છે કે કેમ સરકાર ખેડૂતો પ્રત્યે આટલી નિષ્ઠુર છે.

હું એવા રાષ્ટ્રપતિને સંબોધન કરીને આ પત્ર લખી રહ્યો છું જેના દેશની 70 ટકા વસતી ખેડૂત છે. આ ખેડૂતો 70 વર્ષથી નિઃસ્વાર્થ ભાવે અન્નદાતા બનીને દેશની સેવા કરી રહ્યા છે. સાઈઠના દશકમાં જ્યારે દેશ ભૂખમરાનો સામનો કરી રહ્યો હતો ત્યારે સરકારે ખેડૂતોનો સહારો લીધો અને ત્રણ વર્ષની અંદર દેશ અન્નની નિકાસ કરતો થઈ ગયો હતો. હરિયાળી ક્રાંતિમાં પંજાબના ખેડૂતોએ પોતાની જમીનની ફળદ્રુપતા અને પાણી બન્નેનું બલિદાન આપી દીધું. જો કે આજે એ જ ખેડૂતોને પોતાના જીવન જીવવાના મૂળભૂત અધિકાર માટે સંઘર્ષ કરવાની ફરજ પડી છે.

દુઃખની વાત એ છે કે અહીં ખેડૂતોની વેદના પ્રત્યે કોઈ સંવેદનશીલતા દેખાતી નથી. મને આશા છે કે દેશના પ્રથમ નાગરિક તરીકે તમે પણ મારી જેમ આ બાબતે સંપૂર્ણ ચિંતિત હશો.

આપણા દેશમાં ખેતીનો વ્યવસાય ક્યારેય લાભદાયક નથી રહ્યો. કેમ કે કૃષિ ઉત્પાદનના ખર્ચમાં ઘણો વધારો થયો હતો જ્યારે કૃષિ પેદાશના ભાવમાં નજીવો વધારો આવ્યો છે. ખર્ચને પહોંચી વળવા માટે અને પરિવારનું ગુજરાન ચલાવવા ખેડૂતોએ લોન લેવાની ફરજ પડી છે. જ્યારે શિરોમણી અકાલી દળે સાથી પક્ષ તરીકે સરકારને રાષ્ટ્ર હિતમાં ખેડૂતોને દેવામાંથી મુક્તિ અપાવવા વિનંતી કરી હતી ત્યારે મજાક ઉડાવવામાં આવી હતી.

કરોડોની કોર્પોરેટ લોન માફ થઈ જાય છે પરંતુ કોઈએ ખેડૂતોના દેવા માફ કરવાનું વિચાર્યું નથી એ આશ્ચર્યની વાત છે.

સરકાર દ્વારા ત્રણ કૃષિ કાયદા મુદ્દે કરવામાં આવેલા ખેડૂતોને વિશ્વાસઘાતના વિરોધમાં મેં આ સન્માન પરત આપવાનું નક્કી કર્યું છે. હું એટલો ગરીબ છું કે ખેડૂતો માટે કુર્બાન કરવા માટે મારી પાસે કંઈ છે નહીં. ખેડૂતોનું જે રીતે અપમાન થઈ રહ્યું છે તે જોતા કોઈ સમ્માન રાખવાનો ફાયદો નથી. આ કાયદાઓ પરત ખેંચી લેવામાં આવે અને ખેડૂતોની માગ છે કે તેમની સાથે આ મુદ્દે ગંભીરતાથી વાતચીત કરવામાં આવે.

અંતમાં રાષ્ટ્રપતિ સમક્ષ વિનંતી કરતાં પ્રકાશ સિંહ બાદલે લખ્યું કે, મને આશા છે કે આપ આ ખેડૂતોનો આત્મવિશ્વાસ જીતવા અને આપણા દેશની બિનસાંપ્રદાયિક લોકશાહીને મજબૂત બનાવશો.’

બે મહિના પહેલા શિરોમણી અકાલી દળના હરસિમરત કૌરે મોદી સરકારના મંત્રી મંડળમાંથી રાજીનામું આપ્યું હતું અને આ કૃષિ કાયદાને ખેડૂતો સાથે થયેલું મોટું કપટ બતાવ્યું હતું.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments