Team Chabuk-Sports Desk : આ વર્ષની આઈપીએલમાં 20 લાખની રકમથી ખરીદાનારા માસ્ટર બ્લાસ્ટર અને ક્રિકેટના ભગવાન સચિન તેંડુલકરના પુત્ર અર્જુન તેડુલકરની ટીકાનો સિલસિલો વણથંભ્યો છે. સોશિયલ મીડિયા પર સચિનના પુત્રની કોઈ ને કોઈ કારણોસર આકરી ઝાટકણી કાઢવામાં આવી રહી છે. વહેલા મોડા આ ઘટના બનવાની જ હતી. 2021માં એ બની રહી છે.
સચિન તેંડુલકર પર ડોક્યુમેન્ટ્રી ફિલ્મ સચિન અ બિલિયન્સ ડ્રિમમાં પણ આ વાત સામે આવી હતી કે ક્રિકેટમાં તે કરિયર ન બનાવી શકે અને તેનું પ્રદર્શન સારું ન રહેતા ક્રિકેટને છોડવાનો વારો આવે તો તેને યાદ રાખવાનું છે કે એ સચિનનો પુત્ર છે. આ મુદ્દે તેની ટીકા પણ થવાની જ છે.
ઝહીર ખાને પણ મુંબઈ ઈન્ડિયન્સમાં આવનારી મેચમાં રમનારા અર્જુન તેંડુલકરને ઉલ્લેખીને આ વાત જ સામે રાખી હતી. ઝહીરે કહ્યું કે, ‘‘અર્જુનની ઉપર હંમેશાંથી સચિન તેંડુલકરના પુત્ર હોવાનો દબાવ રહેવાનો જ છે. આ એ વસ્તુ છે જેની સાથે અર્જુને કાયમી રહેવાનું છે. મેં નેટમાં તેની સાથે સમય પસાર કર્યો છે. તેને ક્રિકેટની કેટલીક ટીપ્સ આપી છે. એ મહેનતું છોકરો છે. શીખવા માટે ઉત્સુક છે. મુંબઈ માટે રમવું એ તેને સારા ક્રિકેટર બનવામાં મદદરૂપ થશે. જ્યારે પણ એક યુવા ખેલાડી હરરાજીમાં પસંદ થાય છે ત્યારે તેની ચર્ચા થવાની જ છે. અર્જુને ખુદને સાબિત કરવાનો રહેશે અને તેની પાસે ક્ષમતા છે એ દેખાડવાનું રહેશે.’’
ઝહીરની વાત સો ટકા સાચી છે. ભલે ચાર મેચમાં અર્જુનનું પ્રદર્શન સારું રહે છે પણ બાકીના બેક ટુ બેક મેચમાં તે કશું નથી કરી શકતો તો આલોચકો ફરી એ વાતની લાકડી લઈ અર્જુન પર તૂટી પડશે કે તેને કશું આવડતું નથી. તે લાગવગથી આવ્યો છે. સોશિયલ મીડિયાના જમાનામાં હવે દરેક વ્યક્તિ ટીકા કરતો થઈ ગયો છે ત્યારે અર્જુન ઉપર ટ્રોલર્સ વરસવાના જ છે.
આ વચ્ચે અર્જુનને લઈને જ એક બીજા સમાચાર સામે આવી રહ્યા છે. માની લો કે હરરાજીમાં અર્જુનના પસંદગી પામ્યા પછી તો જાણે અર્જુન સિવાય કોઈ સમાચાર ક્રિકેટ જગતમાં છે જ નહિ.
આઈપીએલની હરરાજીમાં વિરેન્દ્ર સહેવાગના ભાણીયા મયંક ડાંગરનું નામ પણ સામેલ હતું. સહેવાગ અને મયંકની માતા કઝિન થાય છે. ભાઈ બહેન. અર્જુન તેંડુલકરની પસંદગી થઈ છે જ્યારે મયંકની પસંદગી નથી થઈ. અર્જુને અત્યાર સુધીમાં બે ટી ટ્વેન્ટી મેચ રમેલા છે. જેમાં તેનું પ્રદર્શન પણ નિરાશાજનક રહ્યું છે. તેણે જાન્યુઆરીમાં સૈયદ મુશ્તાક અલી ટી ટ્વેન્ટી ટ્રોફીમાં ડેબ્યુ કર્યું હતું. બે મેચ રમ્યા. બે વિકેટ લીધી અને કુલ ત્રણ રન બનાવ્યા.
સામેની બાજુ મયંકના નામે 800થી વધારે રન નોંધાયેલા છે. 100થી વધારે વિકેટ લીધેલી છે. 24 વર્ષના મયંકે વર્ષ 2016માં ફર્સ્ટ ક્લાસમાં ડેબ્યુ કર્યું હતું. અત્યાર સુધી તે 23 ફર્સ્ટ ક્લાસ મેચ રમી ચૂક્યો છે. જેમાં 21.35ની એવરેજથી 598 રન બનાવ્યા છે. 71 તેનો વ્યક્તિગત હાઈ સ્કોર છે. બીજી તરફ 30.31ની એવરેજથી 64 વિકેટ પણ લીધી છે. જેમાં 138 રનમાં 5 વિકેટ અને અન્ય એક મેચમાં 64 રન આપી 6 વિકેટ પણ લીધી છે.
ડિસેમ્બર 2015માં લિસ્ટ એ માટે ડેબ્યુ કરીને મયંકે અત્યાર સુધીમાં 26 મેચ રમેલા છે. જેમાં 12.85ની એવરેજથી 180 રન બનાવ્યા છે. જેમાં 46 વ્યક્તિગત સ્કોર છે. 30 વિકેટ પણ તેના નામે છે. આ સિવાય એક મેચમાં પાંચ વિકેટ પણ લઈ ચૂક્યો છે. લિસ્ટ એમાં જ બોલિંગમાં તેણે 27 રનમાં 5 વિકેટ લીધેલી છે.
વાત જો ટી ટ્વેન્ટીની કરવામાં આવે તો મયંકે 31 ટી ટ્વેન્ટી મેચમાં 46 રન બનાવ્યા છે. 23.37ની એવરેજથી 29 વિકેટ મેળવી છે. જેમાં 28 રન આપી ત્રણ વિકેટ એ તેનું શ્રેષ્ઠ પ્રદર્શન છે. અનુભવની જો વાત કરવામાં આવે તો અર્જુન કરતા મયંકનું પ્રદર્શન શ્રેષ્ઠ છે અને આ કારણે જ તુલનાની વાત નીકળે ત્યારે મયંક પસંદગીનો સૌ પ્રથમ હકદાર છે.
મયંક તો ન ખરીદાયો પણ મયંક સિવાય અવિ બરોટ અને કેદાર જાદવનાં પણ કોઈ લેણદાર ન રહ્યા. કેદાર જાદવે સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં આ સિઝનના 8 મેચમાં 69.80ની એવરેજથી અને 113.68ની સ્ટ્રાઈક રેટથી 349 રન બનાવ્યા હતા. અવિ બારોટે 5 મેચમાં 56.60ની એવરેજથી 184.97ની સ્ટ્રાઈક રેટથી 283 રન બનાવ્યા હતા.
હવે અર્જુનનું મુંબઈ ઈન્ડિયન્સ તરફથી રમવું અને મયંક સહિતના ખેલાડીઓનું સારું પ્રદર્શન હોવા છતાં કોઈ લેણદારે હાથ ન ઝાલવો એ ચર્ચાનો વિષય તો બનવાનો જ છે. ત્યારે મુંબઈ ઈન્ડિયન્સ માટે અર્જુનનું રમવું એ ફાયદાનો સોદો થાય છે કે પછી ખોટનો એ તો આ વર્ષની આઈપીએલ જ બતાવી દેશે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત