Team Chabuk-National Desk : ઉત્તરપ્રદેશના ગાઝિયાબાદમાં ફરી એકવાર ખૂની ખેલ ખેલાયો. અહીં અસામાજિક તત્વોએ દિવસ દરમિયાન ખુલ્લેઆમ એક તાંત્રિકને તલવારથી રહેસી નાખ્યો. એટલું જ નહીં ફિલ્મી અંદાજમાં આ લોકોએ ઘટનાસ્થળે હાજર લોકોને ધમકી પણ આપી કે, જો કોઈ આગળ વધ્યા તો તેને પણ કાપી નાખીશું.
ઘટના ઉત્તરપ્રદેશના ગાઝિયાબાદ જિલ્લાના મુરાદનગર વિસ્તારની છે. અહીં શુક્રવારે બે આરોપીઓએ ઘટનાને અંજામ આપ્યો. તેમણે નવી નૂરગંજ કોલોનીમાં રહેતા 50 વર્ષીય સૂફી આસ મોહમ્મદ નામના તાંત્રિક પર ભર બજારે તલવારથી હુમલો કરી દીધો હતો. હત્યા કર્યા બાદ આરોપીઓ હવામાં તલવાર લહેરાવતા-લહેરાવતા જતાં રહ્યાં હતાં.
બનાવની જાણ થતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. અને સૂફીને હોસ્પિટલ લઈ ગઈ હતી. પોલીસ ઘટનાસ્થળે મોડી પહોંચતા લોકો પણ રોષે ભરાયા હતા, જેથી લોકોએ પોલીસનો ઘેરાવ કરી હોબાળો મચાવ્યો હતો. જોકે, ગ્રામ્ય એસપી ડૉ.ઈરાજ રાજાએ લોકોને આશ્વાસન આપ્યું હતું કે હત્યારાઓને ઝડપથી પકડી લેવામાં આવશે. ત્યારબાદ મામલો થાળે પડ્યો હતો. મૃતકનાં દીકરાની ફરિયાદના આધારે હાલ પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.
મૃતકના પુત્રએ સમગ્ર ઘટના અંગે વિગતો આપતા કહ્યું હતું કે, જે દિવસે હત્યા થઈ તે દિવસે બે શખ્સો કાળા કપડાં પહેરીને તેમના ઘરે પહોંચ્યા હતા. સવારે અંદાજે 10 વાગ્યા હશે. જ્યારે ઘરના સભ્યોએ તેને સૂફી આસ મોહમ્મદ ઘરે ન હોવાનું જણાવ્યું તો તેમણે ફોન કરવાનું કહ્યું. જોકે, તે સમયે ફોન બંધ આવ્યો હતો. થોડીવાર ઉભા રહ્યા બાદ બંને શખ્સો ત્યાંથી જઈ રહ્યા હતા. આ દરમિયાન સૂફી ઘર પાસેથી શેરીમાંથી પોતાની ઈ-રિક્ષા લઈને આવી રહ્યો હતો. બંને શખ્સોએ તેમને ત્યાં જ રોક્યા અને વાળ પકડીને રિક્ષામાંથી બહાર કાઢ્યા. તેની સાથે મારપીટ કરી. તેમને ઢસડીને નજીકમાં જ ઈદગાહ પુલ પાસે લઈ ગયા. ત્યારબાદ તેમના પર તલવાર વડે હુમલો કરી દીધો.
સૂફી તાંત્રિક ઉપરાંત પોતે માર્કેટમાં ફળ વેચવાનું અને ઈ-રિક્ષા ચલાવવાનું પણ કામ કરતા હતા. જ્યારે બંને શખ્સો તેના ઘરે આવ્યા હતા ત્યારે તે પોતાની ઈ-રિક્ષા લઈને ધંધો કરવા માટે જ ગયા હતા. તેમને પાંચ સંતાનો છે.
સ્થાનિકોએ કહ્યું કે, ધોળા દિવસે હત્યાથી તેઓ ડરી ગયા હતા. કેટલાક લોકો સૂફીને બચાવવા માટે આગળ પણ વધ્યા હતા, પરંતુ હત્યારાએ ધમકી આપી હતી કે જો કોઈ આગળ વધ્યું તો તેમને પણ કાપી નાખીશુ. હત્યારાની ધમકીથી લોકો ડરી ગયા હતા અને માત્ર મૂકદર્શક બની ગયા હતા. સ્થાનિકોએ માગણી કરી છે કે હત્યારાઓને તાત્કાલિક નહીં ઝડપી લેવામાં આવે તો તેઓ આંદોલન કરશે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત