Team Chabuk- Gujarat Desk: અમદાવાદમાં વધુ એક હનીટ્રેપનો કિસ્સો સામે આવ્યો છે. હનીટ્રેપનો શિકાર બન્યો છે શાહનવાઝ શેખ નામનો આરોપી. આ યુવક આફરિન નામની યુવતીના પ્રેમમાં એટલો પાગલ બની ગયો હતો કે યુવતીના કહેવાથી તે કઈ પણ કરી જવા તૈયાર થઈ ગયો હતો. જો કે, પ્રેમમાં પાગલ બનેલા યુવકને ભાન ત્યારે થયું જ્યારે ફોન પર સોના, બાબુ, દીકુ કહેતી યુવતીએ જ પતિ અને ભાઈ સાથે મળીને 77 હજાર રૂપિયા પડાવી લીધા. અમદાવાદના વેજલપુર પોલીસ સ્ટેશનમાં આ કેસ નોંધાયો છે.
પહેલાં બ્લેન્ક મેસેજ કર્યો
15 ફેબ્રુઆરી 2021. આ એ જ દિવસ હતો જ્યારે અજાણ્યા નંબર પરથી શાહનવાઝ શેખ નામના યુવકને અજાણ્યા નંબર પરથી બ્લેન્ક મેસેજ આવ્યા. મેસેજમાં કોઈ શબ્દો લખેલા ન હતા. 17મી ફેબ્રુઆરીએ ફરી આ જ નંબર પરથી કોલ આવ્યો. સામે છેડેથી યુવતી અવાજ આવ્યો. આ યુવતી હતી આફરીન.
8 વર્ષ પહેલાં મળ્યા હતા
આફરીન અને શાહનવાજ શેખ 8 વર્ષ પહેલાં એક લગ્ન પ્રસંગમાં મળ્યા હતા. જ્યાં બંનેની આંખો મળી ગઈ હતી. આ બાદ તેઓ સોશિયલ મીડિયા તેમજ ફોન કોલ દ્વારા સતત નજીક રહેવા લાગ્યા હતા પરંતુ તેમની પ્રેમ કહાની બહુ લાંબી ચાલી ન હતી. થોડા સમય વાતો કર્યા બાદ અચાનક બંનેનો સંપર્ક તૂટી ગયો હતો.
આફરીને શાહનવાઝને ઘરે બોલાવ્યો
17 ફેબ્રુઆરીએ અચાકન આફરીનનો કોલ આવતા શાહનવાજ શેખ હરખાઈ ગયો હતો જો કે, તેમને ખબર ન હતી કે તે બકરાને કાપતા પહેલાં તેને ચારો નાખવામાં આવી રહ્યો છે. આફરીને થોડી મીઠી-મીઠી વાતો કરી અને પછી વાતો-વાતોમાં જ શાહનવાજને ઘરે આવવા આમંત્રણ આપી દીધું. આફરીને શાહનવાઝને કહ્યું કે, ઘરે એકલી જ છું મળવા આવ.
ઘરે આફરીનના પતિ, ભાઈએ સ્વાગત કર્યું !
આફરીનની આ વાત સાંભળીને શાહનવાજ શેખ મનમાં કેટકેટલાય અરમાન લઈને તાત્કાલિક આફરીને આપેલા એડ્રેસ પર પહોંચી ગયો. જો કે, ત્યાં પહેલાથી જ તેના સ્વાગત માટે આફરીનનો પતિ અને આફરીનનો ભાઈ તૈયાર હતા. જેવો શાહનવાઝ આફરીનના ઘરે પહોંચ્યો કે આફરીનના પતિએ તેને ઝડપી લીધો. એટલું જ નહીં ઘરમાં લઈ જઈને ઢોર મારી 50 હજાર રૂપિયાની માગણી કરી. દાવો છે કે, આ દરમિયાન શાહનવાઝના ખીસ્સામાં 17 હજાર જેટલા રૂપિયા હતા જે પણ આફરીનનના પતિએ લઈ લીધા.
શાહનવાઝના પિતા પાસેથી 20 હજાર પડાવ્યા
શાહનવાઝના ખીસ્સા ખાલી કર્યા બાદ હવે તેના શાહનવાઝના પિતાનો વારો હતો. આરોપી શાહનવાઝને કારમાં બેસાડી બાવળા નજીક લઈ ગયા. જ્યાં શાહનવાઝના પિતાને બોલાવી તેની પાસેથી પણ 20 હજાર જેટલા રૂપિયા પડાવ્યા.
બાઈકના પણ 40 હજાર લીધા
શાહનવાઝ આફરીનને મળવા બાઈક લઈને ગયો હતો. જે આફરીનના ઘરે જ પડ્યું હતું. શાહનવાઝે આટઆટલો માર ખાધો અને રૂપિયાની ચૂકવણી કર્યા બાદ હિંમત કરીને પોતાનું બાઈક માગ્યું. જો કે, ત્યાં પણ આરોપીએ દાદાગીરી ચાલુ જ રાખી. યુવકના પિતા પાસેથી બાઈકના વધુ 40 હજાર રૂપિયા પડાવી લીધા. આમ, આરોપીઓએ કુલ 77 હજાર રૂપિયા પડાવ્યા.
આરોપીઓ પોલીસના સંકજામાં
આખરે આરોપીઓથી ત્રાસી જઈને શાહનવાઝ અને તેના પિતાએ પોલીસને સંપર્ક કર્યો હતો. જે બાદ પોલીસે કાર્યવાહી કરતાં આફરીન ઉપરાંત આફરીના પતિ અને ભાઈની ધરપકડ કરી છે. આમ, આરોપીને હવે જેલના સળિયા ગણવાનો વારો આવ્યો છે. બીજી તરફ પોલીસે એ પણ તપાસ શરૂ કરી છે કે, આફરીને પોતાની જાળમાં અન્ય કેટલા યુવકોને ફસાવ્યા છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત