ચાબુક તને કદાચ ખબર નહીં હોય. મારો તો આખો દિવસ ઉચાટમાં વીત્યો જ્યારે ખબર પડી કે આજે સાંજે છ વાગ્યે મોદી સાહેબ બોલવા માટે આવવાના છે. કેટલું બધું લખવું પડશે. મેટરના વિવિધ એન્ગલ કાઢવા પડશે. મોટી જાહેરાતો હશે એવું લાગતું હતું. પણ ?
‘પણ શું ગોવા બાપા?’
‘પણ એવું કંઈ ન નીકળ્યું?’ મારો તો કપાસ વીણવાનો ટાઇમ હતો એય આખો ઓફિસમાં ગયો. રાહ જોઈ જોઈને થાક્યો ત્યારે કોથળામાંથી બિલાડુ નીકળ્યું.
મને દુખ છે એ વાતનું ચાબુક કે મોદી સાહેબને હજુ ટીવી પર આવી લોકોને સમજાવવું પડતું હોય કે કોરોનાને લઈ બેજવાબદાર ન બનો તો આ શરમની વાત છે. જોકે આ વાત તો ચૂંટણીમાં કોરોના છે જ નહીં એ રીતે પ્રચાર કરતાં નેતાઓને પણ એટલી જ લાગુ પડે છે.
ચાબુક પ્રધાનમંત્રી એ કોઈ પાર્ટીના નથી હોતા. એટલે ભાજપ હોય કે કોંગ્રેસ ચૂંટણી જીતવા માટે જે ભીડ એકઠી કરી દોડાદોડી કરે છે એમને નરેન્દ્રભાઈના શબ્દો ખાસ લાગુ પડે છે.
મોદી સાહેબે કીધું કે લોકડાઉન ચાલ્યું ગયું છે વાઈરસ નથી ગયો. ખબર નહીં આ વુહાનિયો મારો પીટીયો ક્યારે જાહે? એમણે દેશની જનતામાં એક આત્મવિશ્વાસનો સંચાર કર્યો, કે ગત્ત 7-8 મહિનાથી દરેક ભારતીયના પ્રયાસથી ભારત આજે જે સ્થિતિમાં છે તેને ડગમગવા નથી દેવાની. સુધારો કરવાનો છે. દેશની રિકવરી રેટ પણ સારી છે.
મોદી સાહેબે તો એમ પણ કીધું ચાબુક કે, બીજા સાધન સંપન્ન દેશોની સાપેક્ષે ભારત તેના સૌથી વધારે નાગરિકો બચાવવામાં સફળ રહ્યું છે. તે શું ચાબુક ભારત સાધન સંપન્ન દેશ નથી? ભારત તો વિશ્વગુરૂ છે! હાઈડ્રોક્સિક્લોરોક્વીનનો મોટો જથ્થો મોકલનારા આપણે જ તો હતા.
ચાબુક મોદી સાહેબ તો એવું પણ કહેતા હતા કે, કોવિડ-19ની વચ્ચે ટેસ્ટની વધતી સંખ્યા આપણી એક વધારે તાકાત છે. આ સાચી વાત છે હો ચાબુક. 104 બોલાવીએ તો બઘડાટીયું બોલાવતી હડેડાટ આવી જાય છે. ઠેકઠેકાણે ટેસ્ટિંગ કરવાવાળા પણ છે. આપણે ચાબુક ટીકા કરવાની હોય ત્યારે ટીકા ભલે કરી નાખીએ, પણ સાચી વાત એ છે કે જ્યારે સાચું બોલે ત્યારે સાચું જ બોલે છે, એમ પણ કહી દઈએ. તફાવત તો કહેવો પડેને!
‘જબ તક દવાઈ નહીં ત્યાં સુધીણ ઢીલાઈ નહીં.’
‘આ શું છે ગોવા બાપા?’
‘જબ તક દવાઈ નહીં તબ તક ઢીલાઈ નહીં.’
મોદી સાહેબે તો એમ પણ આશ્વાસન આપ્યું છે કે જ્યારે કોરોના વેક્સીન આવશે ત્યારે દરેક ભારતીય સુધી તે કેવી રીતે પહોંચે તેની પણ સરકાર તૈયારી કરી રહી છે. એ તે કોઈને સાંભળવું હોય તો પ્રવચન પણ અહીં મુકુ છું.
#2 હા જો ચાબુક મને યાદ આવ્યું. વખાણેલ ખીચડી દાઢે વળગી. વાત એવી છે કે મધ્યપ્રદેશમાં શિવરાજસિંહ ચૌહાણે પ્રદ્યુમન સિંહ તોમરના વખાણ કરી નાખ્યા. તોમર પછી હાથમાં ન રે હો બાપા. એ બે વખત શિવરાજસિંહના પગે પડ્યા. આ વિષય પર સોશિયલ મીડિયામાં એવી કોમેન્ટો થઈ છે ચાબુક કે વાત જવા દે. પણ આપણા જે વાંચક મિત્રો અહીં સુધી આવ્યા એમને વીડિયો તો દેખાડી દઈએ. ઓસ્કર એવોર્ડમાં નામાંકન થાય એવી ફિલ્મ છે ચાબુક. આમેય જલજીરા કહેતો હતો કે આ વખતે ઓસ્કરમાં જોઈએ એવી લાકડાછાપ ફિલ્મો છે નહીં.
बेटा वहां नजर नहीं आया कैमरे को, दोबारा पकड़ पैर 😂😂😂 pic.twitter.com/53CKB1mJlQ
— Rofl Gandhi 2.0🏹 (@RoflGandhi_) October 20, 2020
#3 તે ગોવા બાપા હવે ફારુક અબ્દુલ્લાની પાછળ ED પડી ગઈ છે?
હા બેટા ચાબુક. જે ઘટના છે એ જોતા મેં તો જગમાલની દુકાને બીડી પીવા જાવાનું પણ ક્રિકેટ નહીં રમવાનું આવું મનોમન નક્કી કર્યું છે.
‘કેમ ? આવું બધું શું કરી નાખ્યું ફારૂક અબ્દુલ્લાએ ?’
જમ્મુ કાશ્મીર ક્રિકેટ એશોસિએશન માટે ફારૂકને 2002-2012ની વચ્ચે કુલ 113 કરોડ રૂપિયા આપવામાં આવ્યા હતા. જેથી કાશ્મીરના યુવાઓ ક્રિકેટ રમે. પણ મને આજેય કાશ્મીરમાંથી ક્રિકેટરો આવતા દેખાતા નથી. આટલી વાતમાં તો તું સમજી જ ગ્યો હઈશો ચાબુક. વાત જાણે એમ બની કે એમાંથી 43.69 કરોડ રૂપિયાનું ગોલમાલ થઈ ગયું. હવે ગોલમાલ થયું ત્યારે ફારૂક ભાઈ અધ્યક્ષ હતા. પહેલા તપાસ પોલીસ કરી રહી હતી. પછી સીબીઆઈ કરવા માંડી પછી ખબર પડી કે મોટું ગબન છે એટલે સીધા ED વાળા કે હાલો આ બાજુ આવતા ર્યો. સોમવારે જ 7 કલાક પૂછતાછ કરી છે.